આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ આચરતી મિલન દરજી ગેંગ વિરૂધ્ધ GUJCTOC હેઠળ કાર્યવાહી સાયબર ક્રાઇમ સેલ દ્વારા કરવામાં આવી છે. ગેંગ વિરુદ્ધ 24 ઓક્ટોબર, 2024ના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપીઓએ આર્થિક રીતે સદ્ધર થવા માટે ગુનાહિત કાવતરું રચ્યું હતું. તેઓ એકાઉન્ટ ધારકોને લલચાવીને બેંક એકાઉન્ટ અને બેંક કીટ મેળવી લેતા હતા. પોતે એકાઉન્ટ ધારક ન હોવા છતાં, તેઓ નેટ બેંકિંગનો ઉપયોગ કરવા માટે ખોટા યુઝરનેમ અને પાસવર્ડ બનાવતા હતા અને ખોટા ડિજિટલ દસ્તાવેજો ઉભા કરતા હતા. 200 કરોડ રૂપિયાનો સાયબર ફ્રોડ એકાઉન્ટના માધ્યમ થી કરાયો હતો.
USD સાયબર ફ્રોડ આચરતી ચાઈનીઝ ગેંગને ટ્રાન્સફર કરતા-
આ દસ્તાવેજોના આધારે, તેઓ વિવિધ બેંકોના કુલ 1029 સેવિંગ/કરન્ટ એકાઉન્ટમાં ચાઈનીઝ ગેંગના સભ્યો સાથે મળીને ભારતના જુદા જુદા રાજ્યોના નાગરિકો સાથે સાયબર ફ્રોડ કરતા હતા. આ ગેંગે કુલ 200 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. આ નાણાંનો ઉપયોગ ડિજિટલ દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કરીને દુબઈ ખાતેથી ઉપાડવા અને તેના USD (ક્રિપ્ટોકરન્સી) ખરીદવા માટે થતો હતો, જે પછી સાયબર ફ્રોડ આચરતી ચાઈનીઝ ગેંગને ટ્રાન્સફર કરવામાં આવતા હતા. આ રીતે તેઓ નાણાંની ગેરકાયદેસર હેરાફેરી કરીને ભારતના નાગરિકો, બેંકો અને સરકાર સાથે છેતરપિંડી કરતા હતા.
11 આરોપી ઝડપાયા-
આ ફ્રોડ કેસમાં 11 આરોપી ઝડપાયા છે અને 35 આરોપી ફરાર છે. ધરપકડ કરાયેલામાં દરજી ગેંગના આરોપીમાં અજય ઇટાલીયા, જલ્પેશ નડીયાદરા, વિશાલ ઠુમ્મર,હિરેન બરવાળિયા, બ્રિજેશ ઇટાલિયા,કેતન વેકરિયા, નાનજી બારૈયા, હિત જસાણી, ચંદ્રેશ કાકડિયા, દશરથ ધાંધલિયા અને અનિલ ખેની સામેલ છે. જ્યારે મુખ્ય આરોપી મિલન દરજી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. આ આરોપી સામે વિવિધ રાજ્યમાં ગુના પણ નોંધાયેલા છે. જેમાં મહારાષ્ટ્રમાં 397,કર્ણાટકમાં 352,તેલંગાણામાં 121,તમિલનાડુમાં 155,ગુજરાતમાં 124,બંગાળમાં 91 ગુના નોંધાયા છે. આમ 31 રાજયોમાં કુલ 1867 NCCRP પોર્ટલ ફરિયાદ અને 214 FIR નોંધાઇ છે. આરોપીઓએ દેશની 27 બેન્કમાં 1029 ખાતા ખોલાવીને 197,42,15,313 કરોડનું ટ્રાન્ઝેકશન કર્યું હોવાનું સામે આવ્યું છે.






