Home Gujarat Surat Surat Adajan Builder Bungalow Theft Cctv Footage Viral Thief Jumps Wall With 48 Lakh Rupees

માત્ર 1 સેકન્ડમાં રૂ.48 લાખની બેગ દીવાલ પર ફેંકી : પલક ઝપકાવતા ચોર ગાયબ! પણ એક નાની ભૂલે ચોરને જેલભેગો કર્યો

Surat 48 lakh robber
Published by: Nirali Gohil
Last Updated: May 21, 2026, 09:56 AM IST

સુરત: ડાયમંડ અને સિલ્ક સિટી તરીકે ઓળખાતા સુરતના પોશ ગણાતા અડાજણ વિસ્તારમાંથી એક રોમાંચક અને હાઈપ્રોફાઈલ ચોરીનો સનસનાટીપૂર્ણ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક જાણીતા બિલ્ડરના બંગલાને નિશાન બનાવી મધ્યરાત્રિએ ત્રાટકેલા માસ્કધારી શાતિર તસ્કરે તિજોરીમાંથી રૂ. 48 લાખની રોકડા ભરેલી બેગ સાફ કરી દીધી હતી. ચોરી કર્યા બાદ બહાર નીકળતી વખતે આ અજાણ્યા ચોરે સીસીટીવી કેમેરામાં એવી અદ્ભુત સ્ફૂર્તિ બતાવી કે, પોલીસ પણ ચોંકી ગઈ હતી. તેણે માત્ર 1 સેકન્ડના ગાળામાં આશરે 4 ફીટ ઊંચી પાકી કમ્પાઉન્ડ દીવાલ પર ભારેખમ બેગ ગોઠવી, પલક ઝપકાવતા દીવાલ કૂદીને મોપેડ પર ફરાર થઈ ગયો હતો. જો કે, કાયદાના લાંબા હાથથી તે બચી શક્યો નથી.

આ ફિલ્મી સ્ટાઈલની ચોરીના સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં જ સુરત શહેર પોલીસ કમિશનર સહિતનો ઉચ્ચ કાફલો હરકતમાં આવ્યો હતો. અડાજણ પોલીસે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને 100થી વધુ સીસીટીવી કેમેરા ફંગોળીને નાનપુરાના રીઢા ગુનેગાર દેવરાજ ઉર્ફે કાલુ પાટીલને મુંબઈથી પરત ફરતા પૂણા સહારા દરવાજા ગરનાળા પાસેથી દબોચી લીધો છે. ધરપકડ બાદ અડાજણ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એ રાંદેરની એક ખંડેર ઇમારતમાં જાતે હથોડાના ઘા મારીને લોક તોડ્યું હતું અને ટેરેસ પર આવેલી પાણીની જૂની ટાંકીમાંથી 500-500ની નોટોના બંડલ ભરેલી આખી બેગ અકબંધ રિકવર કરીને સપાટો બોલાવ્યો છે.

બિલ્ડર વતન ગયા ને મધ્યરાત્રિએ બંગલામાં માસ્કધારી કાળઝાળ ચોર ઘૂસ્યો

પોલીસ અને પારિવારિક સૂત્રો પાસેથી મળતી સત્તાવાર વિગતો અનુસાર, અડાજણ પરશુરામ ગાર્ડન પાસે આવેલા હાઈપ્રોફાઈલ ‘સેતુ વિલા’ બંગલામાં રહેતા હિંમત હીરાભાઈ પટેલ વ્યવસાયે જાણીતા બિલ્ડર છે. તાજેતરમાં જ ભાવનગર જિલ્લાના તેમના વતન ધોળા ગામે સામાજિક પ્રસંગ હોવાના કારણે હિંમતભાઈ ત્યાં ગયા હતા. બંગલામાં માત્ર તેમની પત્ની, પુત્ર કૌશિક, પુત્રવધૂ ભૂમિ અને વેકેશન હોવાથી પિયર આવેલી દીકરી નિધિ બાળકો સાથે હાજર હતા. 18 મેની મોડી રાત્રે આશરે 11:00 વાગ્યે સમગ્ર પરિવાર રોજિંદા ક્રમ મુજબ પોતપોતાના રૂમમાં સૂવા માટે ચાલ્યો ગયો હતો. બરાબર મધ્યરાત્રિએ અંધકારનો લાભ લઈને અગાઉથી જ રેકી કરી પ્લાન ઘડી રાખનાર આ શાતિર ચોર બંગલાના પાર્કિંગ એરિયામાંથી અંદર ઘૂસ્યો હતો.

