Home Gujarat Three Cases Of Fraud Came To Light In The Eastern Areaof Ahmedabad City

અમદાવાદીઓ સાવધાન રહેજો! : શહેરના પૂર્વ વિસ્તારમાં સામે આવ્યા ઠગાઇના ત્રણ કિસ્સા; 4 લાખથી વધુની છેતરપિંડી!

અમદાવાદીઓ સાવધાન રહેજો!
Published by: OBS Bureau
Last Updated: May 30, 2025, 03:29 PM IST

Ahmdabad News: રાજ્યભરમાં ઠગાઇના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે પૂર્વ વિસ્તારમાં ઠગાઇના ત્રણ કિસ્સામાં ઠગો દ્વારા કુલ રૂ. 4 લાખથી પણ વધુની ઠગાઇ આચરવામાં આવી છે. જેમાં સિવિલ હોસ્પિટલની મહિલા ડોકટરને તમારા પિતાએ નાણાં ટ્રાન્સફર કરવાનું કહ્યુ છે કહીને ખોટા ક્રેડિટના ટેક્ષ મેસેજ કરીને ગઠિયાએ રૂ. 29 હજાર પડાવ્યા હતા. તેમજ મેઘાણીનગરમાં નિવૃત પોલીસકર્મી અને તેના પરિવાર સાથે બે ઠગોએ બચત યોજનાની લોભામણી લાલચ આપીને રૂ. 2.93 લાખ પડાવ્યા છે. તેમજ ઇસનપુરમાં જ્વેલર્સ માલિકે દાગીના બનાવવા આપેલ સોનું અને રૂપિયા લઇ બનાવી ન આપ્યા કે રૂપિયા પરત કર્યા ન હતા. ત્રણેય બનાવોમાં પોલીસે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.

ઘટના - 1 ઘોડાસરમાં 61 વર્ષીય અંજનાબેન શાહ પરિવાર સાથે રહે છે. ત્યારે તેમને કરિયાવરમાં જે દાગીના મળ્યા હતા. તે જૂના થઇ ગયા હોવાથી તેને ગાળીને નવા બનાવવા હોવાથી તે દાગીના ટીશા જ્વેલર્સના નિમેષકુમાર શાહને આપ્યા હતા. જે બાદ નિમેષે ત્રણેય દાગીનાની એક રણી બનાવીને આપી હતી. બાદમાં નિમેષને રણી આપીને દાગીના બનાવવા આપ્યા હતા. જેમાં રણીનું વજન 91. 630 ગ્રામ હતુ. ત્યારે મજૂરી પેટે રૂ. 18 હજાર પણ આપ્યા હતા. બાદમાં કોરોનાનો સમય આવતા જ્વેલર્સની દુકાન બંધ રહેતા અંજનાબેને સોનાની રણી અને રૂપિયા પરત માંગીને દાગીના નથી બનાવવા તેમ જણાવ્યુ હતુ. બાદમાં અંજનાબેને અવારનવાર દાગીના અને રૂપિયા પરત માંગતા નિમેષ બહાના બતાવતો હતો. કંટાળીને અંજનાબેને ઇસનપુર પોલીસ સ્ટેશનમાં નિમેષ સામે ફરિયાદ નોધાવી છે.

ઘટના - 2 સિવિલ કેમ્પસમાં દેવી ગર્લ્સ હોસ્ટેલમાં ડિમ્પલબેન માલવીયા રહે છે અને બી.જે.મેડીકલ કોલેજના પેથોલોજી ડિપાર્ટમેન્ટમાં રેસીડેન્ટ ડોકટર તરીકે અભ્યાસ અને ડોકટની પ્રેક્ટિસ કરે છે. ગત 26મેએ તે હોસ્પિટલમાં હતા તે સમયે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને જણાવ્યુ કે તમારા પિતાએ તમારા બેન્ક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવાનું જણાવ્યુ છે. બાદમાં ગઠિયાએ ખોટા રૂપિયા ક્રેડિટ થયાના ટેક્ષ મેસેજ મોકલ્યા હતા અને વધુ રૂપિયા તમારા એકાઉન્ટમાં આવી ગયા છે તો પરત મોકલો કહીને કુલ રૂ. 29 હજાર પડાવી લીધા હતા. બાદમાં બીજા રૂપિયા ટ્રાન્સફર ન થતા ઠગાઇની જાણ થઇ હતી. આ અંગે મહિલા ડોકટરે અજાણ્યા ગઠિયા સામે શાહિબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

ઘટના - 3 મેઘાણીનગરમાં 34 વર્ષીય અલ્પાબેન હડીયલ પરિવાર સાથે રહે છે. તેમના પિતા કોન્સ્ટેબલ તરીકે નિવૃત થયા હતા. અલ્પાબેનના ઘર પાસે આવેલા મેલડી માતાના મંદિરમાં ગાદી પર અરમાન જોશી બેસતો હતો. આ અરમાન જોશી મંદિરનું કામકાજ સંભાળતો હતો. અરમાને કોરોના વખતે ફાયનાન્સ કંપની ખોલી હતી. જે કંપનીના ઓથા હેઠળ એમ.પી.એફ.ડ્રીમ વર્ડ નેશનલ નિધિ લિમિટેડ નામથી બચત યોજના શરૂ કરી હતી. કંપનીમાં સીઇઓ તરીકે હેતલ પટેલ નોકરીએ લાગી હતી. અરમાનની પુત્રી અલ્પાબેનની બહેનપણી હોવાથી તે પણ નોકરીએ લાગી હતી. બાદમાં અલ્પાબેને તેમના પિતા અને બનેવીને આ યોજના વિશે સમજાવીને રોકાણ કરવા કહ્યુ હતું. જે બાદ અલ્પાબેનના પિતા બાબુભાઇ અને બનેવીએ બે લાખનું રોકાણ કર્યુ હતું. અરમાને સાડા ત્રણ વર્ષે બે લાખના રૂ. 6.50 લાખ મળશે તેવી લાલચ આપી હતી. યુવતીએ પણ લાખો રૂપિયાની રકમ રોકી હતી અને અરમાને પાકતી મુદતે રૂ. 19.50 લાખ પરત મળશે તેવી લાલચ આપી હતી. જ્યારે આ ત્રણેય લોકોએ પાકતી મુદતે અરમાન પાસે નાણાં માંગ્યા ત્યારે તેણે ગલ્લા તલ્લા કર્યા હતા. આટલું જ નહિ તે ઘરે પણ હાજર રહેતો નહોતો અને બાદમાં યોજના બંધ કરી દીધી હતી. આમ અરમાન અને હેતલે કુલ રૂ. 2.93 લાખ પડાવ્યા હતા. આ અંગે મેઘાણીનગર પોલીસે અરમાન જોશી અને હેતલ પટેલ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now