Home National Tamil Nadu Election Results 2026 Thalapathy Vijay Tvk Majority Crisis

તમિલનાડુમાં ‘થલાપતિ’ વિજયનો પાવર : વિજય સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યા છતાં સરકાર બનાવવાના ફાંફા, જાણો શું છે આખું ગણિત

Tamil Nadu Election 2026, Thalapathy Vijay, TVK Party
Published by: Nirali Gohil
Last Updated: May 05, 2026, 10:01 AM IST

Tamil Nadu Election 2026: તમિલનાડુના રાજકારણમાં વર્ષોથી ડીએમકે (DMK) અને એઆઈએડીએમકે (AIADMK) ના એકહથ્થુ શાસન બાદ આ વખતે જનતાએ પરિવર્તનનો મિજાજ દેખાડ્યો છે. થલપતિ વિજયની પાર્ટી 'તમિલગા વેટ્રી કઝગમ' (TVK) એ પોતાના પ્રથમ ચૂંટણી જંગમાં જ શાનદાર પ્રદર્શન કરતા 108 બેઠકો હાંસલ કરી છે. જોકે, 234 બેઠકો ધરાવતી તમિલનાડુ વિધાનસભામાં બહુમતીનો જાદુઈ આંકડો 118 છે. આમ, વિજય સૌથી મોટી પાર્ટી હોવા છતાં જાદુઈ આંકડાથી 10 બેઠક દૂર રહી ગયા છે. હવે સવાલ એ ઉઠ્યો છે કે, જે વિજયે ચૂંટણી પહેલા ભાજપને 'વૈચારિક દુશ્મન' અને ડીએમકે-એઆઈએડીએમકેને 'રાજકીય દુશ્મન' ગણાવ્યા હતા, તેઓ હવે કોનો સાથ લેશે?

કોંગ્રેસે આપ્યો ટેકો, પણ હજુ ગણિત અધૂરું

સોમવારે પરિણામો જાહેર થયા બાદ વિજયની પાર્ટી માટે સરકાર બનાવવાના રસ્તા મુશ્કેલ દેખાઈ રહ્યા હતા, ત્યારે તેમના પિતા એસ.એ. ચંદ્રશેખરે મોરચો સંભાળ્યો હતો. તેમણે ૫ બેઠકો જીતનાર કોંગ્રેસને ગઠબંધન માટે આમંત્રણ આપ્યું અને કોંગ્રેસે કોઈપણ શરત વગર ટેકો જાહેર કરી દીધો છે. પરંતુ, કોંગ્રેસના ૫ ધારાસભ્યો ઉમેરવા છતાં TVK નો આંકડો 113 પર પહોંચે છે, જે બહુમતીથી હજુ પણ 5 બેઠક ઓછો છે.

વિધાનસભા ચૂંટણી 2026 માં BSP ના સુપડા સાફ!: ત્રણ રાજ્યોમાં 1%થી પણ ઓછો મત હિસ્સો, શું બંધ થઈ જશે પાર્ટી?

બે બેઠકો અને સ્પીકરના પદનું નવું સંકટ

રાજકીય સમીકરણોમાં વિજય માટે વધુ એક મડાગાંઠ ઉભી થઈ છે. વિજય પોતે બે બેઠકો (પેરમ્બુર અને તિરુચી ઈસ્ટ) પરથી ચૂંટણી જીત્યા છે. નિયમ મુજબ, તેમણે એક બેઠક ખાલી કરવી પડશે, જેનાથી પાર્ટીની સભ્ય સંખ્યા 107 થઈ જશે. ઉપરાંત, જો સરકાર રચાય તો એક ધારાસભ્યને સ્પીકર બનાવવા પડે, જેઓ સામાન્ય સંજોગોમાં મતદાન કરી શકતા નથી. આ પરિસ્થિતિમાં વિજયને બહુમતી સાબિત કરવા માટે હજુ પણ 12 વધારાના ધારાસભ્યોના સમર્થનની જરૂર પડશે.

ચૂંટણીમાં જીત બાદ આસામમાં રાજકીય હિલચાલ તેજ: જેપી નડ્ડાની દેખરેખ હેઠળ થશે નવી સરકારનું ગઠન

નાના પક્ષો બનશે ‘કિંગમેકર’

હવે તમિલનાડુમાં સત્તાની ચાવી નાના પક્ષોના હાથમાં હોય તેવું જણાય છે. ડીએમકે ગઠબંધનમાંથી ડાબેરી પક્ષો (CPI અને CPI-M) ને 2-2 બેઠકો મળી છે. આ ઉપરાંત મુસ્લિમ લીગ અને અન્ય નાના પક્ષો પણ નિર્ણાયક ભૂમિકામાં છે. બીજી તરફ, એઆઈએડીએમકે ગઠબંધનમાં સામેલ પીએમકે (PMK) અને ભાજપ પાસે પણ કેટલીક બેઠકો છે. જો વિજય ભાજપનો સાથ લેશે તો તેમની વિચારધારા પર સવાલ ઉઠશે અને જો ડીએમકે જૂથના સાથી પક્ષોને તોડશે તો તે રાજકીય રીતે મોટો જુગાર ગણાશે.

વર્ષોની રાહ પૂરી થઈ!: ભાજપની જીત થતાં જ આસનસોલના આ પ્રસિદ્ધ મંદિરમાં શંખનાદ થયો, વર્ષો બાદ ભક્તોમાં ખુશીની લહેર!

રાજ્યપાલનો નિર્ણય અને રાષ્ટ્રપતિ શાસનની શક્યતા

હવે સૌની નજર તમિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર અર્લેકર પર છે. તેઓ સૌથી મોટા પક્ષ તરીકે વિજયને સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા આમંત્રણ આપી શકે છે. જો વિજય બહુમતી સાબિત કરવામાં નિષ્ફળ જાય, તો બીજા ક્રમના સૌથી મોટા પક્ષ ડીએમકેને તક મળી શકે છે. જો કોઈ પણ પક્ષ સરકાર બનાવવા સક્ષમ નહીં હોય, તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવી શકે છે અને છ મહિનામાં ફરીથી ચૂંટણી યોજાય તેવી પણ સંભાવના છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now