કબાટનું લોક તૂટવાનો અવાજ આવતા દીકરી જાગી ગઈ, પણ ચોર બારીમાંથી છૂ મંતર!

મધ્યરાત્રિએ આશરે 03:00 વાગ્યાની આસપાસ માસ્કધારી તસ્કર દેવરાજ ઉર્ફે કાલુને બંગલાના આંતરિક લોકેશનની અગાઉથી જ ચોક્કસ માહિતી હોય તેમ, તે કોઈ પણ ખચકાટ વિના સીધો જ બિલ્ડર હિંમતભાઈના મુખ્ય બેડરૂમમાં ઘૂસી ગયો હતો. ત્યાં મૂકેલા લાકડાના મજબૂત કબાટનું તાળું તોડી, તેમાં રાખેલી રૂ. 48 લાખની રોકડ ભરેલી મોટી બેગ તેણે પોતાના હાથમાં લઈ લીધી હતી. આ દરમિયાન તાળું તૂટવાનો જોરદાર અવાજ આવતાં જ હિંમતભાઈની દીકરી નિધિ અચાનક જાગી ગઈ હતી. તેણે તુરંત જ ઉપરના રૂમમાં સૂતેલા પોતાના ભાઈ કૌશિકને ફોન કરીને નીચે ચોર હોવાની આશંકા વ્યક્ત કરી હતી. કૌશિક તાબડતોબ નીચે દોડી આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ચોર બારીમાંથી બહાર કૂદીને રફુચક્કર થઈ ચૂક્યો હતો.

આ પણ વાંચો: સુરતમાં રૂ.5.75 કરોડનું જમીન કૌભાંડ: YES બેંક અને IDBI ના 4 કર્મચારીઓ સહિત SIM કાર્ડ ડિસ્ટ્રિબ્યુટરની ધરપકડ, જાણો કેવી રીતે ખેલાયો આખો ખેલ

પોલીસ કમિશનર એક્શનમાં: 100થી વધુ CCTV કેમેરા તપાસી મોપેડનો નંબર શોધ્યો

બંગલામાં 48 લાખ જેવી માતબર રકમની ચોરી થઈ હોવાની વિગતો બહાર આવતાં જ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને ડીસીપી ઝોન-5 લખધીરસિંહ ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ અડાજણ પીઆઈ એન.એ. ચાવડા અને પીએસઆઈ એન.ડી. પટેલની અલગ-અલગ શોધખોળ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે તુરંત જ ગુનાવાળી જગ્યા તેમજ આસપાસના સમગ્ર રોડ-રસ્તાના 100થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ઝીણવટપૂર્વક તપાસ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં ચોરની દિવાલ કૂદવાની રીત કેદ થયેલી મળી આવી હતી, જેના આધારે પોલીસે તેના બ્લુ કલરના એક્સેસ મોપેડના નંબરની મહત્વની કડી શોધી કાઢી હતી.

