ભારતીય રેલવે દ્વારા મુસાફરો માટે એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય અમલમાં મૂકવામાં આવ્યો છે. હવે ટિકિટ વિના મુસાફરી કરતા મુસાફરો માટે દંડની રકમમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. નવા નિયમો અનુસાર, જો કોઈ મુસાફર માન્ય ટિકિટ વિના મુસાફરી કરતા ઝડપાશે તો તેને હવે ઓછામાં ઓછો ₹500નો દંડ ચૂકવવો પડશે. અગાઉ આ દંડની લઘુત્તમ રકમ ₹250 હતી. એટલે કે રેલવે દ્વારા દંડની રકમ સીધી બમણી કરી દેવામાં આવી છે.
ભારતીય રેલવેનો આ સુધારેલો નિયમ 20 જૂન, 2026થી દેશભરના તમામ ઝોનમાં અમલમાં આવી ગયો છે. રેલવેનું માનવું છે કે ટિકિટ વિના મુસાફરીના વધતા કેસો પર નિયંત્રણ લાવવા અને આવકમાં થતા નુકસાનને રોકવા માટે આ પગલું જરૂરી હતું.
માત્ર ટિકિટ વગરની મુસાફરી નહીં, અન્ય ગેરરીતિઓ પર પણ કાર્યવાહી
પશ્ચિમ રેલવે દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નોટિસ મુજબ, વધારેલો દંડ ભારતીય રેલવે અધિનિયમ, 1989ની કલમ 137 અને 138 હેઠળ વસૂલવામાં આવશે. રેલવે દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ નિયમ માત્ર ટિકિટ વગર મુસાફરી કરનારા લોકો સુધી મર્યાદિત નથી.
જો કોઈ મુસાફર જૂની અથવા પહેલેથી ઉપયોગમાં લેવામાં આવેલી ટિકિટનો ફરી ઉપયોગ કરતા ઝડપાશે તો તેની સામે પણ કાર્યવાહી થશે. ઉપરાંત, અમાન્ય ટિકિટ, ખોટી શ્રેણીની ટિકિટ અથવા અન્ય કોઈ અનિયમિતતા સાથે મુસાફરી કરતા મુસાફરો પણ આ નિયમની જદમાં આવશે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આવી ગેરરીતિઓના કારણે દર વર્ષે રેલવેને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. તેથી હવે તપાસ વધુ કડક બનાવવામાં આવશે.
આ પણ વાંચો: કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : Paracetamol સહિત 16 દવાઓના ઉત્પાદન અને વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ
દંડ ઉપરાંત સંપૂર્ણ ભાડું પણ ચૂકવવું પડશે
નવા નિયમો હેઠળ જો કોઈ મુસાફર ટિકિટ વિના ઝડપાશે તો તેને માત્ર દંડ જ નહીં પરંતુ મુસાફરીનું સંપૂર્ણ ભાડું પણ ચૂકવવું પડશે. એટલે કે દંડ અને ભાડું બંનેની વસૂલાત કરવામાં આવશે. ઉદાહરણ તરીકે, જો કોઈ મુસાફર ટિકિટ વગર લાંબા અંતરની મુસાફરી કરતો ઝડપાય છે તો તેને તે રૂટનું નિયમિત ભાડું તેમજ ઓછામાં ઓછા ₹500નો દંડ ચૂકવવો પડશે. કેટલીક પરિસ્થિતિઓમાં આ રકમ વધુ પણ થઈ શકે છે. રેલવેનું કહેવું છે કે આ પગલું નિયમિત અને ઈમાનદાર મુસાફરોના હિતમાં લેવામાં આવ્યું છે, જેથી તમામ મુસાફરો માટે સમાન અને ન્યાયસંગત વ્યવસ્થા જળવાઈ રહે.
આ પણ વાંચો: રાજસ્થાનમાં મેઘરાજાની મહેર, મહારાષ્ટ્રમાં વરસાદનો અભાવ : મોનસૂનના બદલાયેલા મિજાજે ઊભી કરી ચિંતા
દંડ નહીં ભરો તો જેલની સજા પણ થઈ શકે
રેલવે દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકામાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ મુસાફર દંડ ભરવાનો ઇનકાર કરે છે અથવા ચૂકવણી કરવામાં અસમર્થ રહે છે તો તેની સામે કાનૂની કાર્યવાહી શરૂ થઈ શકે છે. રેલવે અધિનિયમની કલમ 137 અનુસાર, જાણબૂઝીને યોગ્ય ભાડું ચૂકવવાનું ટાળવું અથવા રેલવેને છેતરવાનો પ્રયાસ કરવો ગંભીર ગુનો માનવામાં આવે છે. આવા કેસોમાં કોર્ટ કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે અને દોષિત સાબિત થનાર વ્યક્તિને છ મહિના સુધીની જેલની સજા પણ થઈ શકે છે.
રેલવેના નવા નિયમોમાં વધુ એક મહત્વપૂર્ણ જોગવાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કોઈ મુસાફર ટિકિટ વિના ઝડપાય અને તે ટ્રેનમાં કયા સ્ટેશનથી ચડ્યો હતો તેની પુષ્ટિ ન થઈ શકે, તો રેલવે અધિકારીઓને વિશેષ અધિકાર આપવામાં આવ્યો છે. આવા કિસ્સામાં રેલવે સ્ટાફ ટ્રેનના પ્રારંભિક સ્ટેશનથી અથવા છેલ્લે જ્યાં ટિકિટ ચેકિંગ કરવામાં આવી હતી ત્યાંથી સંપૂર્ણ ભાડું વસૂલ કરી શકે છે. સાથે જ લાગુ પડતો દંડ પણ ચૂકવવો પડશે. આ નિયમનો હેતુ મુસાફરો દ્વારા ખોટી માહિતી આપીને ભાડું બચાવવાના પ્રયાસોને રોકવાનો છે.
સોશિયલ મીડિયા મારફતે જાગૃતિ અભિયાન
રેલવે દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વે ટ્વિટર) પર પણ મુસાફરોને જાગૃત કરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમાં મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ હંમેશા માન્ય ટિકિટ સાથે જ મુસાફરી કરે. રેલવેનું કહેવું છે કે ટિકિટ ખરીદવી માત્ર કાનૂની ફરજ નથી પરંતુ મુસાફરોની સુરક્ષા સાથે પણ સીધો સંબંધ ધરાવે છે. ટિકિટ ધરાવતા મુસાફરોની વિગતો ઉપલબ્ધ હોવાથી ઇમરજન્સી અથવા અકસ્માતની પરિસ્થિતિમાં તેમની ઓળખ અને સહાય વધુ સરળ બને છે.





