વિજયની પાર્ટી બહુમતીથી 10 સીટ દૂર; રાજકીય સમીકરણો વચ્ચે સપોર્ટ-ગેમ તેજ બની છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છેકે, કોંગ્રેસ તમિલનાડુમાં TVK એટલેકે, સુપરસ્ટાર વિજય થાલાપતિની પાર્ટી તમિલાગા વેટ્રી કઝગમને સમર્થન આપશે. જેના સમર્થનથી તમિલનાડુમાં વિજય મુખ્યમંત્રી પદના શપથ લઈને સરકાર બનાવશે. અગાઉ વિજયના પિતા પણ કહી ચુક્યા હતા કે વિજય સરકાર બનાવવા માટે કોંગ્રેસ સાથે હાથ મિલાવશે.
તમિલનાડુની રાજનીતિમાં અચાનક ઝડપથી બદલાતા સમીકરણો વચ્ચે નવી ચર્ચા શરૂ થઈ છે કે કોંગ્રેસે અભિનેતા-રાજકારણી વિજયની પાર્ટી TVK (તમિલાગા વેટ્રી કઝગમ)ને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. સૂત્રોના હવાલાથી મળતી માહિતી મુજબ, મંગળવારે મોડી રાત્રે તમિલનાડુ કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીની તાત્કાલિક બેઠક યોજાઈ હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, આ દાવાની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી જાહેર રીતે કરવામાં આવી નથી, તેથી પરિસ્થિતિ હજુ રાજકીય અનિશ્ચિતતાથી ઘેરાયેલી છે.
તમિલનાડુમાં ‘થલાપતિ’ વિજયનો પાવર: વિજય સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યા છતાં સરકાર બનાવવાના ફાંફા, જાણો શું છે આખું ગણિત
આ બેઠક ઓનલાઈન માધ્યમથી યોજાઈ હોવાનું કહેવાય છે, જેમાં દિલ્હી સ્થિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પણ ભાગ લીધો હતો. કોંગ્રેસનો તર્ક એવો દર્શાવવામાં આવે છે કે તમિલનાડુના મતદાતાઓએ બિનસાંપ્રદાયિક સરકાર માટે મત આપ્યો છે અને પાર્ટી કોઈપણ રીતે ભાજપ અથવા તેના સહયોગીઓને સત્તામાં આવતાં અટકાવવા માંગે છે. આ વલણ રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસની ચાલતી વ્યૂહરચના સાથે સુસંગત માનવામાં આવે છે.
સંખ્યાબળનું ગણિત અને સરકાર રચનાનો પડકાર
તમિલનાડુ વિધાનસભાની કુલ 234 બેઠકોમાં TVKએ 108 બેઠકો જીત્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જે તેને સૌથી મોટી પાર્ટી બનાવે છે, પરંતુ બહુમતી માટે જરૂરી આંકડાથી તે હજુ 10 બેઠકો પાછળ છે. કોંગ્રેસ પાસે માત્ર 5 બેઠકો છે, જ્યારે PMK પાસે 4, CPI અને CPI(M) પાસે 2-2 બેઠકો છે. આ રીતે જો કોંગ્રેસ, ડાબેરી પક્ષો અને PMKનું સમર્થન મળે તો વિજય માટે સરકાર રચનાનો રસ્તો સરળ બની શકે છે.
બીજી તરફ, પરંપરાગત દળો જેમ કે DMKએ 59 બેઠકો અને AIADMKએ 47 બેઠકો મેળવી છે. આ બંને પક્ષો હજુ પણ રાજકીય ગોઠવણીમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે, ખાસ કરીને જો વિરોધી ગઠબંધનો મજબૂત બનશે તો.
થલપતિ વિજયનું રૂ. 80 કરોડનું છે બીચ હાઉસ: જાણો બીચ હાઉસમાં શું છે ખાસ
વિજયે પહેલેથી કોંગ્રેસ પાસે સમર્થન માંગ્યું હોવાનું જણાવાય છે, જે દર્શાવે છે કે સરકાર રચવા માટે સક્રિય ચર્ચાઓ ચાલી રહી છે. મહાબલીપુરમ નજીક ચેંગલપટ્ટુ વિસ્તારમાં એક હોટલમાં TVKએ પોતાના તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને એકત્રિત કર્યા છે, જે સામાન્ય રીતે રાજકીય અનિશ્ચિતતા દરમિયાન ‘રિસોર્ટ પોલિટિક્સ’ તરીકે જોવામાં આવે છે.
DMKની કટાક્ષભરી પ્રતિક્રિયા
કોંગ્રેસના આ દાવા પર DMKએ કડક પ્રતિક્રિયા આપી છે. પાર્ટીના પ્રવક્તા સરવનન અન્નાદુરાઈએ પ્રશ્ન ઉઠાવ્યો કે વિજય જેવી મોટી પાર્ટી માત્ર 5 બેઠકો ધરાવતી કોંગ્રેસની વાત કેમ સાંભળશે. તેમણે આ નિર્ણયને ‘મૂર્ખતાપૂર્ણ’ ગણાવ્યો અને કહ્યું કે કોંગ્રેસ થોડા નેતાઓના અહંકારને સંતોષવા માટે ખોટી દિશામાં જઈ રહી છે. DMKનું કહેવું છે કે AIADMKના 47 ધારાસભ્યો TVKને બિનશરતી ટેકો આપવા તૈયાર છે, જે આ સમગ્ર રાજકીય ગણિતને વધુ જટિલ બનાવે છે. જો આ દાવો સાચો સાબિત થાય, તો કોંગ્રેસનું સમર્થન પ્રતિકાત્મક બની શકે છે અને વિજય માટે વિકલ્પો વધુ વિસ્તૃત બની શકે છે.
થાલાપતિ બનશે તમિલનાડુના સેનાપતિ: રજનીકાન્ત બાદ સાઉથના સૌથી મોટા સુપરસ્ટારનો રાજનીતિમાં 'વિજય'
હાલની પરિસ્થિતિમાં સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે વિજય કયા પક્ષ અથવા ગઠબંધન સાથે જશે. કોંગ્રેસ, ડાબેરી પક્ષો અને PMK સાથે જોડાણ તેને સંખ્યાબળ પૂરું કરી શકે છે, પરંતુ જો AIADMKનું સમર્થન મળે તો તે વધુ મજબૂત સરકાર રચી શકે છે. બીજી તરફ, DMK પણ રાજકીય ચાળો ચલવા માટે તૈયાર દેખાઈ રહી છે. આ પરિસ્થિતિમાં આગામી થોડા દિવસો નિર્ણાયક સાબિત થશે. સત્તાવાર ઘોષણાઓ, ગઠબંધનના સમજૂતીઓ અને સંખ્યાબળના અંતિમ આંકડા સામે આવ્યા પછી જ સ્પષ્ટ થશે કે તમિલનાડુમાં સરકાર કોણ બનાવશે. હાલમાં, કોંગ્રેસના સમર્થનનો દાવો રાજકીય ચર્ચાનો કેન્દ્ર બન્યો છે, પરંતુ તેની વાસ્તવિક અસર શું થશે તે હજુ અનિશ્ચિત છે.






