ભારત થોડા સમયમાં ક્રિટિકલ મિનરલ્સના સેક્ટરમાં આત્મનિર્ભર બનવાની દિશામાં એક મોટું પગલું લેવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ 1500 કરોડ રૂપિયાની નવી ઇન્સેટીવ સ્કીમને મંજૂરી આપી છે, જેનો ઉદેશ્ય ઈ-વેસ્ટ અને બેટરી વેસ્ટથી મહત્વપૂર્ણ ખનીજોનું રીસાઇક્લિંગ વધારવાનો છે. મંત્રાલય અનુસાર, આ યોજનાના માધ્યમે દેશમાં કાચા માલની સપ્લાઈ ચેનને મજબૂત બનાવવામાં આવશે અને નવા ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે.
આ યોજના નેશનલ ક્રિટિકલ મિનરલ મિશન (NCMM) હેઠળ કાર્યરત રહેશે અને 2025-26 થી 2030-31 સુધી છ વર્ષ માટે અમલમાં મૂકવામાં આવશે. આ યોજનાનો ઉદ્દેશ્ય માઇનિંગ અને એક્સપ્લોરેશન પ્રોજેક્ટના પરિણામો બહાર આવે ત્યાં સુધી તાત્કાલિક ઉકેલો પૂરા પાડવાનો છે. નિષ્ણાતોના મતે, ખનન ઓપરેશનમાં ઘણો સમય લાગે છે, જ્યારે ઇ-વેસ્ટ અને બેટરી વેસ્ટમાંથી ખનિજો કાઢવાની પ્રક્રિયા ઝડપી અને ઓછી ખર્ચાળ છે.
કોને ફાયદો થશે?
આ યોજનામાં ઈ-વેસ્ટ, લિથિયમ-આયન બેટરી (LIB) સ્ક્રેપ અને વાહન ઉત્પ્રેરક કન્વર્ટર જેવા ઘટકોના રિસાયક્લિંગને આવરી લેવામાં આવશે. તેમાં મોટા અને સ્થાપિત રિસાયક્લિંગ એકમો તેમજ નાના ખેલાડીઓ અને સ્ટાર્ટઅપ્સનો સમાવેશ થશે. કુલ બજેટનો એક તૃતીયાંશ ભાગ ખાસ કરીને નાના અને નવા રિસાયકલર્સ માટે અનામત રાખવામાં આવ્યો છે.
ઇન્સેટીવની પધ્ધતિ
આ યોજના હેઠળ, પ્લાન્ટ, મશીનરી અને સાધનો પર 20% કેપિટલ સબસિડી આપવામાં આવશે. સંચાલન ખર્ચ પર પણ સબસિડી ઉપલબ્ધ થશે, જે 2025-26 ના આધાર વર્ષ દરમિયાન વેચાણ વૃદ્ધિ પર આધારિત હશે. આ સબસિડી બે હપ્તામાં આપવામાં આવશે - બીજા વર્ષે 40% અને પાંચમા વર્ષે 60%.
મર્યાદાઓ અને સંભવિત લાભો
દરેક એકમ માટે મહત્તમ ઇન્સેટીવ મોટા એકમો માટે રૂ. 50 કરોડ અને નાના એકમો માટે રૂ. 25 કરોડ નક્કી કરવામાં આવ્યું છે. આ યોજના અંદાજે 270 કિલો ટન વાર્ષિક રિસાયક્લિંગ ક્ષમતા અને લગભગ 40કિલો ટન મહત્વપૂર્ણ ખનિજ ઉત્પાદન ઉત્પન્ન કરશે. આ પ્રોજેક્ટ કુલ રૂ. 8,000 કરોડનું રોકાણ આકર્ષિત કરશે અને લગભગ 70,000 નવી નોકરીઓનું સર્જન કરશે.