અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બનેલી દુઃખદ ઘટના બાદ ખાદ્ય સુરક્ષાને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે. એક જ પરિવારના સભ્યો ઢોસાનું ખીરું ખાધા બાદ બીમાર પડતા બે નાનકડા બાળકોના મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.
મળતી માહિતી મુજબ, પરિવારે ઘનશ્યામ ડેરીમાંથી ઢોસા બનાવવા માટે ખીરું ખરીદ્યું હતું. સાંજે ઢોસા બનાવીને ખાધા બાદ બીજા દિવસે સવારે પરિવારના સભ્યોને ઉલ્ટીઓ અને તબિયત બગડવાની સમસ્યા શરૂ થઈ હતી. શરૂઆતમાં કારણ સમજાયું નહોતું, પરંતુ બાદમાં અન્ય સભ્યોએ પણ તે જ ખીરું ખાધા બાદ સમાન લક્ષણો જોવા મળ્યા હતા.
ત્રણ મહિનાની અને ચાર વર્ષની બે બાળકીના સારવાર દરમિયાન મોત
આ ઘટનામાં ત્રણ મહિનાની રાહા અને ચાર વર્ષની મીશ્રી નામની બે બાળકીના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે, જ્યારે માતા ભાવના પ્રજાપતિ અને પિતા વિમલ પ્રજાપતિ હાલ હોસ્પિટલના આઈસીયુમાં સારવાર હેઠળ છે. પરિવારજનોએ આ બનાવને લઈને દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે ખીરું ખાધા બાદ જ તબિયત બગડી હોવાનું તેઓ માને છે અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.
બીજા જ દિવસે ઉલ્ટીઓ
પરિવારના સભ્ય ગૌરીશંકર પ્રજાપતિએ જણાવ્યું કે, ખીરું લાવ્યા બાદ ઢોસા બનાવી ખાધા અને બીજા જ દિવસે ઉલ્ટીઓ શરૂ થઈ ગઈ હતી. બાદમાં બધા જ સભ્યોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમણે દાવો કર્યો કે આ બનાવ પાછળ ખાદ્યપદાર્થની ગુણવત્તા જવાબદાર હોઈ શકે છે અને ન્યાય માટે યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે.
ડેરીના માલિકોએ આક્ષેપો નકાર્યા
બીજી તરફ ડેરીના માલિક કેતન પટેલ અને વિપુલ પટેલે આ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમના જણાવ્યા મુજબ, એ જ દિવસે વેચાયેલ ખીરું અનેક ગ્રાહકોને આપવામાં આવ્યું હતું અને અન્ય કોઈ તરફથી આવી ફરિયાદ મળી નથી. તેઓએ જણાવ્યું કે સીસીટીવી ફૂટેજ અને ગ્રાહકોના પ્રતિસાદના આધારે ખીરામાં કોઈ ખામી હોવાની શક્યતા ઓછી છે. તેમણે વધુમાં કહ્યું કે ગ્રાહક 1 એપ્રિલે ખીરું લઈને ગયા હતા અને 3 એપ્રિલે ફરિયાદ કરવા આવ્યા હતા.
AMC ના ફૂડ વિભાગે શરૂ કરી તપાસ
આ સમગ્ર મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ વિભાગે તપાસ શરૂ કરી છે. અધિકારી ડો. તેજસ શાહે જણાવ્યું છે કે ખીરાના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેની લેબોરેટરીમાં તપાસ ચાલી રહી છે. સાથે જ ચાંદખેડા પોલીસ પણ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે.






