Home Gujarat Mumbai Ahmedabad Bullet Train Fare Price Update

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું ભાડું કેટલું હશે? : ફ્લાઈટ કરતાં સસ્તી, માત્ર 2 કલાકમાં પહોંચાડશે

બુલેટ ટ્રેનની  છબી
Image Credit: ai
Published by: Niraj Chokshi
Last Updated: Jul 16, 2026, 01:30 AM IST

દેશની પ્રથમ બુલેટ ટ્રેન સેવા શરૂ થવાની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ લોકોમાં તેના રૂટ, ઝડપ અને ખાસ કરીને ભાડાને લઈને ઉત્સુકતા વધી રહી છે. મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ (MAHSR) પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો 15 ઓગસ્ટ, 2027થી શરૂ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. શરૂઆતમાં સુરતથી બિલીમોરા વચ્ચે સેવા શરૂ થશે, ત્યારબાદ તબક્કાવાર સમગ્ર 508 કિલોમીટર લાંબા મુંબઈ-અમદાવાદ કોરિડોરને કાર્યરત કરવામાં આવશે. આ દરમિયાન બુલેટ ટ્રેનના સંભવિત ભાડાને લઈને ચર્ચા તેજ બની છે. રાષ્ટ્રીય હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) અને રેલવે મંત્રાલય હજુ અંતિમ ભાડું જાહેર કરવાની પ્રક્રિયામાં છે, પરંતુ ઉપલબ્ધ માહિતી મુજબ મુંબઈથી અમદાવાદ સુધીની ઇકોનોમી ક્લાસની ટિકિટ અંદાજે ₹3,000ની આસપાસ હોઈ શકે છે. જોકે પ્રોજેક્ટની વધતી કિંમતને ધ્યાનમાં રાખીને કેટલાક અહેવાલોમાં ભાડું વધુ હોવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. તેમ છતાં સત્તાવાર રીતે અંતિમ ભાડું હજુ જાહેર કરવામાં આવ્યું નથી.

ફ્લાઇટ કરતાં સસ્તી અને ટ્રેન કરતાં વધુ ઝડપી મુસાફરી

મુંબઈ અને અમદાવાદ વચ્ચે હાલમાં રાજધાની, દુરંતો અને વંદે ભારત જેવી ટ્રેનોમાં મુસાફરી માટે 5.5થી 7 કલાકનો સમય લાગે છે. જ્યારે બુલેટ ટ્રેન શરૂ થયા બાદ આ જ અંતર માત્ર 2 કલાક અથવા તેનાથી પણ ઓછા સમયમાં કાપી શકાય તેવી યોજના છે. હાલમાં મુંબઈ-અમદાવાદ રૂટ પર ફ્લાઇટનો સામાન્ય ભાડો સીઝન પ્રમાણે અંદાજે ₹4,000થી ₹5,000 કે તેથી વધુ હોઈ શકે છે. જો બુલેટ ટ્રેનનું ઇકોનોમી ભાડું ₹3,000ની આસપાસ નક્કી થાય તો મુસાફરોને હવાઈ મુસાફરીની સરખામણીએ વધુ કિફાયતી અને સમય બચાવતી સેવા મળી શકે છે. દુરંતો એક્સપ્રેસના ફર્સ્ટ એસી કોચના વર્તમાન ભાડાને આધારે પણ બુલેટ ટ્રેનના ભાડાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. પ્રારંભિક પ્રસ્તાવ મુજબ બુલેટ ટ્રેનનું ભાડું ફર્સ્ટ એસીના ભાડા કરતાં અંદાજે દોઢ ગણું રાખવાની વિચારણા કરવામાં આવી હતી.

અંતિમ ભાડું કેવી રીતે નક્કી થશે?

પ્રોજેક્ટની શરૂઆત વખતે ઇકોનોમી ક્લાસનું સંભવિત ભાડું આશરે ₹3,000 ગણવામાં આવ્યું હતું. જોકે સમય જતાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કુલ કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે. તેના કારણે કેટલાક અહેવાલોમાં ભાડું ₹6,000થી ₹7,000 સુધી જઈ શકે તેવી અટકળો વ્યક્ત થઈ હતી. પરંતુ NHSRCLએ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારના અંદાજોને સત્તાવાર માનવા યોગ્ય નથી. સંસ્થાના જણાવ્યા મુજબ બુલેટ ટ્રેનનો મુખ્ય હેતુ માત્ર નફો કમાવવાનો નથી, પરંતુ દેશમાં હાઈસ્પીડ રેલ નેટવર્ક વિકસાવવાનો છે. તેથી ભાડું સામાન્ય અને મધ્યમવર્ગના મુસાફરોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ અગાઉ જણાવ્યું હતું કે બુલેટ ટ્રેનનું ભાડું એવું રહેશે કે જેથી મધ્યમવર્ગીય મુસાફરો પણ આ સેવાનો લાભ લઈ શકે.

