ગુજરાતને ટેક્નોલોજી અને ઇનોવેશનના વૈશ્વિક કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા રાષ્ટ્રીય કક્ષાની પ્રતિષ્ઠિત સ્પર્ધા 'રોબોફેસ્ટ ગુજરાત 6.0'નું ગાંધીનગર ખાતે ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું. સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે યોજાયેલા આ કાર્યક્રમમાં આગામી પેઢીના રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડ્રોન ટેક્નોલોજી ક્ષેત્રે ગુજરાતને અગ્રેસર બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ પહેલોની જાહેરાત કરવામાં આવી.
આ વર્ષે યોજાનારી સ્પર્ધાની મુખ્ય થીમ 'AI-Powered Robotics Innovation Challenge' રાખવામાં આવી છે. યુવા વિદ્યાર્થીઓમાં સંશોધન, નવીનતા અને ટેક્નોલોજી આધારિત ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે સ્પર્ધાના વિવિધ તબક્કામાં વિજેતાઓ તેમજ પ્રોટોટાઇપ તૈયાર કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને કુલ રૂ. 5 કરોડની ઇનામી રકમ આપવામાં આવશે. આ રકમ રાજ્યમાં અત્યાર સુધીની સૌથી મોટી રોબોટિક્સ ઇનોવેશન પ્રોત્સાહક યોજનાઓમાંની એક માનવામાં આવે છે.
ગુજરાત ટેક્નોલોજીના નવા યુગ તરફ આગળ વધી રહ્યું છે
કાર્યક્રમને સંબોધતા સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે ગુજરાત હવે માત્ર પરંપરાગત ઔદ્યોગિક રાજ્ય નથી રહ્યું, પરંતુ સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, ડ્રોન ટેક્નોલોજી અને હાઈપર-સ્કેલ ડેટા સેન્ટર્સ જેવા 'સનરાઈઝ સેક્ટર્સ'માં વૈશ્વિક ઓળખ ઉભી કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે વર્ષ 2006માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ સ્થાપિત સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ આજે સ્પેસ ટેક્નોલોજી, બાયોટેક્નોલોજી, ક્વોન્ટમ મિશન સહિતના 11 મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં કાર્ય કરી રહ્યો છે. અગાઉ શાળાઓના વિજ્ઞાન મેળાઓમાં સામાન્ય મોડેલો રજૂ થતા હતા, જ્યારે આજે વિદ્યાર્થીઓ અદ્યતન રોબોટ્સ બનાવી વાસ્તવિક સમસ્યાઓના ટેક્નોલોજીકલ ઉકેલો રજૂ કરી રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ : IMDએ જાહેર કરી નવી આગાહી
રોબોટિક્સ હવે ભવિષ્ય નહીં, વર્તમાનની જરૂરિયાત
મંત્રી મોઢવાડિયાએ જણાવ્યું કે રોબોટિક્સ હવે માત્ર વૈજ્ઞાનિક સંશોધન પૂરતું મર્યાદિત નથી રહ્યું. આરોગ્ય સેવા, કૃષિ, ઉદ્યોગ અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા ક્ષેત્રોમાં તેનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. તેમણે ઉદાહરણ આપતાં જણાવ્યું કે અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC)માં તાજેતરમાં રોબોટિક સર્જરી દ્વારા જટિલ લિવર ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે, જે આધુનિક ટેક્નોલોજીની ક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે ભવિષ્યના યુદ્ધોમાં ડ્રોન, સ્વચાલિત રોબોટિક સિસ્ટમ અને કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત ટેક્નોલોજીનું મહત્વ સતત વધી રહ્યું છે. દેશને રાષ્ટ્રીય સુરક્ષામાં આત્મનિર્ભર બનાવવા માટે રોબોટિક એન્જિનિયરિંગ અને સ્થાનિક ટેક્નોલોજી વિકાસ અત્યંત જરૂરી બની ગયો છે.
બે મહત્વપૂર્ણ MoUથી મળશે ટેક્નોલોજી વિકાસને વેગ
કાર્યક્રમ દરમિયાન બે મહત્વપૂર્ણ સમજૂતી કરારો (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. GUJCOST અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU), ગાંધીનગર વચ્ચે રાજ્યવ્યાપી ડ્રોન લેબોરેટરી નેટવર્ક સ્થાપવા માટે કરાર કરવામાં આવ્યો. આ પહેલ હેઠળ ગુજરાતમાં 'હબ એન્ડ સ્પોક' મોડલ પર આધારીત ડ્રોન તાલીમ, સંશોધન અને પ્રાયોગિક શિક્ષણ માટે આધુનિક લેબોરેટરીઓનું નેટવર્ક વિકસાવવામાં આવશે.
બીજો સમજૂતી કરાર GUJCOST અને નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NRDC) વચ્ચે થયો. આ કરાર દ્વારા ટેક્નોલોજી ટ્રાન્સફર, બૌદ્ધિક સંપદા (IP) સંરક્ષણ, લાઇસન્સિંગ, સંશોધનના વ્યાવસાયિક ઉપયોગ તેમજ સ્ટાર્ટઅપ્સ, MSMEs, યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓ વચ્ચે ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગને પ્રોત્સાહન આપવામાં આવશે.
વિદ્યાર્થીઓને વૈશ્વિક તક આપવા પર ભાર
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. કલ્પેશ વાડરાએ જણાવ્યું કે આજના વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને ટેક્નિકલ કૌશલ્યની કોઈ અછત નથી. નવી ડ્રોન લેબોરેટરી પહેલ રાજ્યમાં સંશોધન, કૌશલ્ય વિકાસ અને ટેક્નોલોજી આધારિત કારકિર્દી માટે નવા દરવાજા ખોલશે. NRDCના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર બિજયકુમાર સાહુએ જણાવ્યું કે ટેક્નોલોજીને પ્રયોગશાળામાંથી બજાર સુધી પહોંચાડવી એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. ભારતને આયાતી ટેક્નોલોજી પરની નિર્ભરતા ઘટાડવા માટે સ્થાનિક સંશોધન અને ઇનોવેશનને વ્યાવસાયિક સ્વરૂપ આપવું જરૂરી છે.
આ પણ વાંચો: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું ભાડું કેટલું હશે? : ફ્લાઈટ કરતાં સસ્તી, માત્ર 2 કલાકમાં પહોંચાડશે






