Home Gujarat Gujarat Weather Updates Disaster Rain With Wind Forecast In These Districts For The Next 48 Hours

Gujarat Weather Update : ગુજરાતમાં માવઠાની આફત! આગામી 48 કલાક આ જિલ્લાઓમાં પવન સાથે વરસાદની આગાહી

Gujarat Rain Forcast Weather Update
Published by: Nirali Gohil
Last Updated: Apr 06, 2026, 06:26 AM IST

અમદાવાદ: ગુજરાતમાં ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે હવામાનમાં ફરી એકવાર મોટો પલટો આવવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ (Unseasonal Rain) અને તેજ પવન ફૂંકાવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને 6 અને 7 એપ્રિલ દરમિયાન રાજ્યના વાતાવરણમાં પલટો આવશે, જેના કારણે ધોમધખતા તાપ વચ્ચે લોકોને ગરમીથી થોડી રાહત મળશે, પરંતુ ખેડૂતો માટે ચિંતાના વાદળો ઘેરાયા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. આ વરસાદની સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે, જેની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ જોવા મળશે. અચાનક બદલાયેલા આ વાતાવરણને કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે.

કયા જિલ્લાઓમાં વરસાદની છે શક્યતા?

હવામાન વિભાગે રાજ્યના વિવિધ વિસ્તારો માટે વરસાદની આગાહી કરી છે:

  • સૌરાષ્ટ્ર અને કચ્છ: દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી અને કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ રહેશે.

  • ઉત્તર ગુજરાત: બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

  • મધ્ય ગુજરાત: દાહોદ, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર અને ખેડા-આણંદના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો: ગૃહિણીઓનું બજેટ ખોરવાયું! : દોઢ મહિનામાં સિંગતેલ અને કપાસિયાના ભાવમાં તોતિંગ વધારો, જાણો 1 ડબ્બાનો કેટલો વધ્યો ભાવ

65 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન, માછીમારોને ચેતવણી

હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા મુજબ, દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ ખૂબ જ તેજ રહી શકે છે. કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 60 થી 65 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. બંદર વિસ્તારોમાં પણ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.

તાપમાનમાં ફેરફાર અને ગરમીથી રાહત

આ માવઠાના રાઉન્ડને કારણે અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં ગરમીથી આંશિક રાહત મળશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને ગાંધીનગરમાં 34 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. જોકે, આ રાહત ટૂંકા ગાળા માટેની જ હશે. 7 એપ્રિલ પછી વાતાવરણ ફરી શુષ્ક બનશે અને ત્યારબાદ તાપમાનમાં ધીમે-ધીમે વધારો થતા ફરીથી કાળઝાળ ગરમીનો અનુભવ થશે.

ખેડૂતો માટે ચિંતા અને સાવચેતીના સૂચનો

કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગે ખેડૂતોને તૈયાર પાક સુરક્ષિત સ્થળે ખસેડવા અને ખુલ્લામાં રાખેલો જથ્થો ઢાંકી દેવા સલાહ આપી છે. આ ઉપરાંત, વરસાદ દરમિયાન વીજળી પડવાની શક્યતા હોવાથી લોકોને ખુલ્લા મેદાન કે ઝાડ નીચે ઉભા ન રહેવા અને સલામત સ્થળે આશ્રય લેવા વિનંતી કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now