Home National Tcs Nashik Case Accused Nida Khan Claims Pregnancy Court Relief

TCS નાસિક કેસમાં મોટો વળાંક : મુખ્ય આરોપી નિદા ખાનનો 'પ્રેગ્નન્સી'નો દાવો, ધરપકડથી બચવા કોર્ટમાં કરી અરજી

TCS Nashik Case Nida Khan
Published by: Nirali Gohil
Last Updated: Apr 17, 2026, 08:37 AM IST

TCS Nashik Case: નાસિકમાં આવેલી આઈટી દિગ્ગજ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ના યુનિટમાં બનેલી ધર્મ પરિવર્તન અને જાતીય સતામણીની ઘટનાએ સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે. આ કેસની મુખ્ય આરોપી નિદા ખાન, જે હાલ પોલીસ પકડથી દૂર છે, તેણે નાસિકની સ્થાનિક કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. નિદા ખાનના પરિવારે દાવો કર્યો છે કે તે ગર્ભવતી છે અને હાલ મુંબઈમાં છે, જેના આધારે તેણે કોર્ટ પાસે રાહતની માંગ કરી છે. આ મામલો ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે નાસિક TCS ના બીપીઓ યુનિટમાં કામ કરતી આઠ મહિલા કર્મચારીઓએ તેમના સિનિયર સાથીદારો પર ગંભીર આક્ષેપો કર્યા. આ કર્મચારીઓનો આરોપ છે કે, વર્ષ 2022 થી 2026 દરમિયાન તેમની સાથે માનસિક અને જાતીય સતામણી કરવામાં આવી હતી. આટલું જ નહીં, ફરિયાદમાં જણાવાયું છે કે, આરોપીઓ દ્વારા બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. આ ઘટનાઓની તપાસ માટે પોલીસે હવે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરી છે.

આરોપી નિદા ખાનની ધરપકડથી બચવા કોર્ટમાં ધા

નાસિક પોલીસ દ્વારા રચવામાં આવેલી SIT હાલમાં નિદા ખાનની શોધખોળ કરી રહી છે. 25 વર્ષીય નિદા ખાન 2021 માં TCS ના નાસિક યુનિટમાં જોડાઈ હતી. તેના પર આરોપ છે કે તેણે કંપનીમાં ધર્મ પરિવર્તન કરાવવાની પ્રવૃત્તિઓમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. ધરપકડના ડરથી તે હાલ ફરાર છે, પરંતુ તેના વકીલ મારફતે કરવામાં આવેલી જામીન અરજીમાં તેની તબીબી સ્થિતિ એટલે કે ગર્ભાવસ્થાને મુખ્ય આધાર બનાવવામાં આવ્યો છે. પોલીસ હવે સત્તાવાર મેડિકલ ચેનલો દ્વારા આ દાવાની ખરાઈ કરવાની તૈયારી કરી રહી છે.

જાતીય સતામણી અને બળજબરીથી ધર્મ પરિવર્તનના ગંભીર આક્ષેપ

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે કંપનીના કેટલાક સિનિયર અધિકારીઓ મહિલા કર્મચારીઓને હોટલ પર આવવા માટે દબાણ કરતા હતા. એક આરોપીએ લગ્નની લાલચ આપીને પીડિતા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું પણ ફરિયાદમાં નોંધાયું છે. આ ઉપરાંત, કર્મચારીઓના અંગત અને વૈવાહિક જીવન પર અભદ્ર ટિપ્પણીઓ અને છેડતીની ઘટનાઓ પણ બની હતી. સૌથી ચોંકાવનારો આક્ષેપ એ છે કે એક પુરુષ કર્મચારીને બળજબરીથી નમાઝ પઢવા માટે દબાણ કરવામાં આવ્યું હતું અને તેના ધર્મનું અપમાન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: સાણંદ પોલીસનું 'ઓપરેશન લોકેશન' : મુખ્યમંત્રીને ધમકી આપનાર ડ્રાઈવર અમદાવાદથી ઝડપાયો

HR વિભાગની બેદરકારી અને 7 કર્મચારીઓની ધરપકડ

પીડિત મહિલાઓનો દાવો છે કે તેમણે આ બાબતે અનેકવાર મૌખિક અને લેખિત ફરિયાદો કરી હતી, પરંતુ હ્યુમન રિસોર્સ (HR) વિભાગે તેમની વાતોને નજરઅંદાજ કરી હતી. HR હેડ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે "આવી વસ્તુઓ થતી રહે છે," જેના કારણે આરોપીઓને વધુ પ્રોત્સાહન મળ્યું હતું. પોલીસે અત્યાર સુધીમાં સાત કર્મચારીઓની ધરપકડ કરી છે, જેમાં HR હેડ અશ્વિની ચૈનાનીનો પણ સમાવેશ થાય છે. અન્ય આરોપીઓમાં દાનિશ શેખ, તૌસીફ અત્તાર અને રઝા મેમણ જેવા કર્મચારીઓ સામેલ છે, જેમને કંપનીએ સસ્પેન્ડ કરી દીધા છે.

ટાટા ગ્રુપ દ્વારા કડક કાર્યવાહીના આદેશ

આ ઘટનાની ગંભીરતાને જોતા ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને આ ઘટનાને "અત્યંત ચિંતાજનક અને પીડાદાયક" ગણાવી છે. તેમણે જાહેરાત કરી છે કે TCS ના ચીફ ઓપરેટિંગ ઓફિસર આરતી સુબ્રમણ્યમના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય તપાસ ચાલી રહી છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈપણ પ્રકારની સતામણી સામે 'ઝીરો ટોલરન્સ' ની નીતિ ધરાવે છે અને પોલીસ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે.

શું છે સમગ્ર મામલો?

નાસિક સ્થિત TCSના યુનિટમાં વર્ષ 2022 થી 2026 દરમિયાન 8 મહિલા કર્મચારીઓ સાથે થયેલી જાતીય સતામણી અને બળજબરીથી ધર્મ પરિવર્તનના ગંભીર આક્ષેપોને પગલે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે, જેમાં પીડિતોએ સિનિયર સાથીદારો પર માનસિક ટોર્ચર, અભદ્ર ટિપ્પણીઓ અને એક પુરુષ કર્મચારીને પરાણે નમાઝ પઢાવવા જેવા ચોંકાવનારા આરોપો લગાવ્યા છે. આ મામલે પોલીસે અત્યાર સુધીમાં મહિલા HR હેડ સહિત 7 કર્મચારીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી નિદા ખાન હાલ ફરાર છે અને તેણે ગર્ભવતી હોવાનો દાવો કરી કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી આંતરિક તપાસના આદેશ આપ્યા છે અને SIT દ્વારા આ સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા માટે સઘન તપાસ ચાલી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now