Laptop Tips : આજના સમયમાં સ્માર્ટફોનની જેમ લેપટોપ પણ આપણી જિંદગીનો અનિવાર્ય ભાગ બની ગયું છે. ભલે તમે ઓફિસમાં કામ કરતા પ્રોફેશનલ હોવ, વિદ્યાર્થી હોવ કે આર્ટિસ્ટ, દરેકને પોતાના કામ માટે લેપટોપની જરૂર પડે જ છે. લેપટોપમાં માત્ર આપણું કામ જ નહીં, પણ ઘણો પર્સનલ ડેટા અને મહત્વની ફાઇલો પણ સ્ટોર હોય છે. ઘણીવાર આપણે અજાણતા એવી ભૂલો કરી બેસીએ છીએ જે લેપટોપને બગાડી શકે છે. જો તમે ઈચ્છો છો કે, તમારું લેપટોપ વર્ષો સુધી નવું જેવું ચાલે, તો નીચે મુજબની બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
હેન્ડલિંગમાં સાવધાની
લેપટોપ એક નાજુક મશીન છે. તેને ગમે તેમ પકડવું કે ગમે ત્યાં મૂકી દેવું જોખમી બની શકે છે. ઘણા લોકો લેપટોપને માત્ર તેની સ્ક્રીન પકડીને ઉંચકે છે, જેનાથી હિન્જીસ (Hinges) પર દબાણ આવે છે અને સ્ક્રીન તૂટી શકે છે અથવા ડિસ્પ્લેમાં લાઇન આવી શકે છે. લેપટોપને હંમેશા બંને હાથે નીચેના ભાગેથી પકડો.
ખાવા-પીવાની આદતોથી દૂર
કામ કરતી વખતે ચા, કોફી કે કોલ્ડ ડ્રિંક્સ પીવાની આદત મોંઘી પડી શકે છે. જો ભૂલથી પણ પ્રવાહી કીબોર્ડ પર ઢોળાય, તો તે સીધું મધરબોર્ડ સુધી પહોંચી શકે છે અને શોર્ટ સર્કિટ કરી શકે છે. લેપટોપના આંતરિક ભાગોને કાટ લાગવાનું જોખમ પણ રહે છે, માટે ગેઝેટ પાસે ખાવા-પીવાનું ટાળો.
સોફ્ટવેર અપડેટ્સ
ઘણીવાર આપણે 'Update' ના નોટિફિકેશનને ઈગ્નોર કરીએ છીએ, પણ આ મોટી ભૂલ છે. અપડેટ્સ માત્ર નવા ફીચર્સ જ નથી લાવતા, પણ લેપટોપની સિક્યોરિટીને મજબૂત બનાવે છે. અપડેટ ન કરેલા લેપટોપ પર સાયબર હુમલા કે વાયરસ આવવાની શક્યતા વધી જાય છે. નિયમિત અપડેટથી લેપટોપની સ્પીડ પણ જળવાઈ રહે છે.
સ્ટોરેજ મેનેજમેન્ટ
જો તમારા લેપટોપની હાર્ડ ડ્રાઈવ (C-Drive) ફૂલ થઈ જશે, તો લેપટોપ ધીમું પડવા લાગશે અને હેન્ગ થશે. વારંવાર ક્રેશ થવાનું કારણ પણ ઓવરલોડેડ સ્ટોરેજ હોઈ શકે છે. બિનજરૂરી ફાઈલો ડિલીટ કરો અથવા વધારાનો ડેટા એક્સટર્નલ હાર્ડ ડ્રાઈવ કે ક્લાઉડ સ્ટોરેજમાં ટ્રાન્સફર કરો.
તાપમાનનું સંતુલન
લેપટોપને અતિશય ગરમી કે ઠંડીથી બચાવો. જો તમે લેપટોપને તડકામાં અથવા ગરમ જગ્યાએ વાપરો છો, તો તે ઓવરહીટ થઈ શકે છે, જેની સીધી અસર બેટરી લાઇફ પર પડે છે. એવી જ રીતે, વધુ પડતી ઠંડી જગ્યાએ સ્ક્રીન અને હાર્ડવેરમાં સમસ્યા ઉભી થઈ શકે છે. લેપટોપને હંમેશા સપાટ અને ઠંડી જગ્યાએ રાખીને વાપરો જેથી વેન્ટિલેશન યોગ્ય રીતે થાય.



















