Home Gujarat Surat Surat Save Gorat Hanuman Temple Banner Controversy Election Boycott

“જે ગોરાટ હનુમાન મંદિર બચાવી શકતા હોય, તેવા જ નેતાએ વોટ માગવાં આવવું” : સુરતમાં રહીશોએ નેતાઓને આપ્યો ખુલ્લો પડકાર

Surat Gorat Hanuman Temple Election Boycott
Play Video
Published by: Nirali Gohil
Last Updated: Apr 03, 2026, 10:01 AM IST

Gorat Hanuman Temple: ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે સુરતના રાંદેર તાડવાડી વિસ્તારમાં એક અનોખો અને તીખો રાજકીય મિજાજ જોવા મળી રહ્યો છે. રાંદેરના ગોરાટ વિસ્તારમાં ઠેર-ઠેર લગાવવામાં આવેલા વિરોધ પ્રદર્શનના બેનરોએ માત્ર સ્થાનિક લોકોમાં જ નહીં, પરંતુ રાજકીય પક્ષોના સુપ્રીમો અને નેતાઓમાં પણ ભારે ચિંતા અને દોડધામ મચાવી દીધી છે. “ગોરાટ બચાવો… ગોરાટ હનુમાન મંદિર બચાવો…” જેવા આક્રમક સૂત્રો સાથેના આ બેનરો સીધા જ મતોનું રાજકારણ ખેલતા નેતાઓને નિશાન બનાવી રહ્યા છે. સ્થાનિકોએ એકસૂરે જાહેર કર્યું છે કે જે નેતા મંદિરની રક્ષા કરશે, તેને જ જનતાનો ટેકો મળશે.

આ વિવાદ માત્ર ધાર્મિક લાગણી પૂરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ તેમાં સુરક્ષા અને વસ્તીના માળખામાં થઈ રહેલા ફેરફારનો મુદ્દો પણ ભળ્યો છે. બેનરોમાં લખાયેલા શબ્દો એટલા તીખા છે કે તેણે સોશિયલ મીડિયાથી લઈને રાજકીય ગલિયારાઓમાં ચર્ચા જગાવી છે. ખાસ કરીને “એક બાબરી તૂટી અને ગોરાટમાં બીજી ઊભી થઈ ગઈ” જેવા કટાક્ષભર્યા વાક્યોએ આ મુદ્દાને અત્યંત સંવેદનશીલ બનાવી દીધો છે. ચૂંટણી ટાણે જ જનતાએ જે રીતે નેતાઓને ભીંસમાં લીધા છે, તેનાથી સત્તાધારી અને વિરોધ પક્ષ બંને મુંઝવણમાં મુકાયા છે.

“જે મંદિર બચાવશે, તે જ વોટ માંગવા આવે”: નેતાઓ માટે પ્રવેશબંધીની ચીમકી

ગોરાટ વિસ્તારમાં લાગેલા બેનરોમાં નેતાઓ માટે સ્પષ્ટ ચેતવણી લખવામાં આવી છે. રહીશોએ બેનર દ્વારા સંદેશ આપ્યો છે કે, “જે નેતાઓ ગોરાટ હનુમાન મંદિરને બચાવી શકે, તે જ વોટ માંગવા આવે.” આનો સીધો અર્થ એ છે કે વિસ્તારમાં વર્ષોથી ચાલી આવતી સમસ્યાઓનો ઉકેલ લાવવામાં જે નેતાઓ નિષ્ફળ ગયા છે, તેમને આ વખતે જનતા સ્વીકારવાના મૂડમાં નથી. આ વિસ્તાર હવે રાજકીય હોટસ્પોટ બની ગયો છે, જ્યાં હવે માત્ર પોલા વચનો નહીં પણ જમીની સ્તર પર થનારા કામના આધારે જ મતાધિકારનો ઉપયોગ કરવાની શરત મુકવામાં આવી છે.

આ પણ વાંચો: વડોદરામાં ‘અશાંત ધારો’ મુદ્દે રાજકારણ ગરમાયું : તાંદલજામાં હનુમાન ચાલીસા સાથે વિરોધ, ભાયલીમાં અમલથી ઉત્સવ જેવો માહોલ


વિધર્મીઓના વસવાટ સામે રહીશો અને પુજારીનો આક્ષેપ

સ્થાનિક રહીશો અને મંદિરના પુજારીનો ગંભીર આક્ષેપ છે કે ગોરાટ હનુમાન મંદિરની બિલકુલ અડીને આવેલી દિવાલ પાસે વિધર્મીઓનો વસવાટ શરૂ થઈ ગયો છે. હિન્દુ બહુમતી ધરાવતા આ વિસ્તારમાં અચાનક થયેલા વસ્તી પરિવર્તનથી લોકોમાં અસુરક્ષા અને નારાજગીની લાગણી વ્યાપી છે. સ્થાનિકોનું કહેવું છે કે આ પ્રકારના દબાણો અને વસવાટને કારણે મંદિરની પવિત્રતા અને વિસ્તારની શાંતિ જોખમાઈ રહી છે. આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર કે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કોઈ ઠોસ પગલાં ન લેતા આખરે લોકોએ ચૂંટણી બહિષ્કાર અને બેનર વોરનો માર્ગ અપનાવ્યો છે.

તંત્રની ઉદાસીનતા સામે જનતાનો 'આખરી જંગ'

રહીશોના જણાવ્યા મુજબ, તેઓ છેલ્લા લાંબા સમયથી સ્થાનિક સત્તાવાળાઓ અને નેતાઓના ઉંબરા ઘસી રહ્યા છે, પરંતુ તેમને માત્ર પોલા આશ્વાસનો જ મળ્યા છે. પરિણામે, લોકોએ હવે ચૂંટણીને જ પોતાની માંગણીઓ સંતોષવાનું એકમાત્ર શસ્ત્ર માન્યું છે. લોકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આ સમસ્યાનો કાયમી અને સંતોષકારક ઉકેલ લાવવામાં નહીં આવે, તો મતદાનના દિવસે તેઓ પોતાનો રોષ મતના માધ્યમથી વ્યક્ત કરશે. સુરતના આ હાઈપ્રોફાઈલ ગણાતા વિસ્તારમાં સર્જાયેલી આ સ્થિતિ હવે આગામી દિવસોમાં શું વળાંક લે છે, તેના પર સૌની નજર ટકેલી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now