₹5 કરોડના ઇનામ સાથે રોબોફેસ્ટ ગુજરાત 6.0 લોન્ચ: AI અને રોબોટિક્સમાં મળશે મોટી તક


અમદાવાદમાં ૧૪૯મી જગન્નાથ રથયાત્રા અત્યંત ભક્તિમય માહોલમાં આગળ વધી રહી છે, ત્યારે ભગવાનના મોસાળ ગણાતા સરસપુર વિસ્તારમાં ભક્તોના સ્વાગત માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રામાં જોડાનારા હજારો શ્રદ્ધાળુઓ અને મંડળીઓ માટે સરસપુરની વિવિધ પોળોમાં પરંપરાગત રસોડા ધમધમી ઉઠ્યા છે. મોસાળવાસીઓ દ્વારા પૂરી-શાક, બુંદી અને ફૂલવડી સહિતના ભવ્ય જમણવારની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે બપોરે મોસાળ પહોંચશે, જ્યાં તેમનું પરંપરાગત મામેરું કરવામાં આવશે અને લાખો ભક્તો મહાપ્રસાદનો લાભ લેશે.
અમદાવાદમાં ૧૪૯મી રથયાત્રાના સમગ્ર રૂટ પર સુરક્ષાના કારણોસર પૂર્વ મંજૂરી વિના ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આમ છતાં, યાત્રાના માર્ગ ઉપર બે ખાનગી ડ્રોન ગેરકાયદેસર રીતે ઉડતા હોવાનું પોલીસની આધુનિક એન્ટી ડ્રોન સિસ્ટમમાં તાત્કાલિક ઝડપાઈ ગયું હતું. સિસ્ટમ દ્વારા લોકેશન ટ્રેસ થતાં જ તૈનાત પોલીસ પ્રશાસને સક્રિયતા દાખવીને આ બંને ખાનગી ડ્રોનને ત્વરિત નીચે ઉતરાવી લીધા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરક્ષા વ્યવસ્થાને ચુસ્ત રાખવા માટે ટેક્નોલોજીના માધ્યમથી સમગ્ર રૂટ પર પોલીસ દ્વારા અત્યંત બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.
ભાવનગર શહેરમાં આજે અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજીની ૪૧મી ઐતિહાસિક રથયાત્રાનું રાજમાર્ગો પર ભવ્ય પ્રસ્થાન થયું છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળ્યા છે. આ રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ ૧૭.૫ કિલોમીટર લાંબા રૂટ પર પરિભ્રમણ કરશે, જેના દર્શન માટે રસ્તાઓ પર હજારો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. યાત્રાની સુરક્ષા માટે ૩૦૦૦ પોલીસ જવાનો, ૧૫૦૦ હોમગાર્ડ્સ સહિત આઈ.જી., ૩ એસ.પી. અને ૧૫ ડીવાયએસપી કક્ષાના ઉચ્ચ અધિકારીઓનો ચુસ્ત કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. વાતાવરણ 'જય જગન્નાથ'ના નાદથી ગુંજી ઉઠ્યું છે.
આજે અષાઢી બીજના પરમ પવિત્ર દિવસે જગતના નાથ એવા ભગવાન જગન્નાથજી ભક્તોના કલ્યાણ અર્થે નિજ મંદિરથી નગરચર્યાએ નીકળ્યા છે. પ્રભુ સ્વયં ભક્તોના દ્વારે જઈને દર્શન આપવાના હોવાથી સમગ્ર શહેરમાં ભક્તિનો અનોખો ઉન્મેષ જોવા મળી રહ્યો છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીને આવકારવા તેમજ તેમની એક ઝલક મેળવવા માટે ભાવિક ભક્તો સવારથી જ શહેરની ઐતિહાસિક પોળો, ગલીઓ અને મહોલ્લાની બહાર નયનોમાં આસ્થા આંજીને આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ભગવાનના સ્વાગત માટે સમગ્ર રૂટ પર જયઘોષ અને ભક્તિમય માહોલ છવાયો છે.
ગાંધીનગર ખાતે સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય કક્ષાની રોબોટિક સ્પર્ધા ‘રોબોફેસ્ટ ગુજરાત ૬.૦’નું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું છે. GUJCOST દ્વારા આયોજિત આ સ્પર્ધાના વિજેતાઓ અને પ્રોટોટાઇપ બનાવનાર પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા માટે કુલ રૂ. ૫ કરોડની માતબર ઇનામી રકમ રાખવામાં આવી છે. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી સ્થાપિત વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ આજે ગુજરાત સેમિકન્ડક્ટર અને રોબોટિક્સ જેવા હાઈ-ટેક સનરાઈઝ સેક્ટર્સનું વૈશ્વિક હબ બન્યું છે. આ કાર્યક્રમમાં ડ્રોન લેબોરેટરી અને ટેક્નોલોજી ટ્રાન્સફર માટે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને NRDC સાથે મહત્વના MOU પણ કરવામાં આવ્યા હતા.
