સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે એટલે કે બુધવારે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે વેપાર વાટાઘાટો ચાલુ રાખવાના સંકેત આપ્યા બાદ રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો.
સવારે 9:30 વાગ્યે BSE સેન્સેક્સ 300 પોઈન્ટ ઉછળ્યો, જ્યારે નિફ્ટી 24,900ની ઉપર ટ્રેડ કરી રહ્યો હતો. અદાણી પોર્ટ્સ અને L&T ના શેરમાં 2% નો વધારો થયો. સાથે જ ભારતીય રૂપિયા 2 રૂપિયાના મજબૂતી સાથે ડોલર સામે 88.13 પર પહોંચી ગયો.
જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ ડૉ. વીકે વિજયકુમારના જણાવ્યા મુજબ, આ તેજીનું મુખ્ય કારણ ભારત-અમેરિકા સંબંધોમાં સુધારા માટે ટ્રમ્પના નિવેદન અને તેના પર પીએમ મોદીની સકારાત્મક પ્રતિક્રિયા છે. તેમ છતાં, બજારનું મૂલ્યાંકન નિવેદનો નહીં પરંતુ વાસ્તવિક પગલાંઓ પર આધારિત રહેશે.
વૈશ્વિક બજારોમાંથી ટેકો
એશિયન બજારોમાં પણ વૃદ્ધિ જોવા મળી. જાપાનનો નિક્કી 0.21%, હોંગકોંગનો હેંગ સેંગ 0.39%, દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.3% અને ચીનનો CSI 300 ઇન્ડેક્સ 0.27% વધ્યો.
યુએસ બજારોમાં પણ ગ્રીન ઝોન જોવા મળ્યો. ડાઉ જોન્સ 0.43% વધ્યો, જ્યારે S&P 0.27% અને Nasdaq 0.37% ઉછાળાથી બંધ થયા.
બધા ક્ષેત્રોમાં તેજી
GST સુધારા અને વેપાર વાટાઘાટોની આશાવાદી સ્થિતિ વચ્ચે ભારતીય બજારમાં સતત પાંચમા દિવસે વૃદ્ધિ નોંધાઈ છે. IT શેરોના મજબૂત પ્રદર્શન સાથે તમામ 16 મુખ્ય સેક્ટરો ગ્રીન ઝોનમાં રહ્યા. સાથે જ સ્મોલકૅપ અને મિડકૅપ ઇન્ડેક્સમાં 0.5% નો ઉછાળો નોંધાયો.