Home Gujarat Surat Surat Eco Cell Land Fraud Mule Account Arrest

સુરતમાં કરોડોની છેતરપિંડીનાં કેસમાં વધુ એક આરોપી ઝડપાયો : મ્યુલ એકાઉન્ટ મારફતે કરાયું હતું ટ્રાન્ઝેક્શન

આરોપીની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 22, 2026, 12:42 PM IST

સુરત ઈકો સેલએ જમીનના વહેંચાણના નામે કરોડોની છેતરપિંડી આચરનાર ગેંગ વિરુદ્ધ કાર્યવાહી વધુ તેજ બનાવી છે. આ કેસમાં હવે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મ્યુલ એકાઉન્ટ ખોલાવી ફરિયાદીના કરોડો રૂપિયાના ચેક બેંકમાં જમા કરાવી રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

આ સમગ્ર કૌભાંડમાં અગાઉ યસ બેંક અને IDBI બેંકના ચાર કર્મચારીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેઓ પર બોગસ એકાઉન્ટ ખોલવામાં મદદગારી તેમજ સિમકાર્ડ ઉપલબ્ધ કરાવવાના આરોપો છે. હવે ઈકો સેલે વધુ એક આરોપી અમઝતસાહીદ ઈમ્તિયાઝ શેખને ઝડપી પાડ્યો છે, જે બેંક એકાઉન્ટ ખોલાવવામાં મદદગારી કરતો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: દિલ ચીરી નાખે તેવી ઘટના! સુરતના પાંડેસરામાં માનવતા શરમાઈ : રસ્તા પાસે રડતી હાલતમાં મળી નવજાત બાળકી

મ્યુલ એકાઉન્ટ મારફતે કરોડોની ટ્રાન્ઝેક્શન

પોલીસ ફરિયાદ મુજબ ફરિયાદી પાસેથી કુલ 4,81,51,380 રૂપિયાના 2 ચેક લેવામાં આવ્યા હતા. આ ચેક મ્યુલ એકાઉન્ટમાં જમા કરાવવામાં આવ્યા બાદ કરોડોની રકમ અલગ-અલગ બેંકોમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રવિ કોલડિયાએ ખોટા એકાઉન્ટ ખોલાવી આશરે 2,95,51,321 રૂપિયા અન્ય બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા હતા અને ફરિયાદીને રકમ પરત આપી નહોતી. આ રીતે જમીનના સોદાના બહાને વિશ્વાસઘાત અને આર્થિક છેતરપિંડી આચરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે.

મ્યુલ એકાઉન્ટ એટલે એવા બેંક ખાતા, જે સામાન્ય રીતે અન્ય લોકોના નામે ખોલાવવામાં આવે છે અને તેનો ઉપયોગ ગેરકાયદેસર નાણાં ટ્રાન્સફર કરવા માટે થાય છે. તપાસ એજન્સીઓ મુજબ આવા ખાતાઓ હવે સાયબર અને આર્થિક ગુનાઓમાં મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાઈ રહ્યા છે.

આ પણ વાંચો: સુરત ઇકોસેલ પોલીસે કરોડોના રિસોર્ટ કૌભાંડનો કર્યો પર્દાફાશ : એક જ પરિવારના ૩ સભ્યોને દબોચ્યા!

મુખ્ય સૂત્રધાર હજુ ફરાર

પોલીસ તપાસ મુજબ આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર રવિકુમાર કોલડિયા હોવાનું સામે આવ્યું છે. તેના પર વિદેશમાં રહેતા અસલ જમીન માલિકોની ખોટી સહીઓ કરીને દસ્તાવેજોમાં ફેરફાર કરી છેતરપિંડી આચરવાનો આરોપ છે. જોકે સમગ્ર કૌભાંડનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવતો રવિ કોલડિયા હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ઇકો સેલ તેમજ અન્ય તપાસ એજન્સીઓ દ્વારા તેની શોધખોળ તેજ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપીઓએ બેંકિંગ સિસ્ટમ, ફેક દસ્તાવેજો અને ખોટા એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને સુવ્યવસ્થિત રીતે આર્થિક ગુનો આચર્યો હતો. જેના કારણે હવે તપાસનો વ્યાપ વધુ વિસ્તરવાની શક્યતા છે.

આ પણ વાંચો: અમદાવાદનાં SG હાઈવે પર લાગેલી આગ કલાકોની જહેમત બાદ આવી કાબૂમાં : 50 લોકોનું કરાયું રેસ્ક્યુ

બેંક કર્મચારીઓની ભૂમિકા પણ શંકાસ્પદ

આ કેસમાં અગાઉ યસ બેંક અને IDBI બેંકના ચાર કર્મચારીઓની ધરપકડ થઈ ચૂકી છે. પોલીસના જણાવ્યા મુજબ આ કર્મચારીઓએ ખોટા દસ્તાવેજોના આધારે બોગસ એકાઉન્ટ ખોલવામાં સહાય કરી હતી. આ ઉપરાંત સિમકાર્ડ કાઢી આપવા અને બેંક પ્રક્રિયાને સરળ બનાવવા માટે પણ મદદગારી કરવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જેના કારણે આ કેસ માત્ર જમીન છેતરપિંડી પૂરતો નહીં પરંતુ બેંકિંગ અને ઓળખ પ્રણાલીના દુરુપયોગ સાથે જોડાયેલો મોટો આર્થિક ગુનો બની રહ્યો છે.

ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો

આ સમગ્ર મામલે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. અત્યાર સુધી ઇકો સેલ દ્વારા કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ હવે આ કેસમાં અન્ય સંડોવાયેલા લોકો, બેંક ખાતાઓ અને નાણાંના ટ્રેલની તપાસ કરી રહી છે. આશંકા છે કે આ ગેંગ દ્વારા અન્ય લોકો સાથે પણ આવી છેતરપિંડી આચરાઈ હોઈ શકે છે.

આ ઘટનાએ ફરી એકવાર જમીન સોદા, બેંકિંગ વ્યવહાર અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન દરમિયાન સાવચેતી રાખવાની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું છે. ખાસ કરીને મોટા નાણાકીય વ્યવહારોમાં દસ્તાવેજોની ચકાસણી અને ખાતાની વિશ્વસનીયતા તપાસવી અત્યંત જરૂરી બની ગઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now