પોલીસને ચકમો આપવા સુરતમાં જ રૂપિયા છુપાવીને ખાલી હાથે મુંબઈ ભાગ્યો

ડીસીપી લખધીરસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર, સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ખબર પડી કે ગુનો આચર્યા બાદ આરોપી પોલીસને ચકમો આપવા માટે મુંબઈ તરફ ભાગી ગયો હતો. જોકે, શાતિર ચોર દેવરાજ પાટીલે અહીં પણ એક મોટી ચાલાકી વાપરી હતી. તેને ભય હતો કે હાઈવે પર કે ટ્રેનમાં ચેકિંગ દરમિયાન જો તે આટલી મોટી રકમ સાથે પકડાશે તો સીધો જેલભેગો થઈ જશે. આથી, ચોરીની તમામ રકમ પોતાની સાથે મુંબઈ લઈ જવાના બદલે તેણે સુરતમાં જ એક ગુપ્ત અને ખંડેર જગ્યાએ છુપાવી દીધી હતી અને પોતે સાવ ખાલી હાથે મુંબઈ નાસી ગયો હતો જેથી પોલીસ તપાસ ભટકી જાય.

પૂણા સહારા દરવાજા પાસે વહેલી સવારે લોખંડી વોચ અને ધરપકડ

મુંબઈ ગયેલી અડાજણ પોલીસની ખાસ ટીમને ચોક્કસ હ્યુમન ઇન્ટેલિજન્સ બાતમી મળી હતી કે આરોપી દેવરાજ પાટીલ મુંબઈમાં લાંબો સમય રોકાયો નથી અને તે સુરતમાં છુપાવેલા રૂપિયા ઠેકાણે પાડવા કે લેવા માટે પરત આવી રહ્યો છે. આ માહિતીના આધારે અડાજણ પોલીસે સુરતના પૂણા વિસ્તારમાં આવેલા સહારા દરવાજા ગરનાળા પાસે વહેલી સવારથી જ ચુસ્ત લોખંડી વોચ ગોઠવી દીધી હતી. જેવો આરોપી દેવરાજ ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થયો કે તરત જ સજાગ પોલીસ ટીમે તેના પર ત્રાટકીને તેને કોર્ડન કરી લીધો હતો અને ગણતરીની મિનિટોમાં જ તેને દબોચી લીધો હતો.

આ પણ વાંચો: કચ્છમાં ડીઝલ સંકટથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર પડી ગંભીર અસર: ટ્રક દીઠ માત્ર 50 લિટર ડીઝલ મળતાં 25 ટકા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઠપ્પ

સિંઘમ સ્ટાઈલ રેડ: PIએ હથોડાથી ગેટનું લોક તોડ્યું, ટાંકીમાંથી ₹48 લાખ રોકડા મળ્યા

પોલીસ સ્ટેશન લાવીને જ્યારે આરોપી દેવરાજની કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે બધો જ ગુનો કબૂલી લીધો હતો. તેણે જણાવ્યું કે ચોરી કરેલા રૂપિયા તેણે રાંદેર તારવાડી પાસે આવેલા ‘મજદા ટાવર’ નામના એક ખંડેર અને અવાવરૂ બિલ્ડિંગના ટેરેસ પર છુપાવ્યા છે. અડાજણ પીઆઈ જ્યારે પોલીસ કાફલા સાથે આ ખંડેર બિલ્ડિંગ પર પહોંચ્યા ત્યારે મુખ્ય ગેટ પર મોટું લોક લટકેલું હતું, જેને પીઆઈએ સમય ગુમાવ્યા વિના હથોડાના ફટકા મારીને તોડી પાડ્યું હતું.

ત્યારબાદ પોલીસ આરોપીને લઈને ટેરેસ પર પહોંચી હતી, જ્યાં ઉપરના ભાગે આવેલી એક જૂની પાણીની ટાંકી પાસેથી ₹500ની નોટોના બંડલ ભરેલી આખી બેગ મળી આવી હતી. પોલીસે ત્યાંથી ચોરીની પૂરેપૂરી રોકડ રકમ રૂ. 48,00,000 તેમજ ગુનામાં વપરાયેલી એક્સેસ મોપેડ સહિત કુલ રૂ. 48,85,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલો આરોપી દેવરાજ અગાઉ પણ સુરતના અડાજણ, રાંદેર, લિંબાયત અને ડિંડોલીમાં ઘરફોડ ચોરીના 7 જેટલા ગુનાઓમાં સંડોવાઈ ચૂક્યો છે અને તે એક રીઢો ગુનેગાર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now