Home National Tcs Nashik Harassment Forced Conversion Case Nida Khan Seeks Bail On Pregnancy Claim

નાસિક TCS કેસમાં ચોંકાવનારો વળાંક : આરોપી નિદા ખાન હજુ પણ ફરાર, ગર્ભાવસ્થાનો હવાલો આપી આગોતરા જામીન માંગ્યા પણ કોર્ટે રાહત ન આપી

TCS Nashik case
Published by: Nirali Gohil
Last Updated: Apr 22, 2026, 08:51 AM IST

TCS Nashik case: નાસિક સ્થિત ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) માં બહુચર્ચિત યૌન ઉત્પીડન અને બળજબરીથી ધર્માંતરણના કેસમાં પોલીસની તપાસમાં દરરોજ નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આ કેસની મુખ્ય આરોપી ગણાતી અને કંપનીની પ્રોસેસ એસોસિયેટ નિદા ખાન હજુ પણ પોલીસની પકડથી દૂર છે. પોલીસે કોર્ટમાં દાવો કર્યો છે કે, નિદા ખાન માત્ર જાતીય સતામણીમાં જ નહીં, પરંતુ કર્મચારીઓના બળજબરીથી કરવામાં આવતા ધર્માંતરણના કૃત્યમાં પણ સક્રિયપણે સામેલ હતી. આ કિસ્સાએ આઈટી જગતમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે.

ધરપકડના ડરથી નિદા ખાને નાસિક સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, જેમાં તેણે પોતે બે મહિનાની ગર્ભવતી હોવાનો હવાલો આપી માનવીય ધોરણે વચગાળાની સુરક્ષા માંગી હતી. જોકે, કોર્ટે સોમવારે તેની આ દલીલને ફગાવી દઈને કોઈપણ પ્રકારની તાત્કાલિક રાહત આપવાનો ઇનકાર કર્યો છે. હવે આ મામલે આગામી સુનાવણી 27 એપ્રિલના રોજ યોજાશે. બીજી તરફ, પોલીસની ટુકડીઓ ફરાર નિદાની શોધમાં અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી રહી છે.

પોલીસ તપાસમાં અત્યાર સુધી શું મળ્યું?

નાસિક પોલીસે આ હાઈ-પ્રોફાઇલ કેસની ગંભીરતાને જોતા તપાસનો ધમધમાટ તેજ કર્યો છે અને આ માટે 12 સભ્યોની SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ની રચના કરવામાં આવી છે. પોલીસની અત્યાર સુધીની તપાસમાં અત્યંત આઘાતજનક વિગતો પ્રકાશમાં આવી છે, જેમાં જાણવા મળ્યું છે કે આ કેસ માત્ર યૌન ઉત્પીડન પૂરતો સીમિત નથી પણ તેની પાછળ એક ઊંડું કાવતરું કામ કરી રહ્યું હતું. અત્યાર સુધીમાં પોલીસે આ મામલે કુલ 8 આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને અન્ય ફરાર આરોપીઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે. તપાસ દરમિયાન પીડિત મહિલાઓની જે સ્થિતિ સામે આવી છે તે હૃદયદ્રાવક છે. પોલીસના જણાવ્યા અનુસાર, ભોગ બનનાર મહિલા કર્મચારીઓની ઉંમર 21 થી 30 વર્ષની વચ્ચે છે અને તેઓ સામાન્ય મધ્યમ વર્ગના પરિવારોમાંથી આવે છે. આ યુવતીઓ પોતાના કરિયર અને આર્થિક જવાબદારીઓને કારણે દબાણમાં હતી, જેનો આરોપીઓએ ગેરલાભ ઉઠાવ્યો હતો.

આ પણ વાંચો: મમતા બેનર્જીની મુશ્કેલી વધશે? : EDની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, તપાસમાં દખલગીરીનો આરોપ


SIT દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં એવું પણ બહાર આવ્યું છે કે, આરોપીઓ આ મહિલાઓ પર માત્ર શારીરિક કે માનસિક અત્યાચાર જ નહોતા ગુજારતા, પરંતુ તેમને સતત ડરાવી-ધમકાવીને રાખતા હતા. સૌથી ચોંકાવનારો ઘટસ્ફોટ બ્રેઈનવોશ અને ધર્માંતરણના પ્રયાસો અંગે થયો છે. પોલીસ તપાસમાં એવા ગંભીર આરોપો સામે આવ્યા છે કે આરોપીઓ હિન્દુ મહિલા કર્મચારીઓનું પદ્ધતિસર બ્રેઈનવોશ કરતા હતા. તેમને માત્ર છેડતી કરીને જ હેરાન નહોતા કરવામાં આવતા, પરંતુ તેમને પોતાની ધાર્મિક માન્યતાઓ છોડીને બુરખો પહેરવા અને નમાઝ પઢવા માટે પણ મજબૂર કરવામાં આવતી હતી. આ કેસ હવે ધાર્મિક લાગણીઓ દુભાવવા અને બળજબરીથી ધર્મ પરિવર્તનના એંગલથી પણ તપાસવામાં આવી રહ્યો છે, જેના કારણે નાસિક સહિત સમગ્ર રાજ્યમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

