#RemoveFixPay: ગુજરાતમાં આગામી 26 એપ્રિલ 2026ના રોજ અમદાવાદ (AMC) સહિત કુલ ૧૫ મહાનગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણી પહેલા રાજ્યના લાખો શિક્ષિત બેરોજગાર અને નોકરીની આશા રાખતા યુવાનોનો પ્રાણપ્રશ્ન ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. 'ટીમ રિમૂવ ફિક્સ પે' (Team Remove Fix Pay) દ્વારા રાજ્યના મુખ્ય ત્રણ રાજકીય પક્ષો - ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને પત્ર લખીને ખાસ અપીલ કરવામાં આવી છે કે, તેઓ પોતાના ચૂંટણી ઢંઢેરામાં મહાનગરપાલિકાઓની ભરતીમાં ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવાનો મુદ્દો સામેલ કરે.
સંગઠનનું કહેવું છે કે, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વર્ગ-3ના કર્મચારીઓની નિમણૂંક પાંચ વર્ષના ફિક્સ પગારના ધોરણે કરવામાં આવે છે, જે યુવાનોનું આર્થિક શોષણ છે. આ શોષણ સામે છેલ્લા 11 વર્ષથી લડત ચલાવી રહેલી આ ટીમ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ઉપયોગ યુવાનોને ન્યાય અપાવવા માટે કરવા માંગે છે. પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે, મહાનગરપાલિકાઓ પોતાના સ્તરે ભરતીના નિયમો બનાવવાની સત્તા ધરાવે છે, તેથી જો રાજકીય ઈચ્છાશક્તિ હોય તો આ પ્રથા દૂર કરવી શક્ય છે.
ભાવનગર મહાનગરપાલિકાનું ઉદાહરણ આપી પક્ષોને કરાઈ અપીલ
'ટીમ રિમૂવ ફિક્સ પે' એ પોતાના પત્રમાં ભાવનગર મહાનગરપાલિકાનું ઉદાહરણ ટાંકતા જણાવ્યું છે કે, તાજેતરમાં જ ત્યાં ફિક્સ પગારનો સમયગાળો પાંચ વર્ષથી ઘટાડીને 3 વર્ષ કરવામાં આવ્યો છે. આ બાબત સાબિત કરે છે કે મહાનગરપાલિકાઓ કર્મચારીઓના હિતમાં સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે. સંગઠને માંગ કરી છે કે, જો કોઈ પક્ષ સત્તા પર આવે, તો તેઓ પ્રથમ દિવસથી જ કર્મચારીઓને નિયમિત નિમણૂંક અને પૂરો પગાર આપવાનું પ્રાવધાન કરે તેવો વાયદો ચૂંટણી ઢંઢેરામાં આપવો જોઈએ.
આ પણ વાંચો: ભરૂચ મનપાની ચૂંટણીમાં યુસુફ રિઝવીનું વિવાદાસ્પદ નિવેદન : '80 લાખ મુસ્લિમ મતદાન કરશે તો બુલડોઝર નહીં ચાલે'
લાખો યુવાનોના ભાવિ સાથે જોડાયેલો મુદ્દો
રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં હાલ ભરતી પ્રક્રિયાઓ ચાલુ છે અને લાખો આશાસ્પદ યુવાનોએ તેમાં ઉમેદવારી નોંધાવી છે. આ યુવાનો મોટાભાગે સ્થાનિક હોવાથી તેમના મતો કોઈપણ પક્ષની હાર કે જીત નક્કી કરવામાં નિર્ણાયક સાબિત થઈ શકે છે. સોશિયલ મીડિયા પર પણ #remove_fix_pay_in_gujarat હેશટેગ સાથે આ અભિયાનને વેગ આપવામાં આવી રહ્યો છે, જેથી રાજકીય પક્ષો પર દબાણ વધારી શકાય.
ટીમ રિમૂવ ફિક્સ પે ના મુખ્ય હોદ્દેદારો
આ લડતને વેગ આપવા માટે નડિયાદ સ્થિત જિલ્લા સેવા સદન ખાતેથી સંચાલન કરવામાં આવી રહ્યું છે. જેમાં ભારતેન્દુ રાજગોર, મિતેષ કનેજિયા, જીગર શાહ, નવનીત ચૌહાણ અને કિરણ સોલંકી જેવા સંયોજકો યુવાનોના અવાજને વાચા આપી રહ્યા છે.





