Home Gujarat Tragic End To A Love Affair In Vadodara

વડોદરામાં પ્રેમસંબંધનો કરુણ અંત : યુવતીએ પોતાના મંગેતરની દુપટ્ટાથી ગળું દબાવી હત્યા કરી, ચકચારીત ઘટના

વડોદરામાં પ્રેમસંબંધનો કરુણ અંત
Published by: OBS Bureau
Last Updated: Jan 02, 2026, 06:31 AM IST

Vadodara Crime News : વડોદરાની પ્રતાપનગર રેલવે કોલોનીમાં પ્રેમસંબંધનો કરુણ અંત આવ્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. જે યુવક અને યુવતી જીવનભર સાથે રહેવાના સપના જોઈ રહ્યા હતા, એ સંબંધ અંતે હત્યા સુધી પહોંચ્યો છે. રેલવેમાં નોકરી કરતી યુવતીએ પોતાના મંગેતરની દુપટ્ટાથી ગળું દબાવી હત્યા કરી હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બહાર આવ્યું છે. આ ઘટનાના ખુલાસા બાદ મકરપુરા પોલીસે યુવતી સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રેમસંબંધનો કરુણ અંત

છોટા ઉદેપુર જિલ્લાના રોઝકુવા ગામના 23 વર્ષીય સચિન ગણપતભાઈ રાઠવા અને રેલવેમાં નોકરી કરતી રેખા સકુભાઈ રાઠવા વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો. બંનેએ પરિવારની સંમતિથી મે, 2025માં સગાઈ કરી હતી અને આવનારા માર્ચ મહિનામાં લગ્ન નક્કી થયા હતા. રેખા વડોદરાની પ્રતાપનગર રેલવે કોલોનીમાં રહેતી હોવાથી સગાઈ બાદ સચિન પણ તેની સાથે રહેવા આવ્યો હતો અને બંને એકસાથે રહેતા હતા.

અવારનવાર ઝઘડા અને...

પરંતુ છેલ્લા કેટલાક સમયથી સચિનને રેખાના અન્ય કોઈ યુવક સાથે સંબંધ હોવાની શંકા હતી, જેને કારણે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. 29 ડિસેમ્બર, 2025ના રોજ પણ બંને વચ્ચે ઉગ્ર વિવાદ થયો હતો. આ ઝઘડા દરમિયાન રેખાએ લગ્ન કરવાની ના પાડી હોવાનું સામે આવ્યું છે. આ બાબતે સચિને પોતાના પિતા ગણપતભાઈ રાઠવાને ફોન કરીને જણાવ્યું હતું કે રેખા લગ્ન કરવા માગતી નથી અને તેને હેરાન કરે છે.

સચિન સૂતો હતો ત્યારે રેખાએ પોતાના દુપટ્ટા વડે...

પોલીસ તપાસ મુજબ, આ જ દિવસે રાત્રે સચિન સૂતો હતો ત્યારે રેખાએ પોતાના દુપટ્ટા વડે તેનું ગળું દબાવી હત્યા કરી હતી. બાદમાં તેણે પાડોશીઓને જણાવ્યું હતું કે સચિન ઊંઘમાંથી જાગતો નથી. પાડોશીઓની મદદથી સચિનને તાત્કાલિક સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. શરૂઆતમાં આ મોત સંદિગ્ધ લાગતું હતું.

પોલીસ તપાસમાં થયો ખુલાસો

પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ગળાના ભાગે નિશાન મળતા ગળાફાંસો આપી હત્યા કરવામાં આવી હોવાની પુષ્ટિ થઈ હતી. રેલવે કોલોનીમાં બાજુમાં રહેતા દીપકકુમાર શાહે જણાવ્યું હતું કે રેખા રડતી હાલતમાં ગેટ ખોલીને આવી અને સચિન જાગતો નથી તેમ કહ્યું હતું. યુવકને જગાડવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ હલનચલન ન જોવા મળતા એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. સચિનના પિતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો. શરૂઆતમાં રેખાએ પોલીસને ત્રણ દિવસ સુધી ગોળગોળ જવાબો આપ્યા હતા, પરંતુ કડક પૂછપરછ દરમિયાન તેણે આખરે હત્યા કર્યાની કબૂલાત કરી હતી. હાલ મકરપુરા પોલીસે યુવતી સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાના પાછળનું ચોક્કસ કારણ શું હતું અને અન્ય કોઈ બાબત સંડોવાયેલી છે કે નહીં, તે દિશામાં પોલીસ તપાસ ચાલુ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now