Sensex Nifty Fall: ભારતીય શેરબજાર માટે અઠવાડિયાનો પ્રથમ દિવસ અત્યંત નિરાશાજનક સાબિત થયો છે. વૈશ્વિક અસ્થિરતા અને સ્થાનિક સ્તરે વધતી ચિંતાઓને કારણે સોમવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર કડાકો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો સેન્સેક્સ ઈન્ડેક્સ અગાઉના બંધ સ્તરથી સીધો 944 પોઈન્ટ તૂટીને ખુલ્યો હતો, જેના કારણે ટ્રેડિંગ ફ્લોર પર ગભરાટ ફેલાયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના નિફ્ટીમાં પણ શરૂઆતની ગણતરીની મિનિટોમાં જ 275 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.
બજારમાં અચાનક આવેલી આ વેચવાલી પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની અપીલ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના વધતા ભાવને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યા છે. સેન્સેક્સ તેના પાછલા બંધ 77,328 ની સામે 76,638 ના સ્તરે ઓપન થયો હતો અને માત્ર 5 મિનિટના ટ્રેડિંગમાં જ વધુ ગગડીને 76,363 પર પહોંચી ગયો હતો. આવી જ રીતે નિફ્ટી પણ 24,176 થી તૂટીને 23,895 ના લેવલ પર આવી ગયો હતો, જેનાથી રોકાણકારોની સંપત્તિમાં મોટું ધોવાણ થયું છે.
બજારમાં કડાકા પાછળના 3 મુખ્ય કારણો
શેરબજારમાં આજે જોવા મળેલી સુનામી પાછળ નીચે મુજબના પરિબળો જવાબદાર હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે:
PM મોદીની અપીલ અને યુદ્ધનો ડર: વડાપ્રધાને તાજેતરમાં દેશવાસીઓને સોનું ન ખરીદવા અને ઈંધણની બચત કરવાની સલાહ આપી છે. પાડોશી દેશોમાં ચાલતા યુદ્ધની ભારત પર થતી અસર અંગેના તેમના નિવેદને રોકાણકારોમાં ચિંતા જગાવી છે.
ક્રૂડ ઓઈલમાં ઉછાળો: અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણામાં વિલંબ થવાને કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવમાં 3% નો તોતિંગ ઉછાળો આવ્યો છે.
મોંઘવારીનો ડર: વૈશ્વિક સ્તરે વધતા તણાવને કારણે આયાત મોંઘી થવાની અને તેને પગલે મોંઘવારી વધવાની શક્યતાએ બજારનો ઉત્સાહ ઘટાડ્યો છે.
આ પણ વાંચો: માત્ર ₹333 બચાવીને મેળવો ₹17 લાખથી વધુનું ફંડ! : જાણો પોસ્ટ ઓફિસની આ ધાંસુ સ્કીમ વિશે
દિગ્ગજ શેરોમાં મોટું ગાબડું
બજારમાં આજે ચોમેર વેચવાલીનો માહોલ રહ્યો હતો, જેમાં ખાસ કરીને બ્લુ-ચિપ કંપનીઓના શેરો સૌથી વધુ પ્રભાવિત થયા હતા:
ટાઈટન (Titan): સૌથી વધુ 6.50% નો ઘટાડો નોંધાયો.
ઈન્ડિગો (IndiGo): ઈંધણના ભાવ વધવાની ભીતિએ શેર 4% તૂટ્યો.
SBI: બેંકિંગ સેક્ટરમાં વેચવાલી વચ્ચે એસબીઆઈ 3.50% નીચે ટ્રેડ કરી રહ્યો હતો.
IT સેક્ટર: TCS, ઈન્ફોસિસ અને ટેક મહિન્દ્રા જેવા શેરો પણ લાલ નિશાનમાં જોવા મળ્યા હતા.
મિડકેપ કેટેગરીમાં પણ અશોક લેલેન્ડ, મુથૂટ ફાઈનાન્સ અને પેટીએમ જેવા શેરોમાં 1.5% થી 3.4% સુધીનો કડાકો જોવા મળ્યો હતો. નિષ્ણાતોના મતે, જ્યાં સુધી વૈશ્વિક સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી બજારમાં ઉતાર-ચઢાવ યથાવત રહી શકે છે.





