Home International Tobacco Products Price Hike Central Excise Amendment Bill 2025 Parliament Gujarati News

સિગારેટ, તમાકુ, પાન મસાલાના ભાવમાં થશે ભડકો : સંસદમાં સરકારના બે નવા બિલ

સિગારેટ, તમાકુ, પાન મસાલાના ભાવમાં થશે ભડકો
Published by: OBS Bureau
Last Updated: Dec 01, 2025, 03:53 PM IST

તમાકુ અને પાન મસાલાનું સેવન કરતા લોકોના ખિસ્સા પર હવે મોટો બોજ આવવાનો છે. કેન્દ્ર સરકાર સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાતી આવી ચીજવસ્તુઓ પર ટેક્સનું માળખું બદલી રહી છે જેના કારણે ભવિષ્યમાં આ ઉત્પાદનોની કિંમતો આસમાને પહોંચશે તે નક્કી છે. હાલમાં લાગતા કોમ્પેન્સેશન સેસની જગ્યાએ સરકાર હવે સેન્ટ્રલ એક્સાઈઝ અમેન્ડમેન્ટ 2025 અને હેલ્થ સિક્યુરિટી ટુ નેશનલ સિક્યુરિટી સેસ નામના કાયદા લાવવા જઈ રહી છે. સોમવારે જ સરકારે લોકસભામાં આ બંને મહત્વના બિલ રજૂ કરી દીધા છે. આ પગલાં પાછળ સરકારનો ઉદ્દેશ્ય રેવન્યુ જાળવી રાખવાનો અને લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા કરવાનો છે.

સરકારી તિજોરી પર અસર ન પડે તે માટે નિર્ણય

વર્તમાન સમયમાં સરકાર સિગારેટ અને પાન મસાલા જેવી પ્રોડક્ટ્સ પર 28 ટકા જીએસટી ઉપરાંત કોમ્પેન્સેશન સેસ વસૂલે છે. જોકે આ કોમ્પેન્સેશન સેસની મુદત આવતા વર્ષે માર્ચ મહિનામાં પૂર્ણ થઈ રહી છે. ત્યાર બાદ કાયદાકીય રીતે સરકાર આ સેસ ઉઘરાવી શકશે નહીં. જો આ સેસ બંધ થાય તો સરકારની તિજોરી પર મોટી અસર પડે તેમ છે અને રેવન્યુમાં ઘટાડો થઈ શકે છે. આ આર્થિક નુકસાનથી બચવા અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સરકાર એક્સાઈઝ સંશોધન બિલ અને સ્વાસ્થ્ય સુરક્ષા સેસ કાયદો લાવી રહી છે.

મશીનરી પર લાગશે ટેક્સ

સરકારની નવી યોજના મુજબ હેલ્થ ટુ નેશનલ સિક્યુરિટી સેસ હેઠળ ઉત્પાદન કરતા મશીનો અને સાધનો પર ટેક્સ લગાડવામાં આવશે. અત્યાર સુધી સેસ ઉત્પાદન પર લાગતો હતો પરંતુ નવા નિયમ મુજબ મશીનની પ્રોડક્શન કેપેસિટી પર સેસ લાગશે. ઉદાહરણ તરીકે જો મશીનની ક્ષમતા 100 યુનિટ બનાવવાની હોય અને ઉત્પાદન માત્ર 50 યુનિટનું થાય તો પણ ટેક્સ પૂરેપૂરા 100 યુનિટ પર ભરવો પડશે. એક્સાઈઝ ડ્યુટી વધવાથી રાજ્યોને પણ ફાયદો થશે કારણ કે કેન્દ્રની આ આવકમાં રાજ્યોનો પણ હિસ્સો હોય છે.

ટેક્સના દરોમાં તોતિંગ વધારો

નવા કાયદા મુજબ ટેક્સના દરોમાં ધરખમ વધારો સૂચવવામાં આવ્યો છે. જૂના કાયદા મુજબ સિગાર પર 12 ટકા અથવા 1000 પીસ પર 4006 રૂપિયા ટેક્સ હતો જે હવે વધીને 25 ટકા અથવા 5000 રૂપિયા કરવામાં આવશે. 65 એમએમની સિગારેટ પર પ્રતિ 1000 પીસ 440 રૂપિયા ટેક્સ હતો જે વધારીને સીધો 3000 રૂપિયા કરાશે. જ્યારે 65 એમએમથી મોટી અને 70 એમએમથી નાની ફિલ્ટર સિગારેટ પર 440 રૂપિયાની જગ્યાએ 5200 રૂપિયા વસૂલાશે. આ ઉપરાંત 70 એમએમથી મોટી સિગારેટ પર 545 રૂપિયાની સામે હવે 7000 રૂપિયા ટેક્સ લેવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.

શા માટે બદલાયું માળખું?

વર્ષ 2017 માં જ્યારે જીએસટી લાગુ થયો ત્યારે રાજ્યોને મદદ કરવા કોમ્પેન્સેશન સેસ શરૂ કરાયો હતો જે પાંચ વર્ષ માટે હતો. પરંતુ કોરોના કાળમાં આવક ઘટતા કેન્દ્ર સરકારે રાજ્યોને મદદ કરવા લોન લીધી હતી. આ લોનની ભરપાઈ કરવા માટે 2022 માં મુદત પૂરી થઈ હોવા છતાં સેસ ચાલુ રાખવામાં આવ્યો હતો. હવે માર્ચમાં આ લોન પૂરી થતાં જૂની વ્યવસ્થા બંધ થશે અને તેની જગ્યાએ સેન્ટ્રલ એક્સાઈઝ એક્ટ 1944 નું સ્થાન નવો કાયદો લેશે. તદુપરાંત સપ્ટેમ્બરમાં જીએસટીના નવા દરો હેઠળ 28 ટકાના સ્લેબને દૂર કરીને 40 ટકાનો સ્લેબ લાવવામાં આવ્યો હતો જોકે પાન મસાલા પર 40 ટકા જીએસટી ક્યારે લાગુ થશે તે અંગે જીએસટી કાઉન્સિલ નિર્ણય લેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now