Home Gujarat Temporary Meeting Of Weather Watch Group Held

વેધર વોચ ગ્રુપની હંગામી બેઠક યોજાઈ : ગુજરાત પર સંભવિત આફતની સ્થિતિને પહોંચી વળવા સમીક્ષા

વેધર વોચ ગ્રુપની હંગામી બેઠક યોજાઈ
Published by: OBS Bureau
Last Updated: Aug 19, 2025, 01:44 PM IST

SEOC-ગાંધીનગર ખાતે રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતીય હવામાન વિભાગના અધિકારી દ્વારા ગુજરાતમાં આગામી સપ્તાહ દરમિયાન વરસાદની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. હવામાન વિભાગ દ્વારા આવતીકાલ તા. 20 ઓગસ્ટના રોજ અમરેલી, ભાવનગર, સુરત, નવસારી તથા વલસાડ જિલ્લામાં તેમજ તા. 21 ઓગસ્ટના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર તથા જૂનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી તા. ૨૫ ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બેઠકમાં NDRF અને SDRF અધિકારીઓના જણાવ્યા મુજબ ચોમાસામાં દરમિયાન ઉપસ્થિત થતી કોઇપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની કુલ 12 ટીમ અને SDRFની 20 ટીમ અલગ-અલગ જિલ્લાઓ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત NDRFની એક ટીમ રીઝર્વ રાખવામાં આવી છે. વધુમાં, સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજિત તરણેતરના મેળા માટે પણ એક SDRF ટીમ ફાળવવા રાહત નિયામકએ સૂચના આપી હતી.

સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા રિઝિયન વાઈઝ ડેમમાં પાણીના સ્ટોરેજની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી ચર્ચા કરવામાં આવી હતી. તેમણે રાજ્યના 206 જળાશયો પૈકી 61 જળાશયો હાઇએલર્ટ, 27 જળાશયો એલર્ટ તથા 21 જળાશયો વોર્નિંગ લેવલ પર હોવાનું આ બેઠકમાં જણાવ્યું હતું. આ ઉપરાંત સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારી દ્વારા સરદાર સરોવર સ્ટોરેજ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. આ બેઠકમાં રાહત નિયામક દ્વારા તમામ વિભાગના નોડલ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ પાઠવવામાં આવી હતી. સાથે જ, ચોમાસામાં સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા એલર્ટ રહેવા પણ જણાવ્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now