Home Gujarat The Condition Of The Health System In Bavla Has Deteriorated

બાવળામાં આરોગ્ય તંત્રની હાલત કથળેલી! : ડોક્ટર કે જરૂરી સુવિધાઓના અભાવે દર્દીઓના વલખા, દર્દીને ECG માટે 30 કિમી દૂર લઈ જવાનો વારો

બાવળામાં આરોગ્ય તંત્રની હાલત કથળેલી!
Published by: OBS Bureau
Last Updated: Dec 24, 2025, 08:49 AM IST

અમદાવાદના બાવળા તાલુકામાં આરોગ્ય તંત્રની ગંભીર બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બાવળા તાલુકાના કાણોતર ગામના આશરે 40 વર્ષના એક યુવક પોતાના ઘરે બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. પરિવારજનો તાત્કાલિક તેમને સારવાર માટે બગોદરા સામૂહિક હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં હાજર ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો.

બગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઇસીજી મશીન ઉપલબ્ધ નથી?

ચોંકાવનારી વાત એ છે કે યુવકને મૃત જાહેર કર્યા બાદ પણ હોસ્પિટલ દ્વારા ઇસીજી કરાવવાની વાત કહી પરિવારને બાવળા ખાતે મોકલવામાં આવ્યો હતો, જે બગોદરાથી આશરે 30 કિલોમીટર દૂર છે. બગોદરા સામૂહિક હોસ્પિટલમાં ઇસીજી મશીન ઉપલબ્ધ ન હોવાના કારણે મૃતદેહને સ્વીફ્ટ કારમાં કફોડી હાલતમાં લઈ જવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પરિવારને એમ્બ્યુલન્સની કોઈ સગવડ પણ પૂરી પાડવામાં આવી નહોતી.

ડોક્ટર કે જરૂરી સુવિધાઓ કેમ ઉપલબ્ધ નથી?

પરિવારજનો દ્વારા મૃતદેહને પહેલા બાવળા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો અને ત્યારબાદ ફરી બગોદરા હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. આ ઘટના આરોગ્ય તંત્રની ગંભીર ખામીઓને ઉજાગર કરે છે. સ્થાનિક લોકોમાં પણ સવાલ ઉઠી રહ્યા છે કે કાણોતર ગામ નજીક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોવા છતાં ત્યાં ડોક્ટર કે જરૂરી સુવિધાઓ કેમ ઉપલબ્ધ નથી?

પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે?

મૃતકના મોતનું સાચું કારણ જાણવા પરિવાર દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને તેના માટે મૃતદેહને ફરી બગોદરા હોસ્પિટલ લઈ જવાયો હતો. આ સમગ્ર ઘટનાને લઈને બાવળા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય તપાસ અને જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો અને પરિવારજનો દ્વારા માંગ ઉઠી છે. આ ઘટનાએ ફરી એક વખત સરકારી આરોગ્ય સેવાઓની હકીકત સામે લાવી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓ મજબૂત બનાવવાની તાત્કાલિક જરૂરિયાત દર્શાવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now