સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં એક અત્યંત કરુણ ઘટના બની છે. કૌટુંબિક વિખવાદના કારણે એક પતિએ પોલીસ મથકની બહાર ઝેરી દવા પીને આપઘાત કરી લીધો. આ ઘટનામાં મૃતકનું નામ અમિત તીલવાટ હોવાનું જાણવા મળ્યું છે, જેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
શું છે સમગ્ર ઘટના?
ઘટનાની વિગતો મુજબ, અમિત અને તેની પત્ની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઝઘડા ચાલી રહ્યા હતા. પત્નીએ અમિત વિરુદ્ધ તેના વીડિયો વાયરલ કરવાને લઈને વરાછા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. આ અરજી બાદ વરાછા પોલીસે તેમના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પતિ-પત્ની બંનેનું કાઉન્સિલિંગ કર્યું હતું, જેથી તેમનો વિવાદ શાંતિપૂર્ણ રીતે ઉકેલી શકાય.
જોકે, રવિવારે અમિતે ફરીથી તેની પત્ની સાથે ઉગ્રતાથી વાત કરી હતી, જેના કારણે પત્ની ફરીથી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચી હતી. પત્નીની પાછળ પાછળ અમિત પણ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસ મથકે પહોંચતા પહેલા, તેણે તેના પુત્ર માટે નાસ્તો લેવા જવાનું કહીને ઝેરી દવા પી લીધી હતી અને ત્યાર બાદ તે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસકર્મીઓને અમિતની તબિયત બગડતી જોઈને તરત જ તેને સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો, પરંતુ ઝેરની અસર વધુ હોવાથી તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટના બાદ પોલીસ અને સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાયું છે. આ કિસ્સો દર્શાવે છે કે કૌટુંબિક વિખવાદો ક્યારેક કેટલા ગંભીર અને જીવલેણ પરિણામો લાવી શકે છે.