આ પણ વાંચો: રથયાત્રાના દિવસે ગુજરાતમાં અમિત શાહનો મેગા પ્લાન : મંગળા આરતી બાદ યોજાશે સરકાર-સંગઠનની મોટી બેઠક

બુલેટ ટ્રેનની ઝડપ હશે સૌથી મોટી ખાસિયત

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ભારતનો પ્રથમ હાઈસ્પીડ રેલ કોરિડોર છે. તેની ડિઝાઇન સ્પીડ પ્રતિ કલાક 350 કિલોમીટર રાખવામાં આવી છે, જ્યારે ઓપરેશનલ સ્પીડ પ્રતિ કલાક 320 કિલોમીટર રહેશે.

બુલેટ ટ્રેનની બે અલગ-અલગ સેવા શરૂ કરવાની યોજના છે. પ્રથમ 'રૅપિડ સર્વિસ' હશે, જે માત્ર થોડા મુખ્ય સ્ટેશનો પર જ રોકાશે. આ સેવા મુંબઈથી અમદાવાદ વચ્ચે આશરે 1 કલાક 58 મિનિટથી 2 કલાક 7 મિનિટમાં મુસાફરી પૂર્ણ કરી શકશે. બીજી તરફ 'ઓલ સ્ટોપ સર્વિસ' તમામ 12 સ્ટેશનો પર રોકાશે. દરેક સ્ટેશન પર મુસાફરોના ચઢવા-ઉતરવા માટે સમય લાગવાને કારણે આ સેવામાં લગભગ 3 કલાક જેટલો સમય લાગી શકે છે.

તબક્કાવાર શરૂ થશે સમગ્ર કોરિડોર

508 કિલોમીટર લાંબા મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોરને એકસાથે શરૂ કરવામાં નહીં આવે. પ્રથમ તબક્કામાં સુરત-બિલીમોરા રૂટ શરૂ કરવામાં આવશે. ત્યારબાદ વાપી-સુરત, વાપી-અમદાવાદ, અમદાવાદ-ઠાણે અને અંતે અમદાવાદ-મુંબઈ વિભાગને તબક્કાવાર કાર્યરત કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં જાપાનની શિન્કાન્સેન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેને વિશ્વની સૌથી સુરક્ષિત અને વિશ્વસનીય હાઈસ્પીડ રેલ સિસ્ટમોમાંની એક માનવામાં આવે છે.

આ પણ વાંચો: ગુજરાતનાં હવામાનમાં આવશે પલટો : આગામી અઠવાડિયાથી અનેક જિલ્લાઓમાં વરસાદની IMDની આગાહી

અર્થવ્યવસ્થા અને મુસાફરીમાં આવશે મોટો બદલાવ

નિષ્ણાતોના મતે બુલેટ ટ્રેન શરૂ થયા બાદ મુંબઈ અને અમદાવાદ વચ્ચેના વેપાર, ઉદ્યોગ, પ્રવાસન અને વ્યવસાયિક મુસાફરીમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. ઓછા સમયમાં મુસાફરી શક્ય બનવાથી બંને શહેરો વચ્ચેનો આર્થિક સંપર્ક વધુ મજબૂત બનશે. વ્યાપારીઓ માટે એક જ દિવસમાં બંને શહેરોમાં બેઠક કરીને પરત ફરવું સરળ બનશે. સાથે જ પ્રવાસન ક્ષેત્રને પણ નવી ગતિ મળશે. હાઈસ્પીડ રેલ સેવા ભારતના આધુનિક પરિવહન ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થઈ શકે છે.

જોકે મુસાફરો માટે સૌથી મહત્વનો પ્રશ્ન હજુ પણ ભાડાને લઈને છે. સત્તાવાર ભાડું જાહેર થયા બાદ જ સ્પષ્ટ થશે કે બુલેટ ટ્રેન સામાન્ય લોકો માટે કેટલી કિફાયતી સાબિત થશે. હાલ માટે ₹3,000ની આસપાસના ઇકોનોમી ભાડાનો અંદાજ ચર્ચામાં છે, પરંતુ અંતિમ નિર્ણય NHSRCL અને રેલવે મંત્રાલય દ્વારા જ જાહેર કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now