Home Gujarat Supreme Court Decision Elections In Gujarat Held 27 Percentage Obc Reservation Only

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય : ગુજરાતમાં 27% OBC અનામત સાથે જ યોજાશે ચૂંટણી, વિરોધ કરનાર પિટિશનરને હાઈકોર્ટમાં જવાની સલાહ

Gujarat Local Body Election Supreme Court OBC Reservation
Published by: Nirali Gohil
Last Updated: Apr 10, 2026, 10:59 AM IST

Gujarat Local Body Election Update: ગુજરાતમાં લાંબા સમયથી પડતર રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પર તોળાઈ રહેલા કાનૂની અવરોધો વચ્ચે આજે સર્વોચ્ચ અદાલતે એક મોટો અને નિર્ણાયક ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી 27 ટકા ઓબીસી (OBC) અનામત નીતિ સામે ચૂંટણી પ્રક્રિયા પર સ્ટે મૂકવાની માંગણીને સ્પષ્ટપણે ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસની બેન્ચે આ મામલે સુનાવણી કરતા જણાવ્યું હતું કે, હાલના તબક્કે ચૂંટણી પ્રક્રિયામાં કોઈ હસ્તક્ષેપ કરવામાં આવશે નહીં અને ચૂંટણીઓ તેના નિર્ધારિત માળખા મુજબ જ આગળ વધશે.

આ મામલો પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયા દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) સાથે જોડાયેલો છે, જેમાં સરકારના અનામત વધારવાના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પર રોક લગાવવાનો ઇનકાર કરીને અરજદારને આ વિવાદ અંગે ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરવા માટે નિર્દેશ આપ્યો છે. આનો અર્થ એ થયો કે હવે અનામતની કાયદેસરતાનો જંગ હાઈકોર્ટમાં લડાશે, પરંતુ ત્યાં સુધી ચૂંટણી યોજવા માટેનો માર્ગ મોકળો થઈ ગયો છે.

સુપ્રીમ કોર્ટમાં શું થઈ દલીલો?

અરજદાર દિનેશ બાંભણિયા તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે રાજ્ય સરકારની 27 ટકા OBC અનામતની નીતિમાં બંધારણીય ખામીઓ છે. જોકે, સુપ્રીમ કોર્ટે આ મામલે વચગાળાની રોક લગાવવાની ના પાડી દીધી હતી. કોર્ટે અવલોકન કર્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લોકશાહીનો પાયો છે અને તેમાં વિલંબ યોગ્ય નથી. કોર્ટે પિટિશનરને જણાવ્યું કે તેઓ તેમની તમામ વાંધા અરજીઓ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ લઈ જાય, અને હાઈકોર્ટ જે પણ આદેશ આપશે તે આ ચૂંટણીના પરિણામો અને પ્રક્રિયા માટે બંધનકર્તા રહેશે.

આ પણ વાંચો: "પહેલા અમે અહીં જ હતા” : જૂના સંસદ ભવનને જોઈ બોલ્યા નીતીશ કુમાર, રાજ્યસભા સાંસદ તરીકે લીધા શપથ

પિટિશનમાં ઉઠાવવામાં આવેલા ત્રણ મુખ્ય વાંધા

ચૂંટણી પ્રક્રિયાને પડકારતી આ અરજીમાં મુખ્યત્વે ત્રણ કાનૂની પાસાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે, જે આગામી સમયમાં હાઈકોર્ટમાં સુનાવણીનો મુખ્ય વિષય બનશે:

  1. ટ્રિપલ ટેસ્ટનું પાલન: સુપ્રીમ કોર્ટે અગાઉના એક ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે OBC અનામત નક્કી કરતા પહેલા રાજ્યએ 'ટ્રિપલ ટેસ્ટ'ના માપદંડો પૂર્ણ કરવા અનિવાર્ય છે. પિટિશનરનો આરોપ છે કે ગુજરાત સરકારે આ માપદંડોનું ચુસ્ત પાલન કર્યું નથી.

  2. 50 ટકાની મર્યાદા: બંધારણીય જોગવાઈઓ મુજબ કુલ અનામત (SC, ST અને OBC મળીને) 50 ટકાની લક્ષ્મણરેખા વટાવવી જોઈએ નહીં. પિટિશનમાં દાવો કરાયો છે કે 27 ટકાના નવા વધારા સાથે આ મર્યાદા ઉલ્લંઘાય છે.

  3. ઝવેરી કમિશનનો અહેવાલ: જસ્ટિસ ઝવેરી કમિશને આપેલી ભલામણો અને તેના આધારે થયેલી બેઠકોની ફાળવણી તર્કસંગત નથી તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.

રાજ્ય સરકારના મક્કમ વલણની જીત

ગુજરાત સરકાર શરૂઆતથી જ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પછાત વર્ગોને યોગ્ય પ્રતિનિધિત્વ મળી રહે તે માટે 27 ટકા અનામત આપવાના પક્ષમાં રહી છે. સુપ્રીમ કોર્ટના આજના વલણથી સરકારને મોટી રાહત મળી છે. હવે રાજ્ય ચૂંટણી પંચ ગમે ત્યારે પંચાયતો, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરી શકે તેવી શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now