આંધ્રપ્રદેશના પ્રખ્યાત તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)માં તૈયાર થતા પવિત્ર લાડુ પ્રસાદને લઈને ચોંકાવનારો ભેળસેળ કૌભાંડ બહાર આવ્યું છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ હેઠળ બનેલી ખાસ તપાસ ટીમ (SIT) એ શોધ્યું છે કે લાડુ પ્રસાદની તૈયારીમાં વર્ષોથી ઘી તરીકે ભેળસેળયુક્ત સામગ્રીનો ઉપયોગ થતો હતો. આ મામલામાં મંદિર બોર્ડના ભૂતપૂર્વ વડા એ.વી. ધર્મ રેડ્ડીની પૂછપરછ કરવામાં આવી છે.
તપાસ સંસ્થાના અધિકારીઓએ જણાવ્યું કે ધર્મ રેડ્ડી તિરુપતિ સ્થિત SIT કાર્યાલયમાં હાજર રહીને લાંબી પૂછપરછનો સામનો કર્યો. આ દરમિયાન તપાસકર્તાઓએ ઘી ખરીદી સંબંધિત દસ્તાવેજો અને સપ્લાય ચેનની વિગતવાર તપાસ હાથ ધરી હતી.
રિપોર્ટ મુજબ 2019 થી 2024 વચ્ચે આશરે ₹250 કરોડ મૂલ્યના 6.8 મિલિયન કિલોગ્રામ નકલી ઘીનો પુરવઠો થયો હોવાનું સામે આવ્યું છે. આશ્ચર્યજનક રીતે ઉત્તરાખંડની એક ડેરી કંપનીએ આ ઘી પૂરુ પાડ્યું હતું, પરંતુ તે ડેરીએ તે સમયગાળા દરમિયાન દૂધ કે માખણનું એક પણ ટીપું ખરીદ્યું ન હતું.
તપાસમાં જાણવા મળ્યું કે સપ્લાયર કંપનીએ પામ તેલ, પામ કર્નલ તેલ અને એસિટિક એસિડ એસ્ટર જેવા ઔદ્યોગિક રસાયણોનો ઉપયોગ કરીને કૃત્રિમ રીતે “ઘી” તૈયાર કર્યું હતું, જે ગુણવત્તા ચકાસણીની પ્રક્રિયામાં ખોટા પરિણામો આપે તેવી રીતે બનાવવામાં આવ્યું હતું.
અહેવાલ અનુસાર આ ભેળસેળની શરૂઆત એ સમયગાળામાં થઈ હતી, જ્યારે એ.વી. ધર્મ રેડ્ડી ટીટીડીના એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કાર્યરત હતા. ભૂતપૂર્વ ચેરમેન વાય.વી. સુબ્બા રેડ્ડીના નજીકના સહયોગી અને અંગત સહાયક રહેલા ચિન્ના અપ્પન્નાની ધરપકડ બાદ તપાસ વધુ ગંભીર બની છે. અપ્પન્ના પર કથિત રીતે અયોગ્ય ડેરીઓને કોન્ટ્રાક્ટ આપવાના અને ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિના આરોપ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ SIT ટૂંક સમયમાં ભૂતપૂર્વ ચેરમેન વાય.વી. સુબ્બા રેડ્ડીને પણ નોટિસ મોકલી શકે છે. એજન્સીનો હેતુ પૂરેપૂરી સપ્લાય અને મંજૂરી પ્રક્રિયામાં સામેલ તમામ અધિકારીઓની જવાબદારી નક્કી કરવાનો છે, કારણ કે આ વિવાદે તિરુપતિના પ્રસાદની પવિત્રતા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.




















