Home Tech/Gadgets Smartwatch Will Work Without Battery New Miracle Of Science Smart Watch Without Battery Will Come

બેટરી વગર ચાલશે સ્માર્ટવોચ! : વિજ્ઞાનનો નવો ચમત્કાર બેટરી વગરની સ્માર્ટવોચ આવશે

બેટરી વગર ચાલશે સ્માર્ટવોચ!
Published by: OBS Bureau
Last Updated: Mar 21, 2026, 01:33 PM IST

Smartwatch without battery : આજના સમયમાં સ્માર્ટવોચ આપણી જીવનશૈલીનો એક મહત્વનો ભાગ બની ગઈ છે. પરંતુ તેને વારંવાર ચાર્જ કરવાની સમસ્યા દરેકને નડે છે. કલ્પના કરો કે જો તમારી સ્માર્ટવોચમાં બેટરી જ ન હોય અને તે ફક્ત તમારા શરીરની ગરમીથી જ ચાલવા લાગે? આ વાત હવે માત્ર કલ્પના નથી રહી. દક્ષિણ કોરિયાના એક સંશોધકોએ એવી ટેકનોલોજી વિકસાવી છે, જે પહેરવાલાયક ડિવાઇસ એટલે કે, વિયરેબલ્સને બેટરી વગર ચલાવવામાં મદદ કરશે.

સિઓલ નેશનલ યુનિવર્સિટીનું નવું સંશોધન

દક્ષિણ કોરિયાની સિઓલ નેશનલ યુનિવર્સિટીના સંશોધકોએ એક એવો પાવર સ્ત્રોત શોધ્યો છે, જે સંપૂર્ણપણે સપાટ છે અને શરીર પર સરળતાથી પહેરી શકાય છે. આ સંશોધન મુજબ, આગામી સમયમાં એવી સ્માર્ટવોચ અને હેલ્થ ટ્રેકર્સ જોવા મળશે જેને ચાર્જ કરવા માટે પ્લગ કે બેટરીની જરૂર નહીં પડે. આ ડિવાઇસ મનુષ્યના શરીરની કુદરતી ગરમીનો ઉપયોગ કરીને પોતાની જાતે જ વીજળી પેદા કરી શકશે.

કેવી રીતે કામ કરશે આ ટેકનોલોજી?

આ આખી સિસ્ટમ 'થર્મોઇલેક્ટ્રિક જનરેટર' (Thermoelectric Generator) પર આધારિત છે. આ એક એવું ડિવાઇસ છે, જે ગરમ સપાટી (જેમ કે આપણી ત્વચા) પરથી ગરમીને ખેંચી લે છે અને તેને વિદ્યુત ઊર્જામાં રૂપાંતરિત કરે છે. જ્યારે તમે આ ઘડિયાળ હાથ પર પહેરશો, ત્યારે તમારા શરીરની ગરમી સતત તેને ચલાવવા માટે જરૂરી પાવર આપતી રહેશે.

ભારે ડિઝાઇનમાંથી મળી મુક્તિ

શરૂઆતમાં આ પ્રકારના જનરેટર્સમાં થાંભલા જેવી ઊભી રચનાઓ હતી, જે ઘણી ભારે અને જાડી હતી. પરંતુ એન્જિનિયરોએ હવે તેનો ઉકેલ શોધી કાઢ્યો છે. તેમણે 'સ્યુડોટ્રાન્સવર્સ થર્મોઇલેક્ટ્રિક જનરેટર' બનાવ્યા છે, જે કાગળ જેવા એકદમ પાતળા અને સપાટ છે. આ માટે સિલિકોન બેઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ગરમીને હવામાં વેડફાઈ જતી રોકે છે અને વધુ કાર્યક્ષમ રીતે વીજળી બનાવે છે.

કોપર નેનોપાર્ટિકલ્સનો કમાલ

આ નવી ટેકનોલોજીમાં કોપર (તાંબા) ના અતિ સૂક્ષ્મ નેનોપાર્ટિકલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કણો ગરમીને ચોક્કસ દિશામાં વહેવામાં મદદ કરે છે, જેના કારણે ડિવાઇસની સપાટી પર ગરમ અને ઠંડા ઝોન બને છે. આ પ્રક્રિયાથી વીજળીનો પ્રવાહ યોગ્ય રીતે વહે છે. ખાસ વાત એ છે કે, આ આખું ડિવાઇસ ઇન્ક-બેઝ્ડ પ્રિન્ટિંગથી બને છે, જેના કારણે તે ઘણું લવચીક (Flexible) છે અને કોઈપણ આકારમાં ફિટ થઈ શકે છે.

ભવિષ્યમાં શું ફેરફાર આવશે?

આ ટેકનોલોજીના કારણે ભવિષ્યમાં સ્માર્ટવોચ માત્ર પાતળી જ નહીં બને, પણ તે લાંબો સમય ટકશે. બેટરીની જગ્યા બચવાથી કંપનીઓ તેમાં વધુ નવા સેન્સર અને ફીચર્સ ઉમેરી શકશે. આ 'સેલ્ફ-પાવર્ડ' ડિવાઇસ પર્યાવરણ માટે પણ ફાયદાકારક રહેશે કારણ કે, તેમાં બેટરીના કચરાનો પ્રશ્ન રહેશે નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now