Middle East War: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષનો આજે 27મો દિવસ છે. અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે ઈરાને એક વ્યૂહાત્મક નિર્ણય લેતા ભારત માટે રાહતના સમાચાર આપ્યા છે. ઈરાને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ગણાતા દરિયાઈ માર્ગ 'હોર્મુઝ સ્ટ્રેટ'માંથી ભારત સહિત પાંચ મિત્ર દેશોના જહાજોને પસાર થવાની મંજૂરી આપી દીધી છે. બીજી તરફ, ઈરાને અમેરિકાના અત્યાધુનિક F/A-18 ફાઈટર જેટને તોડી પાડવાનો દાવો કરીને યુદ્ધમાં નવો વળાંક લાવી દીધો છે.
ભારત માટે મોટા સમાચાર: હોર્મુઝ સ્ટ્રેટમાંથી અવરજવરની છૂટ
મુંબઈ સ્થિત ઈરાની કોન્સ્યુલેટ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે 'મિત્ર દેશો' માટે હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) સંપૂર્ણપણે બંધ નથી. ઈરાને ભારત, ચીન, રશિયા, ઈરાક અને પાકિસ્તાનને આ રસ્તેથી પોતાના જહાજો લઈ જવાની પરવાનગી આપી છે. ઉલ્લેખનીય છે કે, વિશ્વનો ત્રીજા ભાગનો ઓઈલ સપ્લાય આ માર્ગેથી થાય છે. ઈરાને જણાવ્યું કે આ પ્રતિબંધ માત્ર એવા દેશો માટે છે જે તેની વિરુદ્ધ છે, જ્યારે મિત્ર દેશો કેટલીક ચોક્કસ શરતો સાથે વેપાર ચાલુ રાખી શકશે.
ઈરાનનો મોટો દાવો: અમેરિકી F-18 જેટને દરિયામાં ખાબક્યું
યુદ્ધના મેદાનમાં ઈરાને અમેરિકાને સીધો પડકાર ફેંકતા દાવો કર્યો છે કે તેણે બુધવારે રાત્રે દક્ષિણ દરિયાકાંઠા પાસે અમેરિકાનું F/A-18 ફાઈટર જેટ તોડી પાડ્યું છે. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) મુજબ, આ વિમાન હિંદ મહાસાગરમાં ક્રેશ થયું છે. આ ઘટના બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે સીધા યુદ્ધની સંભાવનાઓ વધી ગઈ છે.
આ પણ વાંચો : યુદ્ધની અસર હવે સીધી ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર : સપ્લાય ચેઈન ખોરવાતા આ ચીજવસ્તુઓના ભાવમાં ભડકાની ભીતિ
ટ્રમ્પનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો: મૂકી 5 કડક શરતો
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મોકલવામાં આવેલા યુદ્ધવિરામ (Ceasefire)ના પ્રસ્તાવને ઈરાને 'છેતરપિંડી' ગણાવીને ફગાવી દીધો છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે દબાણમાં આવીને કોઈ શરતો સ્વીકારશે નહીં. ઈરાને યુદ્ધ રોકવા માટે પોતાની 5 શરતો રજૂ કરી છે:
ઈરાન વિરુદ્ધ હુમલા અને ટાર્ગેટ કિલિંગ બંધ થાય.
ભવિષ્યમાં યુદ્ધ નહીં થાય તેની લેખિત ગેરંટી.
યુદ્ધમાં થયેલા નુકસાનનું આર્થિક વળતર.
તમામ મોરચે સંઘર્ષનો અંત.
હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનના સાર્વભૌમ અધિકારની આંતરરાષ્ટ્રીય માન્યતા.
હિઝબુલ્લાહનો ઈઝરાયેલના સૈન્ય મુખ્યાલય 'કિર્યા' પર હુમલો
લેબનનના ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહે દાવો કર્યો છે કે તેણે ઈઝરાયેલની રાજધાની તેલ અવીવના હૃદય સમાન 'કિર્યા' વિસ્તારમાં મિસાઈલ હુમલો કર્યો છે. આ વિસ્તારમાં જ ઈઝરાયેલની સેનાનું હેડક્વાર્ટર અને મહત્વની સરકારી ઓફિસો આવેલી છે. જોકે, ઈઝરાયેલ તરફથી હજુ સુધી આ નુકસાન અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
અમેરિકાની કડક ચેતવણી અને UN ની શાંતિ પહેલ
વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલિન લેવિટે ઈરાનને ગંભીર પરિણામોની ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો ઈરાન હાર નહીં માને તો તેના પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરવામાં આવશે. બીજી તરફ, યુએન (UN) પ્રમુખ એન્ટોનિયો ગુટેરેસે શાંતિ સ્થાપવા માટે અનુભવી રાજદ્વારી જીન અર્નોને વિશેષ દૂત તરીકે નિયુક્ત કર્યા છે. જીન અર્નો બંને પક્ષો વચ્ચે મધ્યસ્થી કરીને વિશ્વ પર તોળાતા આર્થિક સંકટને ટાળવાનો પ્રયાસ કરશે.
ઈઝરાયેલમાં જાનહાનિના આંકડા: ઈઝરાયેલના આરોગ્ય મંત્રાલય મુજબ, યુદ્ધ શરૂ થયા બાદ અત્યાર સુધીમાં 5,165 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 106 લોકો હજુ પણ હોસ્પિટલમાં છે અને 13ની હાલત અતિ ગંભીર છે.





