Home Gujarat The Unique Fish Caught In The Nets From Sena Bay In Gujarat Suarat Olpad Sucker Mouth Catfish

માછીમારની જાળમાં અનોખી માછલી ફસાતા લોકોમાં કુતૂહલતા : સુરતના ઓલપાડની ઘટના, આંધી ગામની સેના ખાડીમાં પકડાઈ વિદેશી સકર માઉથ કેટ ફિશ!

માછીમારની જાળમાં અનોખી માછલી ફસાતા લોકોમાં કુતૂહલતા
Published by: OBS Bureau
Last Updated: Jun 29, 2025, 11:14 AM IST

The Unique Fish Caught in The Nets: ગુજરાતના સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા આંધી ગામે એક આશ્ચર્યજનક ઘટના બની છે. અરબી સમુદ્ર સાથે જોડાયેલી સેના ખાડીમાં એક ખેત મજૂરની જાળમાં વિદેશી મૂળની સકર માઉથ કેટ ફિશ (Sucker Mouth Catfish) પકડાઈ છે, જે આ વિસ્તારમાં ભાગ્યે જ જોવા મળે છે. આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં કુતૂહલતા ફેલાઈ ગઈ. લોકો આ અનોખી માછલીને જોવા માટે ટોળે વળી રહ્યા હતા.


તપાસ દરમિયાન સામે આવ્યું કે, આંધી ગામના માછીમારના હાથે જે માછલી પકડાઈ છે તે દક્ષિણ અમેરિકાના પનામા વિસ્તારના મીઠા પાણીમાં જોવા મળતી સકર માઉથ કેટ ફિશ છે. જે અરબી સમુદ્રની સેના ખાડી માંથી પકડાઈ હતી. આંધી ગામના રહેવાસી અને ખેત મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા મહેશભાઈ અશોકભાઈ રાઠોડ ચોમાસાના સમયમાં મજૂરીનું કામ ન મળતાં ગામ નજીકની સેના ખાડીમાં માછીમારી કરવા ગયા હતા. જ્યારે તેમણે માછલી પકડવા માટે જાળ નાખી, ત્યારે જાળમાં વિવિધ પ્રકારની માછલીઓ સાથે એક અનોખી માછલી પણ જાળમાં પકડાઈ. આ માછલીનું રૂપ અને લાક્ષણિકતાઓ અન્ય માછલીઓથી સાવ અલગ હતી, જેના કારણે મહેશભાઈએ તેને ઘરે લઈ આવ્યા.

ગામમાં ફેલાયેલી કુતૂહલતાઃ
મહેશભાઈની જાળમાં આ અનોખી માછલી પકડાઈ હોવાની વાત ગામમાં વાયુવેગે ફેલાઈ. ગામના લોકો આ માછલીને જોવા માટે મહેશભાઈના ઘરે ઉમટી પડ્યા. ગામના જાગૃત યુવાનોએ આ માછલી વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો, અને જાણવા મળ્યું કે આ સકર માઉથ કેટ ફિશ છે, જે મૂળ દક્ષિણ અમેરિકાના પનામા વિસ્તારના મીઠા પાણીમાં જોવા મળે છે. આ માછલીની ખાસિયત તેનું અનોખું મોં છે, જે શેવાળ અને અન્ય કાર્બનિક પદાર્થોને ચૂસવા માટે ખાસ અનુકૂળ હોય છે.

સકર માઉથ કેટ ફિશની ખાસિયતોઃ
સકર માઉથ કેટ ફિશ, જેને વૈજ્ઞાનિક રીતે Hypostomus plecostomus તરીકે ઓળખવામાં આવે છે, સામાન્ય રીતે એક્વેરિયમમાં રાખવામાં આવે છે. આ માછલીનું મોં ચૂસક પ્લેટ જેવું હોય છે, જેનાથી તે પાણીમાં રહેલા શેવાળ અને કાર્બનિક પદાર્થોને સરળતાથી ખાઈ શકે છે. આ માછલી મોટે ભાગે મીઠા પાણીના વાતાવરણમાં રહે છે, પરંતુ તે ખારા પાણીના વાતાવરણમાં પણ અમુક હદે અનુકૂળ થઈ શકે છે. સેના ખાડી જેવા ખારા-મીઠા પાણીના સંગમવાળા વિસ્તારમાં આ માછલીનું મળવું એક આશ્ચર્યજનક ઘટના છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now