સુરત: દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવોએ સામાન્ય જનતાની કમર તોડી નાખી છે, ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા મોંઘવારીના મુદ્દે સરકાર વિરુદ્ધ મોરચો માંડવામાં આવ્યો છે. આજે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને સરકારની નીતિઓ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. વધતી જતી મોંઘવારી અને ખાસ કરીને ઈંધણના ભાવમાં સતત થઈ રહેલા વધારાને કારણે ખેડૂતો અને મધ્યમ વર્ગના લોકો પર જે બોજ વધ્યો છે, તેનો વિરોધ કરવા માટે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વિરોધ પ્રદર્શન દરમિયાન 'આપ' કાર્યકરોએ હાથમાં "ડીઝલ આપો, ખેતી બચાવો" લખેલા પ્લે કાર્ડ્સ ધારણ કર્યા હતા. કાર્યકરોએ આક્રોશ સાથે સરકાર સમક્ષ માંગણી કરી હતી કે, ખેતીવાડીમાં ઉપયોગમાં લેવાતા ડીઝલના ભાવમાં તાત્કાલિક ઘટાડો કરવામાં આવે, કારણ કે આ મોંઘવારીની સીધી અસર ખેડૂતોના ઉત્પાદન ખર્ચ પર પડી રહી છે. આમ આદમી પાર્ટીનું માનવું છે કે, જો સમયસર ઈંધણના ભાવ નિયંત્રિત નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ પણ સામાન્ય માણસની પહોંચની બહાર થઈ જશે.
મુખ્યમંત્રી અને કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
વિરોધ પ્રદર્શનના અંતે આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ મંડળે સુરત જિલ્લા કલેક્ટર મારફતે ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનપત્રમાં મોંઘવારીના કારણે પ્રજાની હાલત કફોડી બની હોવાનું જણાવી તાત્કાલિક ધોરણે ભાવવધારાને પાછો ખેંચવાની કે તેમાં રાહત આપવાની રજૂઆત કરવામાં આવી છે. 'આપ'ના કાર્યકરોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો સરકાર દ્વારા આ મુદ્દે કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
આ પણ વાંચો: સુરતમાં મોબાઈલ ગેમની લતનું ગંભીર પરિણામ: ઘર છોડીને જતા રહ્યા ત્રણ સગા ભાઈ-બહેન, જાણો સમગ્ર મામલો
'આપ' શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીનો સરકાર પર પ્રહાર
આ વિરોધ પ્રદર્શન દરમિયાન આમ આદમી પાર્ટીના સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "આજે આખો દેશ મોંઘવારીના મારથી ત્રસ્ત છે, હેરાન છે, પરેશાન છે. ખેડૂતોને ડીઝલ નથી મળી રહ્યું, વેપારીઓના ધંધા ભાંગી ગયા છે, ટ્રાન્સપોર્ટરો પોતાના વાહનો સાઈડમાં મૂકીને બેસી ગયા છે અને લોકો મોંઘવારીના મારથી પીડાઈ રહ્યા છે. રશિયા આપણને સસ્તું ક્રૂડ ઓઈલ આપતી હોવા છતાં પણ અમેરિકાના દબાણ હેઠળ આપણે તેમનું ક્રૂડ ઓઈલ પણ જાણે ખરીદી શકતા નથી. એક-એક વાત, એક-એક નિર્ણય ભાજપ સરકાર, મોદી સરકાર, ટ્રમ્પ સરકારને પૂછીને પછી નિર્ણય લે છે. ત્યારે આ દેશને કોણ બચાવશે? આ દેશના લોકો મોંઘવારીથી ત્રસ્ત છે ત્યારે માનનીય કલેક્ટર શ્રીના માધ્યમથી માનનીય મુખ્યમંત્રી શ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે ગુજરાતની જનતાને મોંઘવારીના મારથી બચાવવામાં આવે. ગુજરાતની જનતા પીડાઈ રહી છે. ખેડૂતો, વેપારીઓ, ટ્રાન્સપોર્ટરો પીડાઈ રહ્યા છે. આ તમામ લોકોને બચાવવાની જવાબદારી સરકારની છે અને સરકાર એમની જવાબદારી નિભાવે, એ નિવેદન, એ આવેદન કરવા માટે અમે આજે માનનીય કલેક્ટર શ્રીને આવ્યા છીએ."





