Stock Market Update: ભારતીય શેરબજારમાં ગુરુવારનો દિવસ ભારે ઉથલપાથલ વાળો રહ્યો હતો. સવારે શાનદાર તેજી સાથે ખૂલેલું બજાર બંધ થતા સુધીમાં પોતાની પકડ ગુમાવી બેઠું હતું. છેલ્લા કલાકમાં આવેલી વેચવાલીને કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંને મામૂલી ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયા છે.
બજારની સ્થિતિ: નફાખોરીએ રંગમાં ભંગ પાડ્યો
આજના કારોબારી સત્રમાં શેરબજારની શરૂઆત આશાસ્પદ રહી હતી. વૈશ્વિક બજારના સારા સંકેતો અને પશ્ચિમ એશિયામાં તણાવ ઘટતા માર્કેટ ગેપ-અપ ઓપનિંગ સાથે ખૂલ્યું હતું. જોકે, ઉપલા સ્તરે રોકાણકારોએ નફો બુક કરવાનું પસંદ કરતા બજારમાં અચાનક વોલેટાલિટી વધી હતી. દિવસના અંતે સેન્સેક્સ 122.56 પોઈન્ટ (0.16%) ઘટીને 77,988.68 પર અને નિફ્ટી 34.55 પોઈન્ટ (0.14%) ઘટીને 24,196.75 ની સપાટીએ બંધ રહ્યો હતો. નિષ્ણાતોના મતે, નિફ્ટીમાં 24,415 ની આસપાસ મોટો અવરોધ (Resistance) જોવા મળી રહ્યો છે. બજાર છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહ્યું હતું, તેથી આજના ઘટાડાને એક 'હેલ્ધી કરેક્શન' તરીકે જોવામાં આવી રહ્યો છે. જ્યાં સુધી નિફ્ટી 24,350 ની ઉપર મજબૂતીથી ટકી ન જાય, ત્યાં સુધી નવી મોટી તેજીની શક્યતા ઓછી છે.
આ પણ વાંચો: એક જ દિવસમાં પગરખા વેચતી આ કંપનીનો સ્ટોક 870% વધ્યો : સ્ટોક માર્કેટમાં મચાવી ધૂમ; હવે કરશે AIનું કામ
કોણ વધ્યું અને કોણ ઘટ્યું?
ટોપ ગેનર્સ (વધનારા શેર): બજારમાં ઘટાડા છતાં અદાણી એન્ટરપ્રાઇઝિસ, હિંડાલ્કો, ટ્રેન્ટ અને અદાણી પોર્ટ્સ જેવા શેરોમાં સારી ખરીદી જોવા મળી હતી. મેટલ અને આઈટી સેક્ટરે બજારને ટેકો આપવાનો પ્રયાસ કર્યો હતો.
ટોપ લુઝર્સ (ઘટનારા શેર): બીજી તરફ, HDFC બેંક, ONGC, ટાઇટન, એપોલો હોસ્પિટલ્સ અને HDFC લાઈફ જેવા દિગ્ગજ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું, જેને કારણે ઇન્ડેક્સ નીચે આવ્યો હતો.
સેક્ટર મુજબનો દેખાવ: IT અને મેટલમાં ચમક
આજના કામકાજમાં આઈટી, કેપિટલ ગુડ્સ અને મેટલ ઇન્ડેક્સમાં 1-1 ટકાનો વધારો નોંધાયો હતો. ખાસ કરીને ચીનના સારા આર્થિક ડેટાને કારણે મેટલ શેરોમાં તેજી રહી હતી. જોકે, ઓટો, બેંકિંગ અને ઓઈલ-ગેસ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો. બેંકિંગ સેક્ટર પર ચોથા ક્વાર્ટરના પરિણામોની ચિંતાને કારણે દબાણ જોવા મળી રહ્યું છે.
મિડકેપ અને સ્મોલકેપમાં તેજી યથાવત
ભલે મુખ્ય ઇન્ડેક્સમાં ઘટાડો થયો હોય, પરંતુ બ્રોડર માર્કેટમાં એટલે કે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં રોકાણકારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 0.6 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ લગભગ 1 ટકા વધીને બંધ રહ્યો હતો. આ દર્શાવે છે કે નાના અને મધ્યમ કદના શેરોમાં હજુ પણ રોકાણકારોને સારી તક દેખાઈ રહી છે.
આ પણ વાંચો: શેરબજારમાં રોકેટ ગતિએ તેજી : સેન્સેક્સ 550 પોઈન્ટ ઉછળ્યો, જાણો કયા 5 શેરોએ આજે 52-વીક હાઈ સપાટી વટાવી
નિષ્ણાતોનો અભિપ્રાય: રોકાણકારોએ શું કરવું?
સપોર્ટ અને રેઝિસ્ટન્સ: ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટી માટે 24,000 થી 24,100 ની રેન્જ મજબૂત સપોર્ટ તરીકે કામ કરશે. જો બજાર 24,350 પાર કરશે તો 24,650 સુધીના સ્તરો જોવા મળી શકે છે.
સાવચેતીની જરૂર: માર્કેટ એક્સપર્ટ્સ હાલમાં આક્રમક ખરીદી ટાળવાની સલાહ આપી રહ્યા છે. બજાર અત્યારે કન્સોલિડેશન (સ્થિરતા) ના મોડમાં હોઈ શકે છે, તેથી સ્ટોક-સ્પેસિફિક એટલે કે જે કંપનીઓના પરિણામો સારા હોય તેના પર ધ્યાન આપવું હિતાવહ છે.
રૂપિયામાં રિકવરી
શેરબજારમાં અસ્થિરતા વચ્ચે ભારતીય રૂપિયામાં આજે મજબૂતી જોવા મળી હતી. અમેરિકી ડોલર સામે રૂપિયો 18 પૈસા વધીને 93.19 પર બંધ રહ્યો હતો. વિદેશી રોકાણકારો (FII) ની ભારતીય બજારમાં વાપસી અને ટ્રેડ ડેફિસિટમાં ઘટાડો થવાને કારણે રૂપિયાને ટેકો મળ્યો છે.





