Home Gujarat Gujarat Weather Update Ambalal Patels Dire Prediction About Mavtha And Rain

માવઠાને લઈ અંબાલાલ પટેલની ભયંકર આગાહી : ગુજરાતમાં આ તારીખે કરા સાથે તૂટી પડશે વરસાદ, જાણો ક્યારે વધશે ગરમીનો પારો

Gujarat Weather Update Ambalal Patel Prediction
Play Video
Published by: Nirali Gohil
Last Updated: Apr 06, 2026, 10:44 AM IST

ગાંધીનગર: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે હવામાનમાં મોટા પલટાના સંકેતો મળી રહ્યા છે. રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે મહત્વની આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી 48 કલાકમાં ઉત્તર ભારતના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે. પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) ની અસરને કારણે સખ્ત પવનો ફૂંકાવાની સાથે ભારે ગાજવીજ અને કરા સાથે વરસાદ પડવાની શક્યતા છે. આ વેધર સિસ્ટમની અસર છેક રાજસ્થાન સુધી જોવા મળશે, જેની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર પણ પડવાની છે.

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, તારીખ 7 અને 8 એપ્રિલ દરમિયાન ગુજરાતના હવામાનમાં પલટો આવવાની પ્રબળ શક્યતા છે. આ દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કમોસમી વરસાદ (માવઠું) ખેડૂતોની ચિંતામાં વધારો કરી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં આ સિસ્ટમની અસર વધુ જોવા મળી શકે છે. આ આકસ્મિક પલટાને કારણે તાપમાનમાં થોડા સમય માટે ઘટાડો થશે, પરંતુ ત્યારબાદ ગરમીનું જોર પકડશે.

ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ ભાગોમાં છૂટોછવાયો વરસાદ અને વાતાવરણમાં મોટો પલટો જોવા મળી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં આ સિસ્ટમની અસર વધુ પ્રબળ રહેશે, જેમાં કચ્છના વિવિધ ભાગો ઉપરાંત સાબરકાંઠા, હિંમતનગર અને અરવલ્લી જેવા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે. આ વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો થવાની સાથે મેઘગર્જના પણ જોવા મળી શકે છે.

આ પણ વાંચો: Gujarat Weather Update : ગુજરાતમાં માવઠાની આફત! આગામી 48 કલાક આ જિલ્લાઓમાં પવન સાથે વરસાદની આગાહી

મધ્ય અને પૂર્વ ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટાની અસર વર્તાશે. પંચમહાલ, દાહોદ, વડોદરા અને મહીસાગર જેવા જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. આ ઉપરાંત, અમદાવાદ અને ગાંધીનગર જેવા મુખ્ય શહેરોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે વરસાદી માહોલ સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જે ગરમીથી થોડા સમય માટે રાહત આપી શકે છે પરંતુ માવઠાના સ્વરૂપે ચિંતા પણ વધારી શકે છે.

સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ આ વેધર સિસ્ટમની અસર જોવા મળશે, જેમાં ખાસ કરીને દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણ પલટાવાની શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આ સિસ્ટમ એટલી વ્યાપક અને સક્રિય હશે કે તેની અસર માત્ર ગુજરાત પૂરતી મર્યાદિત ન રહેતા પડોશી રાજ્ય મહારાષ્ટ્રના પણ કેટલાક ભાગોમાં જોવા મળી શકે છે. આ આકસ્મિક પલટાને કારણે ખેતીના પાકને નુકસાન ન થાય તે માટે સાવચેતી રાખવી જરૂરી બનશે.

આ પણ વાંચો: રવિવારની મિજબાની માતમમાં ફેરવાઈ! : એક જ પરિવારના 4 સભ્યો ખીરાનો શિકાર, 2 માસૂમના જીવ હોમાયા

12 એપ્રિલથી આકાશ સ્પષ્ટ થશે અને ગરમીનું જોર વધશે

માવઠાની અસર ઓછી થયા બાદ ફરી એકવાર સૂર્યનારાયણ આકરા પાણીએ જોવા મળશે. અંબાલાલ પટેલના મતે, 12 એપ્રિલથી આકાશ ધીમે-ધીમે સ્પષ્ટ થવા લાગશે અને ગરમીના પારામાં સતત વધારો થવાની શરૂઆત થશે. 15 એપ્રિલની આસપાસ ગરમીનો પ્રકોપ વધશે અને મેદાની વિસ્તારોમાં તાપમાનનો પારો ઊંચો જશે.

20 એપ્રિલ સુધીમાં પારો 42 ડિગ્રીએ પહોંચશે, 'લૂ' ની ચેતવણી

એપ્રિલના બીજા પખવાડિયામાં ગુજરાતવાસીઓએ આકરી ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. આગાહી મુજબ, 20 એપ્રિલ સુધીમાં રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આ દરમિયાન ગરમ પવનો એટલે કે 'લૂ' (Heat Wave) ની અસર પણ જોવા મળશે. અંબાલાલ પટેલે જનસમુદાયને આકરી ગરમી અને લૂ થી બચવા માટે ખાસ કાળજી લેવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now