દેશમાં સતત વધી રહેલા વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ન્યાયિક હસ્તક્ષેપની માગણી સાથે જાહેર હિતની અરજી (PIL) સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ છે. આ અરજી લ્યુક ક્રિસ્ટોફર કુટિન્હો દ્વારા કરવામાં આવી છે, જેમાં કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB), હવા ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ (CAQM), નીતિ આયોગ, અનેક કેન્દ્રીય મંત્રાલયો તેમજ દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્ર સરકારોને પક્ષકાર બનાવવામાં આવ્યા છે.
અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે હાલનું વાયુ પ્રદૂષણ સંકટ એટલું ગંભીર બની ગયું છે કે તે "જાહેર આરોગ્ય કટોકટી"ના સ્તર સુધી પહોંચી ગયું છે. પ્રદૂષણ નાગરિકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી રહ્યું છે અને બંધારણની કલમ 21 હેઠળના જીવન અને આરોગ્યના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે.
અરજીમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દિલ્હીમાં હવામાં ઝેરી કણોના સ્તર ખૂબ જ જોખમકારક બની ગયા છે. એક અહેવાલને ટાંકતાં અરજદારે જણાવ્યું કે આશરે 2.2 મિલિયન શાળાના બાળકોના ફેફસાંને અપૂરણીય નુકસાન થયું છે, જે સારવાર પછી પણ સંપૂર્ણપણે ઠીક થઈ શકશે નહીં.
અરજદારે માગણી કરી છે કે વાયુ પ્રદૂષણને રાષ્ટ્રીય જાહેર આરોગ્ય કટોકટી તરીકે જાહેર કરવામાં આવે અને આ સમસ્યા સામે લડવા માટે સમયમર્યાદિત રાષ્ટ્રીય કાર્યયોજનાની રચના કરવામાં આવે. ઉપરાંત, હવા ગુણવત્તાની દેખરેખ માટેની વર્તમાન પ્રણાલીમાં સુધારા સાથે રાષ્ટ્રીય સ્તરે એક ટાસ્ક ફોર્સ રચવાની પણ માંગ કરવામાં આવી છે.
અરજીમાં જણાવાયું છે કે 2019માં શરૂ કરાયેલ National Clean Air Programme (NCAP) પોતાના લક્ષ્યો હાંસલ કરવામાં નિષ્ફળ ગયો છે. અરજદારે જણાવ્યું કે યોગ્ય અમલના અભાવ અને રાજ્યો વચ્ચેના સંકલનની ખામીના કારણે વાયુ પ્રદૂષણ નિયંત્રણના પ્રયાસો અસરકારક બની શક્યા નથી.
સુપ્રીમ કોર્ટ હવે આ મહત્વપૂર્ણ મુદ્દે સંભવિત દિશા-નિર્દેશો આપે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે વાયુ પ્રદૂષણના વધતા ખતરા સામે દેશભરમાં ચિંતા વધી રહી છે.