માસ્ટરમાઈન્ડનો ખુલાસો અને વકીલની દલીલ

SIT તપાસમાં તૌસીફ અત્તાર અને નિદા ખાનને મુખ્ય કાવતરાખોર માનવામાં આવ્યા છે. પોલીસ મુજબ, તૌસીફ કર્મચારીઓને નિશાન બનાવતો હતો, જ્યારે નિદા બધું જાણતી હોવા છતાં તેને મદદ કરતી હતી. જોકે, નિદા ખાનના વકીલ બાબા સૈયદ આ આરોપોને નકારી રહ્યા છે. તેમનું કહેવું છે કે, નિદાને માસ્ટરમાઈન્ડ કહેવી ખોટી છે, તેનું નામ માત્ર એક જ કેસમાં આવ્યું છે અને તેની સામે માત્ર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે, જ્યારે મુખ્ય આરોપી દાનિશ શેખ છે.

પીડિતાની આપવીતી: સોશિયલ મીડિયા પર પણ પીછો કરાતો

પીડિત મહિલા એન્જિનિયરે આ કેસમાં પાંચ આરોપીઓ સામે અત્યંત ગંભીર અને આઘાતજનક આરોપો લગાવ્યા છે. તેણીની આપવીતી મુજબ, જૂન 2025 થી માર્ચ 2026 દરમિયાન ઓફિસમાં તેનું સતત જાતીય શોષણ કરવામાં આવતું હતું. આ શોષણ માત્ર શારીરિક છેડતી પૂરતું સીમિત નહોતું, પરંતુ તેમાં ધાર્મિક અપમાનનો પણ સમાવેશ થતો હતો. આરોપીઓએ તેણીની આસ્થાને ઠેસ પહોંચાડવા માટે હિન્દુ દેવી-દેવતાઓ પર વાંધાજનક અને અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી, જેણે પીડિતાને માનસિક રીતે ખૂબ જ વ્યથિત કરી દીધી હતી. છેડતીની ઘટનાઓ વિશે વધુ વિગતો આપતા પીડિતાએ જણાવ્યું કે, તેનો ટીમ લીડર ટ્રેનિંગ આપવાના બહાને તેને અવારનવાર ખોટી રીતે સ્પર્શ કરતો હતો. આ અત્યાચાર પરાકાષ્ઠાએ ત્યારે પહોંચ્યો જ્યારે ગુડી પડવા જેવા પવિત્ર તહેવાર દરમિયાન ઓફિસની પેન્ટ્રીમાં તેની સાથે છેડતી કરવામાં આવી હતી. આ ઘટનાઓએ ઓફિસના વાતાવરણને તેણી માટે અત્યંત અસુરક્ષિત અને ભયજનક બનાવી દીધું હતું. પોતાની ગરિમા જાળવવા માટે સંઘર્ષ કરી રહેલી આ મહિલા કર્મચારી માટે ઓફિસમાં કામ કરવું એક દુઃસ્વપ્ન સમાન બની ગયું હતું.

વધુમાં, આરોપીઓનું ઉત્પીડન ઓફિસની દિવાલોની બહાર પણ ચાલુ રહ્યું હતું. પીડિતાના જણાવ્યા અનુસાર, આરોપીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તેનો સતત પીછો (સ્ટોકિંગ) કરતા હતા. તેણીએ અનેકવાર આરોપીઓને બ્લોક કરવાનો પ્રયાસ કર્યો હોવા છતાં, તેઓ અલગ-અલગ રીતે તેણીને હેરાન કરવાનું ચાલુ રાખતા હતા. ઓફિસ અને ડિજિટલ પ્લેટફોર્મ પર સતત થઈ રહેલા આ શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને અને પોતાની સુરક્ષાના જોખમે, આખરે તેણીને પોલીસ અને કાયદાકીય મદદ લેવાની ફરજ પડી હતી.

BPO મેનેજમેન્ટની બેદરકારી અને TCSનું વલણ

આ મામલામાં HR વિભાગની ભૂમિકા પણ શંકાના દાયરામાં છે. પીડિતાઓએ કંપનીના HRને અંદાજે 78 ઈમેલ મોકલ્યા હતા, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ બેદરકારી બદલ પોલીસે સીનિયર મેનેજર અશ્વિની ચનાનીની પણ અટકાયત કરી છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા TCS એ સ્પષ્ટતા કરી છે કે કંપની કોઈપણ પ્રકારના ઉત્પીડન સામે 'ઝીરો ટોલરન્સ' નીતિ ધરાવે છે. આરોપી કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને આંતરિક તપાસ માટે એક સ્પેશિયલ પેનલની રચના કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now