Home International Israel Missile Strike Caspian Sea Russia Iran Weapons Supply Damage At Bandar Anzali Port

ઈઝરાયેલનો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર : કેસ્પિયન સાગરમાં ઘૂસીને રશિયા-ઈરાનની હથિયાર સપ્લાય લાઈન તોડી પાડી

ઈઝરાયેલનો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર
Published by: Nirali Gohil
Last Updated: Mar 25, 2026, 04:02 AM IST

Israel Attack: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ જંગની સીમાઓ હવે વટાવી રહી હોય તેમ જણાય છે. ઈઝરાયેલે ઈતિહાસમાં પહેલીવાર કેસ્પિયન સાગરમાં હુમલો કરીને રશિયા અને ઈરાન વચ્ચેના અત્યંત ગુપ્ત અને સુરક્ષિત ગણાતા હથિયાર સપ્લાય રૂટને નિશાન બનાવ્યો છે. અત્યાર સુધી આ વિસ્તાર અમેરિકા કે ઈઝરાયેલની પહોંચથી બહાર માનવામાં આવતો હતો, પરંતુ આ સર્જિકલ સ્ટ્રાઈકે સાબિત કરી દીધું છે કે ઈઝરાયેલ હવે દુશ્મન દેશના કોઈ પણ ખૂણે હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. આ હુમલો માત્ર સૈન્ય કાર્યવાહી નથી, પરંતુ રશિયા અને ઈરાન માટે એક મોટો વ્યૂહાત્મક સંદેશ પણ છે. રિપોર્ટ્સ અનુસાર, આ રૂટનો ઉપયોગ લાખોની સંખ્યામાં ગોળા-બારૂદ અને ઘાતક ડ્રોનની હેરાફેરી માટે કરવામાં આવતો હતો. ઈઝરાયેલના આ સાહસિક કદમથી હવે પશ્ચિમ એશિયામાં યુદ્ધનો વ્યાપ વધવાના સંકેતો મળી રહ્યા છે, જેની અસર વૈશ્વિક રાજનીતિ અને અર્થતંત્ર પર પણ પડી શકે તેમ છે.

કેસ્પિયન સાગર: રશિયા અને ઈરાનનું 'સુરક્ષિત આશ્રયસ્થાન' તબાહ

કેસ્પિયન સાગર દુનિયાનું સૌથી મોટું ઇનલેન્ડ વોટર બોડી છે, જે લાંબા સમયથી રશિયા અને ઈરાન માટે એક સુરક્ષિત કોરિડોર તરીકે કામ કરતું હતું. આ વિસ્તાર અમેરિકી નૌકાદળની પહોંચથી દૂર હોવાથી બંને દેશો અહીં કોઈપણ ડર વગર સૈન્ય સાધનોની આપ-લે કરતા હતા. આ જ રૂટ દ્વારા ૩ લાખથી વધુ આર્ટિલરી શેલ અને આશરે ૧૦ લાખ રાઉન્ડ દારૂગોળો ટ્રાન્સફર કરવામાં આવ્યો હોવાનું મનાય છે. ઈઝરાયેલે આ નેટવર્કને તોડવા માટે ઈરાનના કેસ્પિયન તટ પર આવેલા 'બંદર અંજલી' પોર્ટ પર ભીષણ હુમલો કર્યો છે.

'શાહેદ ડ્રોન' અને સૈન્ય ગઠજોડ પર સર્જિકલ સ્ટ્રાઈક

આ સપ્લાય ચેઈનમાં સૌથી મહત્વની કડી ઈરાનના 'શાહેદ ડ્રોન' હતા. રશિયા આ ડ્રોનનો ઉપયોગ યુક્રેનના શહેરોને નિશાન બનાવવા માટે કરી રહ્યું છે, જ્યારે ઈરાન તેનો ઉપયોગ ખાડી દેશોમાં અમેરિકી ઠેકાણાઓ પર હુમલા માટે કરતું હતું. ઈઝરાયેલના આ હુમલામાં વોરશિપ, નેવલ કમાન્ડ સેન્ટર, શિપયાર્ડ અને રિપેરિંગ ફેસિલિટીઝ સહિતના ડઝનબંધ સૈન્ય મથકોને ભારે નુકસાન થયું છે. આ ઓપરેશન દ્વારા ઈરાનની દરિયાઈ સુરક્ષાની નબળાઈઓ પણ વિશ્વ સમક્ષ ખુલ્લી પડી ગઈ છે.

આર્થિક અસર અને રશિયાની ચેતવણી

આ હુમલાની અસર માત્ર સૈન્ય સુધી મર્યાદિત નથી, પરંતુ તેની આર્થિક અસરો પણ જોવા મળી શકે છે. આ જ રૂટનો ઉપયોગ ઘઉં અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓના વેપાર માટે પણ થતો હતો. રશિયાએ આ હુમલાની આકરી નિંદા કરતા તેને 'સિવિલિયન ટ્રેડ હબ' પરનો હુમલો ગણાવ્યો છે અને ચેતવણી આપી છે કે આ કાર્યવાહીથી જંગ વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરશે. જોકે, સંરક્ષણ નિષ્ણાતો માને છે કે આ હુમલા બાદ હવે રશિયા અને ઈરાને હથિયારોની હેરાફેરી માટે વૈકલ્પિક રસ્તાઓ શોધવા પડશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now