Home Gujarat The Valour Shown By The Indian Army Through Operation Sindoor Is Result Of Our Prime Ministers Unwavering Unity Of Country

ઓપરેશન સિંદૂર' દ્વારા ભારતીય સેનાએ જે પરાક્રમ બતાવ્યું : તે આપણા વડાપ્રધાનની દ્રઢ સંકલ્પશક્તિ અને દેશની અતૂટ એકતાનું પરિણામ- રાજ્યપાલ

ઓપરેશન સિંદૂર' દ્વારા ભારતીય સેનાએ જે પરાક્રમ બતાવ્યું
Published by: OBS Bureau
Last Updated: Jun 07, 2025, 03:15 PM IST

ગુજરાતના રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ ગાંધીજીના સેવા અને વિશ્વ કલ્યાણના ભાવથી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના પ્રાંગણમાં આજે રાષ્ટ્રીય એકતા શિબિરનો શુભારંભ કરાવ્યો હતો. રાષ્ટ્રીય સેવા યોજના (NSS) ક્ષેત્રીય કાર્યાલય, અમદાવાદ, યુવા પ્રવૃત્તિ અને રમતગમત મંત્રાલય (ભારત સરકાર), ઉચ્ચ શિક્ષણ વિભાગ (ગુજરાત સરકાર) અને ગૂજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ શિબિરમાં ભારતના ૧૦ રાજ્યો અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશોના યુવક-યુવતિઓ ભાગ લઈ રહ્યા છે. આ પ્રસંગે રાજ્યપાલએ વિદ્યાપીઠની મહત્વાકાંક્ષી 'કુશલ યોજના'નો પણ પ્રારંભ કરાવ્યો હતો.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભારતના 40 લાખ એન.એસ.એસ. સ્વયંસેવકોને પ્રેરણા આપતાં કહ્યું કે, તમે ભીડનો ભાગ બનવા નથી આવ્યા, તમારે પરિવર્તનના પ્રતીક બનવાનું છે. તેમણે યુવાનોને એક-એક સંકલ્પ લેવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, કોઈ યુવાન વૃક્ષારોપણ, કોઈ જળ સંરક્ષણ, કોઈ નશામુક્તિ, તો કોઈ પશુ નસ્લ સુધારણાનું કાર્ય પસંદ કરે. તમે એક ગરીબ દીકરા-દીકરીને ભણાવીને સક્ષમ બનાવશો તો એક આખા પરિવારને સશક્ત કરશો. તેમણે 'વસુધૈવ કુટુંબકમ્'ના અભિગમને અપનાવવા અને પ્રાણીમાત્રની સેવાને જીવનનું લક્ષ્ય બનાવવા પર ભાર મૂક્યો હતો.

એન.એસ.એસ.ના શિબિરાર્થીઓને સંબોધન કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાષ્ટ્રીય એકતાના મહત્વ પર ભાર મૂકતાં કહ્યું કે, પહેલગામના આતંકવાદી હુમલા બાદ 'ઓપરેશન સિંદૂર' દ્વારા ભારતીય સેનાએ જે પરાક્રમ બતાવ્યું, તે આપણા પ્રધાનમંત્રીની દ્રઢ સંકલ્પશક્તિ અને દેશની અતૂટ એકતાનું જ પરિણામ છે. આ ઘટનાએ સાબિત કર્યું કે જ્યારે રાષ્ટ્ર પર સંકટ આવે છે, ત્યારે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, બૌદ્ધ સૌ એક પરિવાર બની જાય છે. આ જ ભારતની સાચી તાકાત છે.

રાજ્યપાલએ યુવાનોને જીવન ઘડતરની શીખ આપતાં કહ્યું કે, આ તમારી ગ્રહણ કરવાની વય છે. સફળતાની પહેલી ચાવી શિક્ષણ છે, જેને ખૂબ મહેનતથી ચારેય તરફથી ગ્રહણ કરો. પરંતુ બીજી અને સૌથી મહત્વપૂર્ણ ચાવી સ્વાસ્થ્ય છે. તેમણે પ્રવર્તમાન ફાસ્ટ ફૂડ અને મોટાભાગના યુવાનોની ખાનપાન પદ્ધતિની ટીકા કરતાં કહ્યું કે, પિઝા, બર્ગર અને ચાઉમિન જેવા ખોરાક સ્વાસ્થ્યને બરબાદ કરી રહ્યા છે. આપણી પરંપરા તો તાજા ભોજનની છે, જેમાં માતા-બહેનોનો સ્નેહ ભળેલો હોય છે. તે માત્ર ખોરાક નથી, પણ ઉર્જા અને સંસ્કારનો સ્ત્રોત છે. યોગ, પ્રાણાયામ અને સદાચારને જીવનનો આધાર બનાવીને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનો.

