Kirti Patel Arrest: સોશિયલ મીડિયા સ્ટાર અને અનેક વિવાદોમાં સપડાયેલી કીર્તિ પટેલની પોલીસે ધરપક઼ડ કરી છે. સુરતમાં બિલ્ડર પાસે બે કરોડ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં કિર્તીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જ્યારે તેની ધરપકડ કરી ત્યારે તે બિંદાસ્ત હસતી હતી, તેના ચહેરા પર કોઈ ડર કે કોઈ શરમ નહોતી. શરૂઆતમાં હાસ્ય વીડિયોઝ બનાવતી કીર્તિએ થોડા સમય બાદ વિવાદાસ્પદ અને આક્ષેપજનક વીડિયો બનાવવાનું શરૂ કર્યું. સફળતાની સાથે કીર્તિ વિવાદોમાં પણ ઘેરાતી ગઈ.
કુખ્યાત કીર્તિના કાંડઃ
કુખ્યાત કીર્તિના નામે અનેક કાંડની કહાની નોંધાયેલી છે. ખંડણીથી લઈ ખૂનના પ્રયાસ સુધીના ગુનાઓમાં કીર્તિનું નામ ચર્ચામાં રહ્યું છે.ફેશન-ડિઝાઇનરમાંથી યુટ્યૂબર બનેલી કીર્તિ સામે પોલીસ ચોપડે 7 વર્ષમાં 10 ગુના નોંધાઈ ચુક્યા છે. કીર્તિના અત્યાર સુધીમાં વિખ્યાત વ્યક્તિઓ સાથેના વિવાદો ચર્ચામાં રહ્યાં છે. રાજદીપસિંહથી લઈ ખજૂરભાઈને પણ કીર્તિ પટેલ અત્યાર સુધીમાં કરી ચૂકી છે ટાર્ગેટ. ઉલ્લેખનીય છેકે, 2017માં કીર્તિ પટેલ સામે પહેલો ગુનો નોંધાયો હતો અને અત્યારસુધીમાં તેના વિરુદ્ધ 10 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. ખજૂરભાઈથી લઈને ભારતી આશ્રમ અને પદ્મિનીબા પર આક્ષેપો કરીને કીર્તિ પટેલ હંમેશાથી વિવાદમાં રહેતી આવી છે.
કીર્તિ સામે કઈ-કઈ ફરિયાદો થઈ?
અત્યારસુધીમાં કીર્તિ પટેલ સામે પોલીસ સ્ટેશનમાં ગંભીર ફરિયાદો થઈ છે, જેમાં મારામારી, ધમકી, ખંડણી અને માનહાનિ જેવી ઘટનાઓ સામેલ છે. 2017થી અત્યારસુધીમાં કુલ 10 જેટલા ગુનાઓમાં તેનું નામ જોડાઈ ચૂક્યું છે.
સામાન્ય પરિવારથી સોશિયલ મીડિયા સ્ટાર સુધીનો સફરઃ
મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વાઘેલા ગામની વતની કીર્તિ પટેલ સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રહે છે. તેના પિતા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને હાલમાં નિવૃત્ત જીવન જીવે છે. કીર્તિ પોતે પાંચ બહેનોમાં સૌથી નાની છે અને એક નાનો ભાઈ પણ છે.
ફેશન ડિઝાઇનરથી સોશિયલ મીડિયા સ્ટારઃ
કીર્તિએ પોતાના કરિયરની શરૂઆત ફેશન ડિઝાઇનિંગથી કરી હતી.થોડા વર્ષ સુધી આ ક્ષેત્રમાં કામ કર્યા બાદ તેણે કોમેડી વીડિયો દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પગલાં મૂક્યાં. ટિકટોક અને યુટ્યૂબ પર તેના વીડિયોઝ વાઇરલ થયા બાદ તેણે influencer તરીકે લોકપ્રિયતા મેળવી. હાલ કીર્તિના ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબ સહિતના પેજ પર લાખો ફોલોઅર્સ છે.
વિખ્યાત વ્યક્તિઓ પર આક્ષેપોઃ
કીર્તિએ અનેક જાણીતા ગુજરાતી લોકોને લક્ષ્ય બનાવી છે. તે લાઇવ આવીને વ્યક્તિગત આક્ષેપો કરતી રહી છે. જેમાં નીતિન જાની (ખજૂરભાઈ), રાજદીપસિંહ રીબડા, કાજલ મહેરિયા, દેવાયત ખવડ, બ્રિજદાન ગઢવી, સાગર પટેલ, પદ્મિનીબા અને ભારતી આશ્રમ જેવા નામો સામેલ છે.
હાસ્યમાંથી હિંસા સુધીનો માર્ગઃ
તાજેતરમાં સુરતમાં એક બિલ્ડર પાસે બે કરોડ રૂપિયાની ખંડણી માંગવાનો આરોપ લાગતાં કીર્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કસ્ટડી દરમિયાન પણ તે નિર્ભય અને હસતાં ચહેરે જોવા મળી, જે તેના જાતવિશ્વાસની સાક્ષી આપે છે. જોકે, તેના આચરણથી સર્જાતા કાયદાકીય પ્રશ્નો ઉંડા છે અને સમાજમાં અસરો પણ છોડી રહ્યાં છે.
લોકપ્રિયતાની લાલચ કે વાસ્તવિક વિવાદ?
કીર્તિ પટેલનું જીવન એક એવુ દ્રષ્ટાંત છે કે જે બતાવે છે કે સોશિયલ મીડિયાની દુનિયા કેટલી ઝડપથી લોકોને ઊંચાઇ આપે છે અને એટલી જ ઝડપથી ફરી તેમને નીચે પણ પછાડે છે. કીર્તિની હાલની સ્થિતિ એ પ્રશ્ન ઊભો કરે છે કે શું લોકપ્રિયતાની લાલચમાં આવીને એક વ્યક્તિ ખોટા માર્ગે જઈ શકે છે? કે શું આ બધું એક વ્યૂહબદ્ધ પ્રચાર યુક્તિ છે?
હાઈવે પર 'તેલ'નો ખેલ!: જામનગર-ખંભાળીયા રોડ પર બાતમી મળી અને આખું નેટવર્ક ઉઘાડું પડ્યું






