Home Gujarat The First Fire Team Reached The Scene Within Just Three Minutes Ofreceiving The Plane Crash Call

અમદાવાદ પ્લેનક્રેશ દુર્ઘટના : માત્ર ત્રણ મિનિટમાં ફાયરની પહેલી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, 30થી વધુ જિંદગી બચાવાઈ

અમદાવાદ પ્લેનક્રેશ દુર્ઘટના
Published by: OBS Bureau
Last Updated: Jun 16, 2025, 02:48 PM IST

hmdabad News: અમદાવાદ પ્લેનક્રેશ દુર્ઘટનાએ પ્રશાસનના તમામ વિભાગની કસોટી કરી છે અને ગુજરાત ભાગ્યશાળી છે કે તેના વિભાગો મોટા ભાગે આ કસોટીમાં ખરા ઊતર્યા છે. પ્લેનક્રેશ જેવી દુર્ઘટનામાં રાહત-બચાવની કામગીરીમાં ફાયર વિભાગની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હોય છે.  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઑફિસર એ. એ. ડોંગરેએ પ્લેનક્રેશની દુર્ઘટના વખતે ફાયરની ટીમની કામગીરી વિશે વાત કરતાં જણાવ્યું હતું કે એરપોર્ટ તરફથી પ્લેનક્રેશનો હોટલાઇન પર કૉલ મળ્યો કે સૌથી નજીક આવેલા નરોડા ફાયર સ્ટેશનની ટીમ માત્ર ત્રણ જ મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરની ટીમોએ પહોંચીને તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરતાં 30થી વધુ લોકોની જિંદગી બચાવી શકાઈ હતી.

ચીફ ફાયર ઑફિસર એ.એ. ડોંગરે અગ્નિશમનની કાર્યવાહી અને રેસ્ક્યૂ ઓપરેશન અંગે વધુ વાત કરતાં જણાવ્યું હતું કે ઘટનાસ્થળ પર સૌથી પહેલાં પહોંચનારી નરોડા અને શાહપુરની ફાયર સ્ટેશનની ટીમોએ સ્થિતિની વિકરાળતાનો ચિતાર આપ્યો હતો. કટોકટીપૂર્ણ સ્થિતિને કાબૂમાં લેવા માટે અમદાવાદ શહેર ઉપરાંત ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ગિફ્ટ સિટી અને આર્મીના ફાયરફાયટર્સની મદદ પણ માગવામાં આવી હતી 100થી વધારે ફાયર ફાયટર ટીમ થોડા જ સમયમાં ઘટના સ્થળ પર કાર્યરત હતી, જેને કારણે રેસ્ક્યૂ ઓપરેશન માત્ર ચાર કલાકના ટૂંકા ગાળામાં પૂર્ણ થઈ શક્યું હતું.

ડોંગરેએ વધુમાં જણાવ્યું હતું કે દુર્ઘટનાગ્રસ્ત પ્લેન તથા ઇમારતોમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા તેમજ ઠંડક કરવા માટે આશરે સાડા સાત લાખ (7.50 લાખ) લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગજરાજ વગેરે આધુનિક સંસાધનોથી ફાયર ફાઇટિંગનું કામ સરળ બન્યું હતું. ફાયર ફાઇટિંગમાં જોડાયેલા ફાયર જવાનો અંગે વાત કરતાં અધિકારીએ જણાવ્યું હતું કે સમગ્ર ઓપરેશનમાં 100થી વધારે ફાયરનાં સાધનો/વાહનો ઉપરાંત 650 જેટલા ફાયરના તાલીમબદ્ધ જવાનો જોડાયા હતા. સમગ્ર રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન ફાયરના કોઈ જવાનને કોઈ પણ પ્રકારની ઇજા કે હાનિ થવા પામી નથી, એ સંતોષકારક બાબત છે.

ઇજાગ્રસ્તોને સારવાર માટે 98થી વધારે એમ્બ્યુલ્સ હતી તો કોઈ પણ અડચણ વિના સિવિલ હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે ગ્રીન કોરિડોર ઊભો કરવામાં આવ્યો હતો, એ અંગે વાત કરતાં ચીફ ફાયર ઓફસર ડોંગરેએ જણાવ્યું હતું કે પોલીસ, 108 સહિતની એમ્બ્યુલન્સ સેવા, એનડીઆરએફ, એસડીઆરએફ, સીઆઈએસએફ, આર્મી, એએમસી, સિવિલ હોસ્પિટલ, સ્થાનિક પ્રશાસન, સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી માત્ર ચાર કલાકમાં રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ થઈ શક્યું હતું. જુદી જુદી એજન્સીઓ વચ્ચેના સુમેળભર્યા સંકલન અને આયોજનપૂર્વક આગળ વધવાને કારણે કામગીરી અત્યંત ઝડપથી થઈ શકી અને મહત્તમ જિંદગીઓ બચાવી શકાઈ હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now