૧૪૯મી જગન્નાથ રથયાત્રા દરમિયાન પોલીસ કમિશનર પોતે સુરક્ષાની કમાન સંભાળી રૂટ પર સતર્ક જોવા મળ્યા હતા. રથયાત્રા આગળ વધી રહી હતી ત્યારે પોલીસ કમિશનરે યાત્રામાં સામેલ વિવિધ આકર્ષક ટેબ્લોને બારીકાઈથી નિહાળ્યા હતા. 'જય જગન્નાથ'ના ગગનભેદી નાદ વચ્ચે જ્યારે ભગવાનના રથ આગળ વધ્યા, ત્યારે પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ વહીવટી અધિકારીઓએ પણ પ્રભુના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ટેબ્લોની ભવ્યતા અને પોલીસના ચુસ્ત બંદોબસ્તનું સંતુલન આ ઉત્સવને વધુ આનંદમય બનાવી રહ્યું છે. પોલીસની આ સતર્કતા અને ભક્તોની શ્રદ્ધાનો અનોખો સુમેળ રથયાત્રાની સુરક્ષા અને શાંતિ માટે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડે છે.
અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રથયાત્રાના રૂટ પર ૩૦ હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનરે આ જવાનોના ઊંચા મનોબળ અને રાત-દિવસની સખત મહેનતની ભારોભાર પ્રશંસા કરી હતી. પોલીસ કમિશનરે ભક્તોને અપીલ કરી છે કે તેઓ સુરક્ષા માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરે અને પોલીસને સહયોગ આપે. તેમણે ઉમેર્યું કે, પોલીસનું મુખ્ય લક્ષ્ય ભક્તોની સુરક્ષા અને આ પવિત્ર ઉત્સવની ગરિમા જાળવવાનું છે. પોલીસની આ સક્રિયતા અને ચુસ્ત બંદોબસ્તને પગલે શ્રદ્ધાળુઓમાં ભારે વિશ્વાસ અને નિર્ભયતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
અમદાવાદની રથયાત્રામાં આ વર્ષે ભજન મંડળીઓમાં અનોખી અને વિવિધ રસપ્રદ થીમ જોવા મળી રહી છે. પરંપરાગત ઢોલ-નગારાના તાલે ઝૂમતી ભજન મંડળીઓના સભ્યોએ પોતાના શરીર પર ભગવાન પરશુરામ અને ભગવાન જગન્નાથજીના આકર્ષક ટેટૂ ચિતરાવ્યા છે, જે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ ઉપરાંત, મંડળીમાં સામાજિક અને ભાવનાત્મક થીમ પણ જોવા મળી હતી. જેમાં એક મહિલા શ્રદ્ધાળુએ મધ્યપ્રદેશના જબલપુર ક્રૂઝ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર માતા-દીકરાની તસવીરવાળું ટી-શર્ટ પહેરીને શ્રદ્ધાંજલિ આપી હતી. જ્યારે અન્ય એક સભ્યએ પેટ્રોલ-ડીઝલની અછતના સમયને દર્શાવતો વિશેષ ટેટૂ વાળો ફોટો શરીર પર દોરાવીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, સોશિયલ મીડિયા એકસ્ પર કચ્છીઓના નવા વર્ષે શુભેચ્છા પાઠવી છે. કચ્છી ભાષામાં લખેલ શુભેચ્છા સંદેશમાં કચ્છીઓને નવા વર્ષના રામ રામ કહ્યાં છે.
?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2077577841626255872%7Ctwgr%5E7669cffdbaa4394f9aca611301e9dcdc1cd4e3cd%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftv9gujarati.com%2Fgujarat%2Fahmedabad-149th-jagannath-rath-yatra-2026-in-gujarat-live-coverage-and-updates-in-gujarati-16-july-2026-samachar-braking-news-photos-wishes-celebration-1482779.html
ગયા વર્ષે ૧૪૮મી જગન્નાથ રથયાત્રા દરમિયાન ખાડિયા વિસ્તારમાં એક હાથી બેકાબૂ થવાની ઘટના બની હતી. આ વર્ષે આવી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા એક નવતર ટેકનોલોજીનો પ્રયોગ કરવામાં આવ્યો છે. રથયાત્રામાં સામેલ હાથીઓ ભીડ, કોલાહલ કે ડીજેના મોટા અવાજથી ભડકે નહીં તે માટે તેમના પર 'જાયરોસ્કોપ' (Gyroscope) સેન્સર ડિવાઇસ લગાવવામાં આવ્યા છે. આ આધુનિક સિસ્ટમ હાથીઓની ગતિવિધિ અને હિલચાલ પર સતત બારીકાઈથી નજર રાખશે, જેથી ભક્તોની સુરક્ષા વચ્ચે રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ શકે.
