કચ્છમાં ડીઝલ પુરવઠાની મર્યાદાને કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. હાલની પરિસ્થિતિમાં અંદાજે 20થી 25 ટકા ટ્રાન્સપોર્ટ વ્યવસાય ઠપ્પ થઈ ગયો હોવાનું ટ્રાન્સપોર્ટ સંચાલકો દાવો કરી રહ્યા છે. ડીઝલની અછત અને મર્યાદિત પુરવઠાને કારણે ટ્રક સંચાલકો પર ભારે આર્થિક બોજ ઊભો થયો છે, જેના કારણે અનેક ડ્રાઇવરોને નોકરીમાંથી છૂટા કરવાની ફરજ પડી રહી છે. પરિણામે હજારો પરિવારો સામે બેરોજગારીનું મોટું સંકટ ઊભું થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
કચ્છ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ નવઘણ આહીરે સ્થિતિને અત્યંત ગંભીર ગણાવી છે. તેમના જણાવ્યા અનુસાર હાલ કચ્છના પેટ્રોલ પંપો પર ટ્રક દીઠ માત્ર 50 લિટર ડીઝલ આપવામાં આવી રહ્યું છે. લાંબા અંતરની માલવાહક ટ્રકો માટે આ જથ્થો પૂરતો ન હોવાથી ડ્રાઇવરોને દર 100થી 150 કિલોમીટરના અંતરે ફરીથી ડીઝલ મેળવવા માટે ભટકવું પડી રહ્યું છે. અનેક સ્થળોએ કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાની ફરજ પડતી હોવાથી સમય અને ખર્ચ બંનેમાં વધારો થઈ રહ્યો છે.
નવઘણ આહીરે જણાવ્યું કે ડીઝલની આ મર્યાદાએ સમગ્ર સપ્લાય ચેનને અસર કરી છે. માલસામાન સમયસર બંદરો અને ઉદ્યોગો સુધી પહોંચાડવામાં વિલંબ થવા લાગ્યો છે, જેના સીધા પ્રભાવ વેપાર અને ઉદ્યોગ ક્ષેત્ર પર પણ જોવા મળી રહ્યા છે. ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે જો પરિસ્થિતિમાં તાત્કાલિક સુધારો નહીં થાય તો આગામી દિવસોમાં વધુ ટ્રકો બંધ કરવાની નોબત આવી શકે છે.
આ પણ વાંચો: PM મોદી-અમિત શાહને 'ગદ્દાર' ગણાવતા નિવેદન પર રાહુલ ગાંધી મુશ્કેલીમાં : દિલ્હીમાં ફરિયાદ દાખલ
કંડલા અને મુંદ્રા બંદરો માટે ટ્રાન્સપોર્ટ
કચ્છ રાજ્યના સૌથી મહત્વપૂર્ણ ઔદ્યોગિક અને લોજિસ્ટિક્સ હબ તરીકે ઓળખાય છે. અહીં આવેલા કંડલા અને મુંદ્રા જેવા આંતરરાષ્ટ્રીય બંદરો દેશના વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઉપરાંત કચ્છનો મીઠા ઉદ્યોગ, ટિમ્બર ઉદ્યોગ અને અન્ય મોટા ઔદ્યોગિક ક્ષેત્રો મોટા પ્રમાણમાં ટ્રાન્સપોર્ટ નેટવર્ક પર આધારિત છે.
ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોનું માનવું છે કે ડીઝલ સંકટ લાંબું ચાલશે તો તેની સીધી અસર આયાત-નિકાસ, ઉદ્યોગ ઉત્પાદન અને બજારમાં માલ પુરવઠા પર પડી શકે છે. ટ્રકોની અવરજવર ધીમી પડતાં વેપારીઓ અને ઉદ્યોગકારોમાં પણ ચિંતા વધી રહી છે.
એસોસિએશન દ્વારા સરકાર અને વહીવટી તંત્રને તાત્કાલિક હસ્તક્ષેપ કરીને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે હાલની સ્થિતિ યથાવત રહેશે તો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે જોડાયેલા લાખો શ્રમિકો અને ડ્રાઇવરો માટે જીવનનિર્વાહ મુશ્કેલ બની જશે.
વહીવટી તંત્રનો દાવો
બીજી તરફ જિલ્લા તંત્રએ કચ્છમાં ઈંધણની અછત હોવાના દાવાઓને લઈને અલગ દૃષ્ટિકોણ રજૂ કર્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર જિલ્લામાં ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને દરરોજ અંદાજે 42 લાખ લીટર ડીઝલ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે.
વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે કચ્છ જિલ્લાના તમામ 352 પેટ્રોલ પંપ પર ડીઝલ ઉપલબ્ધ છે અને પુરવઠો સામાન્ય સ્થિતિમાં જ ચાલી રહ્યો છે. અધિકારીઓએ નાગરિકોને જરૂરિયાત મુજબ જ ઈંધણ વાપરવાની અપીલ કરી છે તેમજ અફવાઓથી દૂર રહેવા સૂચના આપી છે. ખેડૂતોને પણ જોગવાઈ મુજબ ડીઝલ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. તંત્રનું કહેવું છે કે હાલ કોઈ ગભરાટની સ્થિતિ નથી અને પુરવઠા વ્યવસ્થાને સતત મોનીટરીંગ હેઠળ રાખવામાં આવી રહી છે.
ટ્રાન્સપોર્ટરો અને તંત્ર વચ્ચે દાવા-પ્રતિદાવા
ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો અને તંત્ર વચ્ચે હાલ પરિસ્થિતિને લઈને દાવા-પ્રતિદાવા જોવા મળી રહ્યા છે. એક તરફ ટ્રાન્સપોર્ટરો ડીઝલ મર્યાદાને કારણે ઉદ્યોગ ઠપ્પ થવાનો દાવો કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ અધિકારીઓ પુરવઠો પૂરતો હોવાનું કહી રહ્યા છે.
જોકે મેદાન પર કામ કરતા ડ્રાઇવરો અને ટ્રાન્સપોર્ટ સંચાલકોનું કહેવું છે કે વાસ્તવિક સ્થિતિ કાગળ પર દર્શાવવામાં આવતી સ્થિતિથી અલગ છે. ખાસ કરીને લાંબા રૂટ પર જતા વાહનો માટે માત્ર 50 લિટર ડીઝલની મર્યાદા મોટો પ્રશ્ન બની રહી છે.
હવે સમગ્ર ઉદ્યોગની નજર સરકાર અને જિલ્લા વહીવટીતંત્રના આગામી નિર્ણય પર ટકેલી છે. જો ઝડપથી ઉકેલ નહીં આવે તો કચ્છના બંદરો, ઉદ્યોગો અને વેપાર પ્રવૃત્તિઓ પર તેની વધુ ગંભીર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.





