Home Gujarat Ahmedabad Surendranagar Naib Mamlatdar Acb Case Disproportionate Assets

સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર સામે ACBની મોટી કાર્યવાહી : 1.22 કરોડની અપ્રમાણસર સંપત્તિનો કેસ નોંધાયો

Chandrasinh Mori
Published by: Viral Patel
Last Updated: Apr 08, 2026, 01:28 PM IST

Chandrasinh Mori: ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર સામે આવક કરતાં વધુ સંપત્તિ એકત્ર કરવાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. તપાસમાં પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે આરોપી અધિકારીએ લગભગ ₹1.22 કરોડ જેટલી અપ્રમાણસર સંપત્તિ એકત્ર કરી હોવાનું સામે આવ્યું છે.

એ.સી.બી. દ્વારા કેસ નોંધાયો

સુરેન્દ્રનગર એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં નાયબ મામલતદાર વર્ગ-3 તરીકે કાર્યરત ચંદ્રસિંહ ભુપતસિંહ મોરી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપ છે કે તેમણે પોતાની કાયદેસર આવકની સરખામણીએ ઘણી વધુ સંપત્તિ એકત્ર કરી છે. તપાસ મુજબ આરોપીએ 1 એપ્રિલ 2013 થી 31 ડિસેમ્બર 2025 વચ્ચેના સમયગાળા દરમિયાન પોતાની આવક કરતાં અંદાજે ₹1,22,27,658 જેટલી વધુ સંપત્તિ એકત્ર કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ રકમ તેમની કાયદેસર આવક કરતાં લગભગ 56.89 ટકા વધુ હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો: અગાઉ મોદીજીને કહ્યાં હતા '100 માથાવાળા રાવણ' : હવે એ જ ખડગે રાહુલની મોહબ્બતની દુકાનમાં વેચાતું નફરતનું ઝેર પી ગયા..!

એ.સી.બી.ના અધિકારીઓના જણાવ્યા મુજબ આરોપીએ પોતાની ફરજ દરમિયાન સત્તાનો દુરુપયોગ કરી ગેરકાયદેસર રીતે સંપત્તિ એકત્ર કરી હોવાની શંકા છે. આ સંપત્તિ પોતાનાં નામે તેમજ પરિવારજનો કે સ્નેહીઓના નામે સ્થાવર અને જંગમ મિલકતમાં રોકાણ કરીને ઉભી કરવામાં આવી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.

SIT દ્વારા વિશેષ તપાસ

આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ થાય તે માટે એ.સી.બી.ના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ Special Investigation Team (SIT) બનાવવામાં આવી છે. આ ટીમ આરોપી અધિકારીની આવક, મિલકત અને રોકાણ સંબંધિત તમામ વિગતોની ચકાસણી કરી રહી છે. એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તરફથી મળેલી માહિતીના આધારે પણ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ એ.સી.બી. દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 તથા તેમાં થયેલા સુધારા મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ તપાસ દરમિયાન આરોપીની મિલકત, બેંક ખાતા, જમીન-મકાન તેમજ અન્ય આર્થિક વ્યવહારોની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: “જે કામ ભારતે કરવું જોઈએ હતું તે પાકિસ્તાન કરી ગયું...” : ઈરાન સીઝફાયર મુદ્દે ઓવૈસીનો સરકાર પર તીખો હુમલો

આરોપી હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં

માહિતી મુજબ આરોપી ચંદ્રસિંહ મોરી હાલમાં કોર્ટના આદેશથી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આ પહેલા નોંધાયેલા કેસના અનુસંધાનમાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન જો વધુ પુરાવા સામે આવે તો આરોપી સામે વધુ કાયદેસર કાર્યવાહી થઈ શકે છે. એ.સી.બી. અધિકારીઓના જણાવ્યા અનુસાર કેસની તપાસ ચાલુ છે અને આવનારા દિવસોમાં વધુ માહિતી બહાર આવી શકે છે. આ કેસની તપાસ મોરબી એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એ. દેકાવડિયા કરી રહ્યા છે, જ્યારે સમગ્ર તપાસનું સુપરવિઝન રાજકોટ એકમના મદદનીશ નિયામક દ્વારા કરવામાં આવી રહ્યું છે.

ભ્રષ્ટાચાર સામે એ.સી.બી.નો સંદેશ

આ ઘટનાના પગલે એ.સી.બી. દ્વારા નાગરિકોને પણ મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો છે. જો કોઈ સરકારી અધિકારી કે કર્મચારી સરકારી કામ માટે લાંચની માંગણી કરે તો તરત જ એ.સી.બી.ને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1064 અથવા એ.સી.બી.ના અન્ય સંપર્ક માધ્યમો દ્વારા ફરિયાદ નોંધાવી શકે છે. આવી ફરિયાદો મળતા એ.સી.બી. દ્વારા તાત્કાલિક તપાસ અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now