Home Gujarat Surat Surat Acb Limbayat Bribery Case Islam Parwana Arrest

સુરતના ₹4 લાખના લાંચકાંડમાં ફરાર કથિત પત્રકાર ACB ના હાથે ઝડપાયો : 5 મહિનાથી હતો ફરાર

સુરત ACB
Published by: Chintan Chavda
Last Updated: Jul 16, 2026, 06:47 AM IST

સુરતમાં વર્ષ 2026 દરમિયાન નોંધાયેલા લિંબાયત ઝોનના બહુચર્ચિત લાંચકાંડમાં ફરાર રહેલા કથિત પત્રકારની આખરે ભ્રષ્ટાચાર વિરોધી શાખા (ACB)એ ધરપકડ કરી છે. આરોપી મોહમ્મદ ઇસ્લામ ઉર્ફે ઇસ્માઇલ ઉર્ફે જમીલખાન પઠાણ ઉર્ફે 'પરવાના' લાંબા સમયથી ACBની પકડથી દૂર હતો. આરોપી ACB સમક્ષ હાજર થતાં તેની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ACBના જણાવ્યા અનુસાર, 20 ફેબ્રુઆરી, 2026ના રોજ સુરતના લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા અને તેમના કથિત વચેટિયા ઇસ્લામ ઉર્ફે પરવાના વિરુદ્ધ રૂ. 4 લાખની લાંચ માંગવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયાદી સંચાલિત સંતોષ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટને આપવામાં આવેલી ડિમોલિશનની નોટિસ રદ કરવા અથવા કાર્યવાહી અટકાવવાના બદલામાં આ લાંચની માંગ કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.

આ પણ વાંચો: અંકલેશ્વર નજીક NH-48 પર ગમખ્વાર અકસ્માત : હિટ એન્ડ રનમાં પી.પી. સવાણી યુનિવર્સિટીના આફ્રિકન વિદ્યાર્થીનું કરુણ મોત

ફરિયાદ બાદ ACBએ ગોઠવ્યું હતું છટકું

ફરિયાદીએ ACBનો સંપર્ક કરતાં અધિકારીઓએ છટકું ગોઠવ્યું હતું. તપાસ દરમિયાન ફરિયાદીને લાંચની રકમ કથિત પત્રકારની ઓફિસમાં પહોંચાડવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે, કાર્યવાહી દરમિયાન આરોપીને ACBની હાજરીની શંકા જતાં તે ઓફિસમાંથી જ રૂપિયા 4 લાખની રકમ લઈને ફરાર થઈ ગયો હતો. તે જ સમયે કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા પણ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

બાદમાં ACBએ અલગ કાર્યવાહી કરીને વિપુલ ગણેશવાલાની ધરપકડ કરી હતી, જ્યારે ઇસ્લામ ઉર્ફે પરવાના સતત ફરાર રહ્યો હતો. આખરે પાંચ મહિનાથી વધુ સમય બાદ આરોપી ACB સમક્ષ હાજર થતાં તેની ધરપકડ કરવામાં આવી છે.

આરોપીના સંપર્કો અને નાણાંની રિકવરી અંગે તપાસ

ACBના એસીપી આર.આર. ચૌધરીએ જણાવ્યું હતું કે આરોપીની ધરપકડ બાદ હવે તેને કોર્ટમાં રજૂ કરીને મહત્તમ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવશે. તપાસ દરમિયાન આરોપી ફરાર હતો તે સમયગાળા દરમિયાન તેને કોનો સહકાર મળ્યો, તે કયા શહેરો અથવા રાજ્યોમાં છુપાયો હતો અને રૂ. 4 લાખની લાંચની રકમ ક્યાં ગઈ તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું કે આરોપી સામે મળેલા પુરાવા, તેની અગાઉની ગુનાહિત પૃષ્ઠભૂમિ તેમજ સમગ્ર લાંચકાંડમાં તેની ભૂમિકાની પણ વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. ACBનું માનવું છે કે રિમાન્ડ દરમિયાન વધુ મહત્વના ખુલાસા થઈ શકે છે.

આ પણ વાંચો: સંખેડાના રામપુરા ગામે જૂની અદાવતમાં યુવકની હત્યા : તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો, આરોપી કલાકોમાં ઝડપાયો

ACBનો દાવો: ઓફિસમાંથી જ રકમ લઈને ફરાર થયો હતો

એસીપી આર.આર. ચૌધરીના જણાવ્યા મુજબ, છટકાની કાર્યવાહી દરમિયાન આરોપી ઇસ્લામ ઉર્ફે પરવાનાએ પોતાની ઓફિસમાં ફરિયાદી પાસેથી રૂ. 4 લાખની લાંચની રકમ સ્વીકારી હતી અને ત્યારબાદ ત્યાંથી જ ફરાર થઈ ગયો હતો. ત્યારથી ACB તેની શોધમાં હતી. હાલ ACB સમગ્ર કેસમાં નાણાંની રિકવરી, અન્ય સંડોવાયેલા લોકોની ભૂમિકા અને આરોપીના ભાગેડુ સમયગાળા અંગે વધુ તપાસ કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now