Home National Sonia Gandhi Admitted To Sir Ganga Ram Hospital Health Update

સોનિયા ગાંધીની તબિયત લથડી : દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ, રાહુલ અને પ્રિયંકા ગાંધી પણ પહોંચ્યા

સોનિયા ગાંધીની તબિયત લથડી
Published by: Nirali Gohil
Last Updated: Mar 25, 2026, 03:39 AM IST

નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત મંગળવારે અચાનક બગડતા તેમને દિલ્હીની જાણીતી સર ગંગારામ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, સોનિયા ગાંધીને કેટલીક શારીરિક અસ્વસ્થતા જણાતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સમાચાર વાયુવેગે પ્રસરતા કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનિયા ગાંધીની હાલત હાલ સ્થિર છે અને નિષ્ણાત તબીબોની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર દેખરેખ રાખી રહી છે. તેમને સાવચેતીના ભાગરૂપે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સોનિયા ગાંધી લાંબા સમયથી શ્વાસ સંબંધિત સમસ્યાઓ અને અસ્થમાથી પીડાતા રહ્યા છે, જેને પગલે અગાઉ પણ તેમને તબીબી સારવારની જરૂર પડી હતી.

રાહુલ અને પ્રિયંકા ગાંધી હોસ્પિટલ પહોંચ્યા

સોનિયા ગાંધીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની જાણ થતા જ પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા તાત્કાલિક સર ગંગારામ હોસ્પિટલ પહોંચ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ, રાહુલ ગાંધી હોસ્પિટલમાં થોડો સમય રોકાયા બાદ ત્યાંથી રવાના થયા હતા, જ્યારે પ્રિયંકા ગાંધી હોસ્પિટલમાં જ રોકાઈને માતાની સંભાળ રાખી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. પરિવારના સભ્યો હોસ્પિટલમાં હાજર હોવાથી તબીબો સાથે પરામર્શ ચાલી રહ્યો છે.

જાન્યુઆરીમાં પણ ફેફસામાં ઈન્ફેક્શનને કારણે થયા હતા દાખલ

૭૯ વર્ષીય સોનિયા ગાંધી છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં પણ તેમને ફેફસામાં ઈન્ફેક્શન અને અસ્થમાની ગંભીર અસરને કારણે આ જ સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે પણ તેમને થોડા દિવસો સુધી તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા બાદ રજા આપવામાં આવી હતી. તબીબો હાલ જૂના રિપોર્ટ્સ અને વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને સારવાર કરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now