અમદાવાદની ૧૪૯મી ઐતિહાસિક રથયાત્રા જેમ-જેમ આગળ વધી રહી છે, તેમ-તેમ ભક્તોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. રથયાત્રાનો ભવ્ય કાફલો ખાડિયા વિસ્તારમાં પહોંચતા જ ભગવાનના સ્વાગત માટે ભક્તોનું કીડીયારું ઉભરાયું હતું અને ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. ભગવાનના રથો અને શણગારેલી ટ્રકો ખાડિયાની ઐતિહાસિક હાથી ઢાળની પોળથી પસાર થઈને વૈશ્ય સભા તરફ આગળ વધી રહ્યા છે. ભગવાન જગન્નાથજી પોતાના વિશેષ રથ ‘નંદીઘોષ’માં બિરાજીને ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યા કરી રહ્યા છે. સમગ્ર ખાડિયા પંથક 'જય જગન્નાથ'ના ગગનભેદી નાદ અને ભક્તિભાવથી ગુંજી ઉઠ્યો છે.
અમદાવાદમાં ૧૪૯મી રથયાત્રાના પાવન અવસરે વહેલી સવારે ૪ વાગ્યે નિજ મંદિરમાં ભગવાન જગન્નાથની ભવ્ય મંગળા આરતી યોજાઈ હતી. આ મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પરિવાર સાથે ઉપસ્થિત રહીને ભગવાનના આશીર્વાદ લીધા હતા. આરતી બાદ પ્રભુને પરંપરાગત વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને ગર્ભગૃહમાંથી લાવીને પોતપોતાના રથોમાં બિરાજમાન કરાયા હતા. આ પવિત્ર ક્ષણો બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી પરંપરાગત 'પહિંદ' વિધિ કરી રથયાત્રાનું નગરચર્યા માટે ભવ્ય પ્રસ્થાન કરાવ્યું હતું.
જગન્નાથ રથયાત્રામાં ત્રણેય ભાઈ-બહેન માટે વિશેષ પરંપરાગત રથ તૈયાર કરવામાં આવે છે, જેમાં બિરાજમાન થઈને તેઓ નગરચર્યાએ નીકળે છે. ભગવાન જગન્નાથજીના મુખ્ય રથનું નામ ‘નંદીઘોષ’ છે, જેમાં બિરાજીને તેઓ ભક્તોને દર્શન આપે છે. જ્યારે તેમના બહેન સુભદ્રાજીના રથને ‘દર્પદલન’ (અથવા પદ્મધ્વજ) તરીકે ઓળખવામાં આવે છે. ભગવાનના મોટા ભાઈ બલભદ્રજી (બલરામ) ‘તાલધ્વજ’ નામના ભવ્ય રથ પર બિરાજમાન થાય છે. આ ત્રણેય રથોની ઓળખ તેમના વિશિષ્ટ રંગો, ઊંચાઈ અને ધ્વજ પરથી થાય છે, જે રથયાત્રાનું મુખ્ય આકર્ષણ બને છે.
અમદાવાદની ૧૪૯મી રથયાત્રા પૂર્વે વહેલી પરોઢે જમાલપુર જગન્નાથ મંદિરે ભવ્ય મંગળા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આરતી સંપન્ન થયા બાદ, મંદિરના મહંત દિલીપદાસજી મહારાજના હસ્તે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની પવિત્ર પ્રતિમાઓને ગર્ભગૃહમાંથી વિધિવત બહાર લાવવામાં આવી હતી. ત્યારબાદ ત્રણેય દેવોને શણગારેલા ભવ્ય રથોમાં બિરાજમાન કરાયા હતા. આ અલૌકિક અને પવિત્ર ક્ષણના સાક્ષી બનવા માટે વહેલી સવારથી જ હજારો ભક્તો મંદિર પરિસરમાં ઉમટી પડ્યા હતા. ભગવાનના રથારોહણ સાથે જ શંખનાદ, ઘંટનાદ અને 'જય જગન્નાથ'ના ગગનભેદી જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણમાં ગરકાવ થઈ ગયું હતું.
અમદાવાદના જમાલપુર સ્થિત ઐતિહાસિક શ્રી જગન્નાથ મંદિરેથી અષાઢી બીજના પાવન પર્વે ૧૪૯મી જગન્નાથ રથયાત્રાનો ભવ્ય પ્રારંભ થયો છે. પરંપરાગત વિધિ અનુસાર, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોનાની સાવરણીથી 'પહિંદ' વિધિ કરી હતી. આ વિધિ સેવા અને નમ્રતાનું પ્રતિક છે. ત્યારબાદ બંને મહાનુભાવોએ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના રથને ખેંચીને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવ્યું હતું. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. પ્રથમ રથ બહાર નીકળતાં જ સમગ્ર શહેર 'જય જગન્નાથ' અને 'જય રણછોડ માખણ ચોર'ના ગગનભેદી નાદ સાથે ભક્તિના રંગે રંગાયું હતું.



