Home National Tcs Nashik Religious Conversion Case Nida Khan Arrest From Maharashtra

TCS ધર્માંતરણ કેસ : મુખ્ય આરોપી નિદા ખાનની મહારાષ્ટ્રમાંથી ધરપકડ, લાંબા સમયથી પોલીસને આપી રહી હતી ચકમો

TCS Conversion Case Nida Khan Arrested
Published by: Nirali Gohil
Last Updated: May 08, 2026, 04:09 AM IST

TCS Conversion Case: દેશની અગ્રણી આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ના નાસિક યુનિટમાં બળજબરીથી ધર્માંતરણ કરાવવાના ગંભીર આરોપોમાં ઘેરાયેલી મુખ્ય આરોપી નિદા ખાનની આખરે ધરપકડ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર પોલીસ અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને નિદા ખાનને છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ) માંથી દબોચી લીધી હતી. નિદા ખાન પર આક્ષેપ છે કે તેણે અન્ય સાથીદારો સાથે મળીને હિન્દુ યુવતીઓને ઇસ્લામ અંગીકાર કરવા માટે દબાણ કર્યું હતું અને માનસિક ત્રાસ આપ્યો હતો.

ગુપ્ત મિશન દ્વારા ધરપકડ: કૈસર કોલોનીમાં છુપાઈ હતી આરોપી

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, નિદા ખાન છેલ્લા ચાર દિવસથી છત્રપતિ સંભાજીનગરના નારેગાંવ વિસ્તારમાં આવેલી કૈસર કોલોનીમાં તેના પરિવાર સાથે એક ફ્લેટમાં છુપાઈ હતી. નાસિક એસઆઈટી અને સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચે આ ફ્લેટ પર બે દિવસ સુધી નજર રાખી હતી. જ્યારે ખાતરી થઈ કે નિદા ખાન ત્યાં જ છે, ત્યારે ઓપરેશન પાર પાડીને તેની અટકાયત કરવામાં આવી હતી. ધરપકડ બાદ તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે સ્થાનિક મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી અને હવે વધુ પૂછપરછ માટે તેને નાસિક લાવવામાં આવી છે.

ગર્ભાવસ્થાનું બહાનું ધરી આગોતરા જામીન માંગ્યા હતા

નિદા ખાને અગાઉ ધરપકડથી બચવા માટે નાસિકની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. તેણે કોર્ટમાં દલીલ કરી હતી કે તે બે મહિનાની ગર્ભવતી છે, તેથી તેને ધરપકડમાંથી મુક્તિ આપવામાં આવે. જોકે, કેસની ગંભીરતાને જોતા કોર્ટે તેને કોઈ પણ પ્રકારની વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટના આંચકા બાદ નિદા ખાન સતત ફરાર હતી અને પોલીસથી બચવા માટે ઠેકાણા બદલી રહી હતી.

નાસિક TCS કેસમાં ચોંકાવનારો વળાંક: આરોપી નિદા ખાન હજુ પણ ફરાર, ગર્ભાવસ્થાનો હવાલો આપી આગોતરા જામીન માંગ્યા પણ કોર્ટે રાહત ન આપી

શું છે સમગ્ર વિવાદ? ગંભીર આરોપોથી ખળભળાટ

TCS ધર્માંતરણનો આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક મહિલા કર્મચારીએ આરોપ લગાવ્યો કે તેના સાથી કર્મચારી દાનિશ શેખે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ ધર્મ બદલવા દબાણ કર્યું હતું. નિદા ખાન, જે દાનિશની બહેન છે, તેના પર આરોપ છે કે તેણે પીડિતાના ધર્મ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી અને તેને ઇસ્લામ સ્વીકારવા માટે મજબૂર કરી હતી. આ મામલો બહાર આવ્યા બાદ અન્ય સાત મહિલાઓએ પણ આગળ આવીને વરિષ્ઠ અધિકારીઓ દ્વારા યૌન શોષણ અને એચઆર વિભાગ દ્વારા ફરિયાદોની અવગણનાના આક્ષેપો કર્યા હતા.

TCS નાસિક કેસમાં મોટો વળાંક: મુખ્ય આરોપી નિદા ખાનનો 'પ્રેગ્નન્સી'નો દાવો, ધરપકડથી બચવા કોર્ટમાં કરી અરજી

TCS કંપનીની કાર્યવાહી: નિદા ખાન સસ્પેન્ડ

આ વિવાદ વકરતા જ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) એ નિદા ખાનને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધી છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે નિદા ખાન કોઈ એચઆર મેનેજર નહોતી પરંતુ 'પ્રોસેસ એસોસિએટ' તરીકે કામ કરતી હતી. કંપનીએ તેના આંતરિક સિસ્ટમ્સનો એક્સેસ પણ રદ કરી દીધો છે. હાલમાં આ કેસમાં અત્યાર સુધીમાં એચઆર હેડ સહિત કુલ સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now