Tamil Nadu accident: દક્ષિણ ભારતના પ્રખ્યાત પર્યટન સ્થળ વાલપરાઈની પહાડીઓમાં એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે. મલપ્પુરમથી પ્રવાસે આવેલા શિક્ષકો અને તેમના સંબંધીઓની એક પ્રવાસી વાન કાબૂ ગુમાવતા ઊંડી ખીણમાં ખાબકી હતી. આ ભયાનક અકસ્માતમાં 7 મહિલાઓ સહિત કુલ 9 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો ભીષણ હતો કે વાન સુરક્ષા બેરિયર તોડીને સીધી ખીણના તળિયે જઈ પટકાઈ હતી, જેના કારણે વાનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
આ ઘટનાની જાણ થતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પહાડી રસ્તાઓ પર ડ્રાઈવરે વળાંક લેતી વખતે નિયંત્રણ ગુમાવ્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. આ અકસ્માતે કેરળના મલપ્પુરમ પંથકમાં અને ખાસ કરીને શિક્ષણ જગતમાં શોકનું મોજું ફેરવી દીધું છે, કારણ કે મૃતકોમાં મોટાભાગના શાળાના શિક્ષકો હોવાનું સામે આવ્યું છે.
કેવી રીતે સર્જાઈ આ ભયાનક દુર્ઘટના?
મળતી માહિતી મુજબ, કેરળના મલપ્પુરમ જિલ્લાના 13 લોકો વાલપરાઈના સુંદર પહાડોની મુલાકાત લઈને પરત ફરી રહ્યા હતા. વાલપરાઈ-પોલ્લાચી હાઈવે પર પહાડી રસ્તાના જોખમી વળાંક પર અચાનક ડ્રાઈવરે વાહન પરથી કાબૂ ગુમાવી દીધો હતો. વાન રસ્તાની સુરક્ષા માટે મુકાયેલા સિમેન્ટના બેરિયર સાથે ધડાકાભેર અથડાઈ હતી અને જોતજોતામાં ઊંડી ખીણમાં પટકાઈ હતી. અકસ્માતના અવાજથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.
બચાવ કામગીરીમાં મુશ્કેલી: 8 લોકોના ઘટનાસ્થળે જ મોત
ખીણ ખૂબ જ ઊંડી હોવાથી બચાવ કામગીરીમાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક લોકોની મદદથી જ્યારે ટીમ નીચે પહોંચી ત્યારે સ્થિતિ અત્યંત દયનીય હતી. આઠ લોકોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો, જેમાં 7 મહિલાઓ અને 1 પુરુષ સામેલ હતા. અન્ય પાંચ લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, જેમાંથી વધુ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. હાલ 4 ઈજાગ્રસ્તોની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો: સસંદ ભવન ચલાવવામાં થાય છે અધધ ખર્ચ... : એક એક મિનિટ પડે છે લાખો રૂપિયામાં
PM મોદીએ પાઠવી સાંત્વના
આ હૃદયદ્રાવક અકસ્માત અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા દ્વારા દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે, "તમિલનાડુના કોઈમ્બતુર નજીક થયેલા માર્ગ અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું." કેરળ અને તમિલનાડુ સરકાર દ્વારા પણ મૃતકોના પરિવારોને સહાય આપવાની દિશામાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
શિક્ષક સમુદાયમાં શોક વ્યાપ્યો
પ્રાથમિક અહેવાલો મુજબ, આ પ્રવાસી વાનમાં સવાર લોકો મલપ્પુરમની એક શાળાના સ્ટાફ સભ્યો હતા. આનંદ-પ્રમોદ માટે નીકળેલા આ પ્રવાસનો અંત આટલો કરૂણ આવશે તેની કોઈએ કલ્પના કરી નહોતી. જે શાળાના શિક્ષકોનું અવસાન થયું છે ત્યાંના વિદ્યાર્થીઓ અને સાથી કર્મચારીઓમાં ભારે આઘાત જોવા મળી રહ્યો છે. હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે અકસ્માત બ્રેક ફેલ થવાને કારણે થયો હતો કે પછી ડ્રાઈવરની થાક અને બેદરકારીને કારણે.





