ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઢોલ વાગતા જ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આ વચ્ચે અસદુદ્દીન ઓવૈસીની અમદાવાદ મુલાકાતને લઈને રાજકીય ચર્ચાઓ તેજ બની છે. ઓવૈસીની એન્ટ્રી સાથે AIMIM પણ સ્થાનિક ચૂંટણીમાં સક્રિય રીતે ઝંપલાવશે તેવું સ્પષ્ટ થયું છે.
ખાનપુરના જેપી ચોકમાં ભાજપ કાર્યાલયની સામે જ ઓવૈસીની સભા દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું કે આ વખતે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં તેમની પાર્ટી પોતાના ઉમેદવારો ઉતારશે. આ વિષયમાં અસદુદ્દીન ઓવૈસી બોલ્યા, "તમારા માધ્યમે જનતાને એ જણાવવાનું હતું કે લોકલ બોડી ઇલેક્શન માં AIMIM પાર્ટી ભાગ લેશે."
આગળ ઓવૈસીએ જણાવ્યું કે, "6 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચુંટણી લડશે અને તાલુકા પંચાયતમાં 29 અને જિલ્લા પંચાયતમાં 28 એટલે અમે ટોટલ 539 ઉમેદવારો ચુંટણી લડશે."
UCC મુદ્દે બોલ્યા અસદુદ્દીન ઓવૈસી
યુનિફોર્મ સિવિલ કોડ (UCC) મુદ્દે રાજકીય ચર્ચાઓ વચ્ચે અસદુદ્દીન ઓવૈસીએ કડક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે મુસ્લિમો પર કોઈપણ કાયદો દબાણપૂર્વક લાદી શકાતો નથી અને આ મુદ્દે સરકારનું વલણ પ્રશ્નાર્થ છે.
ઓવૈસીએ જણાવ્યું કે UCC આખા દેશ માટે સમાન રીતે લાગુ થવો જોઈએ, પરંતુ ગુજરાતમાં જે અમલમાં લાવવામાં આવી રહ્યો છે તે ઉત્તરાખંડના મોડેલની નકલ સમાન છે. તેમણે આક્ષેપ કર્યો કે જનતાને સંપૂર્ણ માહિતી આપવામાં આવી નથી અને સરકાર દ્વારા ઝડપથી વિધાનસભામાં વિધેયક પસાર કરી દેવામાં આવ્યો છે.
"હવે દરેક મામલો કોર્ટમાં જ લઈ જવો પડશે" : ઓવૈસી
તેમણે વધુમાં કહ્યું કે હિન્દુ મેરેજ એક્ટ, ડિવોર્સ અને સક્સેશન એક્ટ જેવા કાયદાઓને અન્ય ધર્મો પર લાગુ કરવાથી ધાર્મિક સ્વતંત્રતા પર અસર પડે છે. ખાસ કરીને મુસ્લિમ સમુદાય માટે તલાક અને ખુલા જેવી પ્રક્રિયાઓ પર પણ અસર થવાની શક્યતા વ્યક્ત કરી છે, કારણ કે હવે દરેક મામલો કોર્ટમાં જ લઈ જવો પડશે.
ઓવૈસીએ આ મુદ્દે પણ પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે રાજ્યમાં 16 ટકા આદિવાસી વસ્તીને આ કાયદામાંથી બાકાત રાખવામાં આવી છે, ત્યારે તેને સાચા અર્થમાં યુનિફોર્મ કેવી રીતે કહી શકાય. તેમણે આને નીતિમાં અસંગતતા ગણાવી છે.
"પરંપરાગત મૂલ્યો અંગે સરકારનો અભિગમ સ્પષ્ટ નથી." : ઓવૈસી
આ સાથે તેમણે લિવ-ઇન રિલેશનશિપ જેવા મુદ્દાઓ પર પણ ટિપ્પણી કરતાં જણાવ્યું કે પરંપરાગત મૂલ્યો અંગે સરકારનો અભિગમ સ્પષ્ટ નથી. ઓવૈસીએ આ સમગ્ર મુદ્દાને ભાજપની રાજકીય વ્યૂહરચના ગણાવી અને કહ્યું કે આ પ્રકારના કાયદાઓથી મુસ્લિમ સમુદાયની ધાર્મિક ઓળખ પર અસર પડી શકે છે.





