Surat Stray Dog Attack, 02 April 2026: સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. શહેરના સચિન GIDC વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં 5 વર્ષના માસૂમ બાળક પર શ્વાનના ટોળાએ જીવલેણ હુમલો કર્યો છે. બગીચામાં રમી રહેલા આ નિર્દોષ બાળક પર એકસાથે 4 થી 5 શ્વાન તૂટી પડ્યા હતા અને તેને શરીરના અનેક ભાગોમાં ગંભીર બચકાં ભરી લોહીલુહાણ કરી નાખ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને તંત્ર સામે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
બાળકની હાલત અત્યંત નાજુક હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. હોસ્પિટલના બિછાણે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા બાળકની સ્થિતિ જોઈને પરિવારજનોના આંસુ રોકાતા નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા રખડતા શ્વાનને પકડવા માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે આવી દુર્ઘટનાઓ વારંવાર બની રહી છે. હાલ સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા બાળકની સઘન સારવાર શરૂ કરવામાં આવી છે.
કેવી રીતે બની આ ઘટના?
મળતી માહિતી મુજબ, સચિન GIDC વિસ્તારમાં રહેતા દિલીપભાઈનો 5 વર્ષનો પુત્ર હિતેશ (નામ બદલેલ છે) નજીકના બગીચામાં અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો. આ દરમિયાન અચાનક 4 થી 5 હિંસક શ્વાન ત્યાં ધસી આવ્યા હતા. અન્ય બાળકો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા, પરંતુ હિતેશ એકલો પડી જતા શ્વાન તેના પર તૂટી પડ્યા હતા. શ્વાનોએ બાળકને જમીન પર પટકી દઈને તેના મોઢા, હાથ અને પગ પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આસપાસના લોકો દોડી આવતા શ્વાન ભાગી ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં બાળક ગંભીર રીતે ઘાયલ થઈ ચૂક્યું હતું.
આ પણ વાંચો: ઓટિઝમ અને ADHD પીડિત બાળકો માટે વરદાન છે 'એક્વાથેરાપી' : જાણો પાણીમાં થતી આ ટ્રીટમેન્ટના અદભૂત ફાયદા
પિતાની વેદના: "મારા દીકરાને આખું શરીર ફાડી ખાધું"
બાળકના પિતા દિલીપભાઈએ અત્યંત વ્યથિત હૃદયે જણાવ્યું હતું કે, "મારો દીકરો તો રમવા ગયો હતો, મને ખબર નહોતી કે રખડતા શ્વાન તેને આવી રીતે ફાડી ખાશે. તેના આખા શરીર પર ગંભીર ઘા છે. અમે તાત્કાલિક તેને સિવિલ લાવ્યા છીએ, જ્યાં ડોક્ટરો તપાસ કરી રહ્યા છે. મારી તંત્રને વિનંતી છે કે આ શ્વાનનો કંઈક નિકાલ કરો, આજે મારા છોકરા સાથે જે થયું તે કાલે બીજા કોઈના બાળક સાથે ન થાય."
તંત્રની ઉદાસીનતા સામે સ્થાનિકોમાં રોષ
સુરત મહાનગરપાલિકા દ્વારા રખડતા શ્વાનના ખસીકરણ અને તેમને પકડવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, તેમ છતાં સચિન GIDC જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં શ્વાનની સંખ્યામાં કોઈ ઘટાડો જોવા મળી રહ્યો નથી. આ પહેલા પણ સુરતમાં શ્વાનના કરડવાથી બાળકોના મોત થયાના કિસ્સાઓ નોંધાયા છે. સ્થાનિક રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર દ્વારા વહેલી તકે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે.






