Surendranagar News: ગુજરાતના ધોરીમાર્ગો પર રક્તરંજિત અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજે વહેલી સવારના સુમારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર એક કાળજું કંપાવી દે તેવી દુર્ઘટના આકાર પામી છે. લખતરના ભાસ્કરપરા ગામની સીમમાં બેફામ ગતિએ દોડતા એક ટ્રક ચાલકે શ્રદ્ધાના માર્ગે નીકળેલા પદયાત્રીઓના સંઘને કચડી નાખતા 7 લોકોના ઘટનાસ્થળે જ કરુણ અને હૃદયદ્રાવક મોત નિપજ્યા છે. આ ગોઝારા અકસ્માતને પગલે સમગ્ર રાજ્યમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને માલધારી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
રાજકોટથી નીકળેલો આ પદયાત્રીઓનો સંઘ જ્યારે પોતાની આસ્થાના પ્રતીક સમાન ગઢકા ગામે ધજા ચડાવવા જઈ રહ્યો હતો, ત્યારે કાળમુખા ટ્રકે તેમની ખુશીઓને માતમી સન્નાટામાં ફેરવી નાખી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે પદયાત્રીઓના દેહ હાઈવે પર ક્ષત-વિક્ષત હાલતમાં વેરવિખેર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો અને સ્થાનિક અગ્રણીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા.
કાળમુખા ટ્રકે શ્રદ્ધાળુઓને લીધા અડફેટે
લખતર-વિરમગામ હાઈવે પર આવેલા છારદ અને ભાસ્કરપરા ગામ વચ્ચે ગતરાત્રે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. રાજકોટથી મેરા જઈ રહેલા ભરવાડ સમાજના યાત્રાળુઓ જ્યારે માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પરે તેમને હડફેટે લીધા હતા. ડમ્પર ચાલકની બેદરકારીને કારણે 10 જેટલા યાત્રિકો અડફેટે આવ્યા હતા, જેમાંથી 7 સભ્યો કાળનો કોળિયો બની ગયા હતા.
એક જ પરિવારના 7 સભ્યોના મોત: 5 મહિલા અને 2 પુરુષોએ જીવ ગુમાવ્યા
આ દુર્ઘટનામાં ભોગ બનનારા તમામ મૃતકો ભરવાડ સમાજના મુંધવા પરિવારના હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં મસાભાઇ કરશનભાઈ મુંધવા, જાલુબેન મસાભાઇ મુંધવા, રાણીબેન મંગાભાઇ લાંબરીયા અને વજીબેન વીભાભાઇ મુંધવા સહિત કુલ સાત સભ્યોનો સમાવેશ થાય છે. મંદિરે ધજા ચડાવવાની ગણતરીની કલાકો પહેલા જ પરિવાર પર વજ્રઘાત થયો છે. હાઈવે પર યાત્રાળુઓની કરુણ ચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
ઘટનાસ્થળે દોડી આવ્યા ધારાસભ્ય અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ
અકસ્માતની ગંભીરતાને જોતા દસાડા-લખતરના ધારાસભ્ય પી. કે. પરમાર અને ઇન્ચાર્જ એસપી વેદિકા બિહાની ત્વરિત ઘટનાસ્થળે પહોંચ્યા હતા. લખતર પોલીસ કાફલાએ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. ગેડીયા મહંત સહિત વિવિધ સમાજના અગ્રણીઓએ પણ હોસ્પિટલ પહોંચી શોકગ્રસ્ત પરિવારને સાંત્વના આપી હતી.
હાઈવે પર ક્ષત-વિક્ષત હાલતમાં મૃતદેહો
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માતની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે ટ્રક પદયાત્રીઓ પર ફરી વળતા હાઈવે લોહીલુહાણ થઈ ગયો હતો. અંધારામાં બનેલી આ ઘટનાને કારણે બચાવ કામગીરીમાં પણ મુશ્કેલી પડી હતી. પોલીસ હાલમાં ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી રહી છે.






