Home Gujarat Sog Takes Strict Action Against Gogo Paper In Gir Somnath

ગીર સોમનાથમાં ગોગો પેપર સામે SOGની કડક કાર્યવાહી : 5 પાનના ગલ્લાઓ પર દરોડા, 124 સ્મોકિંગ કોન જપ્ત

ગીર સોમનાથમાં ગોગો પેપર સામે SOGની કડક કાર્યવાહી
Published by: OBS Bureau
Last Updated: Dec 18, 2025, 07:10 AM IST

Gir Somnath smoking cone seize : ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થોના ઉપયોગ સામે રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે વેચાતા ‘ગોગો પેપર’ સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વેરાવળ શહેરમાં એકસાથે પાંચ અલગ-અલગ પાનના ગલ્લાઓ પર દરોડા પાડી મોટી માત્રામાં ગોગો પેપર અને સ્મોકિંગ કોન જપ્ત કરવામાં આવ્યા છે.

124 સ્મોકિંગ કોન SOGએ જપ્ત કર્યો

ચેકિંગ દરમિયાન પાનના ગલ્લાઓ પર ડ્રગ્સના સેવન માટે ઉપયોગમાં લેવાતી ગોગો પેપર સામગ્રી મળી આવતા પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. SOG ટીમે લીલાશાહ નગર સ્થિત રોનક પાન, હરસિદ્ધિ સોસાયટી – સ્કાય સિટી વિસ્તારમાં શિવમ પાન, વેરાવળ બ્લડ બેંક શેરીમાં ગાયત્રી પાન, બહારકોટ કાનાવાલી બાગ વિસ્તારમાં સ્વાતિ પાન તેમજ જલારામ ટોકીઝ પાછળ આવેલા ખુશ્બુ પાન પર દરોડા પાડી તપાસ કરી હતી. દરોડા દરમિયાન કુલ 124 નંગ ગોગો સ્મોકિંગ કોન અને 268 નંગ ગોગો રોલિંગ પેપર મળી આવ્યા હતા. આ તમામ મુદ્દામાલની કિંમત રૂ. 4,540/- થાય છે, જે SOG પોલીસે જપ્ત કરી લીધો છે.

પાંચ પાન ગલ્લાના સંચાલકો સામે કાર્યવાહી

આ મામલે પાંચ પાન ગલ્લાના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ભાવેશ ચેતનભાઈ સેજપાલ (રોનક પાન), ખુશાલભાઈ કિશનચંદ ભગાનાણી (શિવમ પાન), ગોવિંદ ત્રિકમદાસ ગંગવાણી (ગાયત્રી પાન), મોસીન ઈસ્માઈલ મુગલ પટણી (સ્વાતિ પાન) અને પ્રદીપ શામજીભાઈ અડવાણી (ખુશ્બુ પાન) વિરુદ્ધ વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રતિબંધ બાદ પોલીસ ચેકિંગ

ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ, ગાંજા જેવી નશીલી પ્રવૃત્તિઓમાં ઉપયોગ થતી ‘ગોગો પેપર’ પાન પાર્લરો તેમજ હોમ ડિલિવરી મારફતે સરળતાથી મળી રહી હોવાની ફરિયાદો સામે આવતા રાજ્ય સરકારે તાજેતરમાં તેના વેચાણ પર પ્રતિબંધ જાહેર કર્યો છે. પ્રતિબંધ બાદ રાજ્યભરમાં પોલીસ દ્વારા કડક ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now