પર્યાવરણીય પડકારોને માનવતા માટે સૌથી મોટી ચિંતા ગણાવતાં રાજ્યપાલએ કહ્યું કે, આપણે પ્રકૃતિનું એટલું શોષણ કર્યું છે કે આજે હવા, પાણી અને જમીન ઝેરી થઈ ગયા છે. વૈજ્ઞાનિકો ચેતવણી આપે છે કે જો ધરતીનું તાપમાન ૧ થી ૧.૫ ડિગ્રી સેલ્સિયસ પણ વધશે તો લાખો ટન અનાજનું ઉત્પાદન ઘટી જશે અને પાકચક્ર બરબાદ થઈ જશે. તેમણે આ સંકટના ઉકેલ તરીકે પ્રાકૃતિક ખેતીને ગણાવી યુવાનોને આહ્વાન કરતાં કહ્યું કે, ઝેરમુક્ત ખેતી અપનાવીને ધરતી માતા, ગૌમાતા, પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્યને બચાવવું એ જ માનવતાની સાચી સેવા છે.

રાજ્યપાલએ પ્રધાનમંત્રીના ‘એક પેડ માં કે નામ’ અભિયાનનો ઉલ્લેખ કરી તમામ સ્વયંસેવકોને તેમાં જોડાવા અપીલ કરી હતી. સેવા જ ઈશ્વર સાક્ષાત્કારનો માર્ગ છે. સેવાના મહત્વને સમજાવતાં તેમણે કહ્યું કે, વેદો કહે છે કે ઈશ્વર કણ-કણમાં વ્યાપ્ત છે. મંદિર-મસ્જિદમાં ભટકવાની જરૂર નથી. જ્યારે તમે બીજાના દુઃખને પોતાના હૃદયમાં અનુભવો છો અને તેના આંસુ લૂછવાનો પ્રયત્ન કરો છો, ત્યારે ભક્ત અને ભગવાન વચ્ચેની દીવાલ તૂટી જાય છે અને સાક્ષાત્કાર થાય છે. NSSનો નિઃસ્વાર્થ પરોપકાર અને નિષ્કામ કર્મયોગનો ભાવ એ જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે.

ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, પૂજ્ય બાપુએ જે સમાજસેવાનું સ્વપ્ન જોઈને અમલમાં મૂક્યું હતું, તેને રાષ્ટ્રીય સેવા યોજના સુપેરે નિભાવી રહ્યું છે. પૂજ્ય બાપુ દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠની અધ્યયન પ્રણાલીમાં રાષ્ટ્રીય સેવા યોજનાના સિદ્ધાંતો જોવા મળે છે. હાલના સમયમાં સમાજ સેવાની સાથે સ્વ-સેવા પણ જરૂરી છે. માટે, જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને દેશના વિકાસમાં સહભાગી થવું જોઈએ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત @ 2047 ના સ્વપ્નને સાકાર કરવા સૌએ પ્રયાસરત થવું જોઈએ.

NSSના રિજીયોનલ ડિરેક્ટર કમલકુમાર કરે જણાવ્યું કે, રાષ્ટ્રપિતાની સંસ્થામાં એકતા શિબિર યોજવી એ ગૌરવની વાત છે. ભારતની વિવિધ સંસ્કૃતિઓ એકતાનો જ સંદેશ આપે છે. તેમણે ઉમેર્યું કે, સાત દિવસની શિબિરમાં થિમેટિક વર્કશોપ, ચર્ચાસભાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા આ ભાવનાને વધુ મજબૂત કરાશે. ગુજરાતના 2 લાખ સહિત દેશના 40 લાખ જેટલા યુવાનો – વિદ્યાર્થીઓ NSS સાથે સ્વયંસેવક તરીકે જોડાયેલા છે.

આ તકે ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગના રાજ્ય એનએસએસ અધિકારી ડૉ દીપક દરજીએ સ્વાગત પ્રવચન કર્યું હતું તથા ગૂજરાત વિદ્યાપીઠના કુલસચિવ ડૉ. હિમાંશુ પટેલે આભાર વિધિ કરી હતી. આ કાર્યક્રમમાં એનએસએસના સ્વયંસેવકો દ્વારા વિવિધ રાજ્યોની સંસ્કૃતિને પ્રદર્શિત કરતી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય એકતા શિબિરમાં વિવિધ રાજ્યોના NSS પ્રોગ્રામ ઓફિસર અને ગુજરાતની વિવિધ વિશ્વવિદ્યાલયોના સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરમાં તારીખ 12 જૂન સુધી એન.એસ.એસ.ના યુવક-યુવતીઓ ભારતીય સંસ્કૃતિ અને એકતાના રંગમાં રંગાશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now