Gujarat Politics Update: ગુજરાતમાં પાલિકા-પંચાયતો સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ વાગી ચુક્યું છે. ભાજપ દ્વારા વિસ્તાર વાઈઝ નિરીક્ષકોની ટીમો ગોઠવીને ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. એવામાં ગુજરાત કોંગ્રેસે આ ચૂંટણીના જંગમાં ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરીને સાયકોલોજીકલ જીત હાંસલ કરવાનો એક દાવ નાંખ્યો છે. જોકે, કોંગ્રેસનો આ દાવ ઊંધો પડ્યો અને તેમના જ પક્ષના આગેવાનો અને કાર્યકરોમાં ઉમેદવારોની પહેલી યાદી જાહેર થતા ભારે રોષ ફાટી નીકળ્યો. એવામાં પ્રદેશના નેતાઓને પ્રોટેક્ટ કરવા માટે બોડીગાર્ડની મદદ લેવાઈ. રોષે ભરાયેલાં કાર્યકરો કોઈ હોબાળો ન કરે તે આશયથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્થિતિ રીતસર બાઉન્સરોની ફોજ ઉતારવામાં આવી.
આમ, ગુજરાતમાં ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી જાહેર થતા જ આંતરિક અસંતોષનો ભય ઉભો થયો છે, જેના કારણે અમદાવાદના GPCC કાર્યાલયે બાઉન્સર ગોઠવવાની ફરજ પડી છે. બીજી તરફ સુરતમાં આમ આદમી પાર્ટીની યાદી પણ વિવાદોમાં સપડાઈ છે, જેના કારણે બંને મુખ્ય વિરોધ પક્ષો પર સવાલો ઊભા થયા છે.
કોંગ્રેસમાં બળવો અટકાવવા બાઉન્સર તૈનાત
ગુજરાત કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી જાહેર થતાં જ પાર્ટી અંદર અસંતોષ અને બળવો થવાની શક્યતાઓ સામે આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાલડી સ્થિત GPCC કાર્યાલય ખાતે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. માહિતી મુજબ, કાર્યકરોના વેશમાં બાઉન્સર તૈનાત કરવામાં આવ્યા છે જેથી કોઈ પ્રકારનો વિરોધ કે હંગામો ન થાય. પાર્ટી કાર્યાલય ખાતે કોઈ કાર્યકર બળવો કરે અથવા ઉગ્ર પ્રતિક્રિયા આપે તે પહેલાં જ તેને નિયંત્રણમાં લઈ શકાય, તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે ઉમેદવારી ફાળવણીને લઈને કોંગ્રેસમાં આંતરિક અસંતોષ ઊંડો છે અને નેતૃત્વે પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે કડક પગલાં લીધા છે.
ઉમેદવારી રદ થતાં વધુ વિવાદ
કોંગ્રેસની યાદી સાથે જોડાયેલો એક વધુ વિવાદ ત્યારે સામે આવ્યો જ્યારે અસારવા બેઠકના ઉમેદવાર વિજય પટણીની ઉમેદવારી રદ કરવામાં આવી. માહિતી મુજબ તેમના ત્રણ સંતાન હોવાને કારણે નિયમો અનુસાર તેઓ ચૂંટણી લડી શકતા નથી, જેના કારણે તેમની ઉમેદવારી રદ કરાઈ છે. આ નિર્ણય બાદ પણ પાર્ટીમાં ચર્ચાઓ તેજ બની છે અને ઉમેદવારી પ્રક્રિયા પર પ્રશ્નો ઊભા થયા છે.
કોંગ્રેસે પહેલી યાદીમાં 243 ઉમેદવારોના નામો જાહેર કરતા થયો વિવાદ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત સાથે રાજકીય માહોલ ઝડપથી ગરમાયો છે. મુખ્ય રાજકીય પક્ષો હવે મેદાનમાં સક્રિય થઈ રહ્યા છે અને ઉમેદવારોની યાદીઓ જાહેર કરીને મતદારોને આકર્ષવાના પ્રયાસો તેજ કર્યા છે. કોંગ્રેસે રાજ્યની 7 મહાનગરપાલિકાઓ માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ પણ સુરત મહાનગરપાલિકામાંથી 75 ઉમેદવારો જાહેર કરીને ચૂંટણીની જંગમાં પોતાની હાજરી નોંધાવી છે.
AAPની યાદી પણ વિવાદમાં
બીજી તરફ સુરત મહાનગરપાલિકા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ જાહેર કરેલી પહેલી યાદી પણ ભારે ચર્ચાનો વિષય બની છે. પાર્ટી દ્વારા એવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે, જેમના પરિવારના સભ્યો પર ખંડણી, ઉઘરાણા અથવા અન્ય ગુનાહિત કેસોના આરોપો લાગેલા હોવાનું કહેવાઈ રહ્યું છે. કેટલાક કિસ્સાઓમાં તો પોસ્ટર કાંડ સાથે જોડાયેલા લોકોના પરિવારજનોને ટિકિટ આપવામાં આવી હોવાનું પણ ચર્ચામાં છે. આ નિર્ણયને કારણે AAPની છબી પર સવાલો ઊભા થયા છે, ખાસ કરીને જ્યારે પાર્ટી પોતાને સ્વચ્છ રાજકારણના દાવા સાથે રજૂ કરે છે.
કાર્યકરોમાં અસંતોષ અને રોષ
AAPની અંદર પણ આ ટિકિટ ફાળવણીને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કોંગ્રેસમાંથી આવેલા કેટલાક નેતાઓને ટિકિટ આપવામાં આવતા સ્થાનિક કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો છે. કાર્યકરોનું માનવું છે કે લાંબા સમયથી પાર્ટી માટે કામ કરતા લોકોને અવગણીને બહારથી આવેલા લોકોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, જે પાર્ટીની આંતરિક એકતા માટે પડકારરૂપ બની શકે છે.
ચૂંટણી પહેલા વધતો રાજકીય તણાવ
આ બંને ઘટનાઓએ ગુજરાતના રાજકીય માહોલને વધુ ગરમ બનાવી દીધો છે. કોંગ્રેસ અને AAP બંને પક્ષોમાં ઉમેદવારી ફાળવણીને લઈને ઊભા થયેલા વિવાદો દર્શાવે છે કે ચૂંટણી પહેલા આંતરિક અસંતોષ મોટો મુદ્દો બની શકે છે. આ પરિસ્થિતિમાં પક્ષો માટે સૌથી મોટો પડકાર આંતરિક એકતા જાળવવાનો રહેશે, કારણ કે બળવો અથવા અસંતોષ ચૂંટણીના પરિણામોને સીધી અસર કરી શકે છે.
મહત્ત્વનું છેકે, ઉમેદવારી ફાળવણી કોઈપણ ચૂંટણીમાં સૌથી સંવેદનશીલ પ્રક્રિયા હોય છે, કારણ કે તે સીધી રીતે કાર્યકરોની લાગણીઓ અને જનતાના વિશ્વાસ સાથે જોડાયેલી હોય છે. આ પ્રકારના વિવાદો માત્ર પાર્ટી અંદર જ નહીં, પરંતુ મતદારોમાં પણ સંદેશ આપે છે કે પક્ષની આંતરિક સ્થિતિ કેટલી મજબૂત છે. તેથી આ મુદ્દો આગામી ચૂંટણી માટે મહત્વપૂર્ણ બની શકે છે.





