આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન વાપરતી વખતે આપણે અનેક પ્રકારની એપ્લિકેશન ડાઉનલોડ કરીએ છીએ. આ એપ્સ ઇન્સ્ટોલ થયા બાદ ફોનમાં વિવિધ પરમિશન એટલે કે પરવાનગીઓ માંગતી હોય છે. મોટાભાગના યુઝર્સ વિગતો વાંચ્યા વગર જ તમામ પરમિશનને 'Allow' કરી દેતા હોય છે, પરંતુ આ આદત અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. ઘણી એપ્સ એવી હોય છે જેમને પોતાના કામ સાથે કોઈ લેવાદેવા ન હોય તેવી બિનજરૂરી એક્સેસ પણ માંગતી હોય છે. આ પરવાનગી મળતા જ તમારો ખાનગી ડેટા જોખમમાં મુકાઈ શકે છે અને તે ખોટા હાથોમાં જવાની પૂરી શક્યતા રહેલી છે.
શું છે એપ પરમિશન?
જ્યારે તમે કોઈ એપ ડાઉનલોડ કરો છો, ત્યારે તે તમારા ફોનના ફીચર્સ કે ડેટા વાપરવા માટે પરવાનગી માંગે છે. દાખલા તરીકે, કોઈ ફોટો એડિટિંગ એપ હોય તો તેને કેમેરા અને ગેલેરીની એક્સેસની જરૂર હોય તે સ્વાભાવિક છે. પરંતુ કેટલીક એપ્સ શંકાસ્પદ પરમિશન માંગતી હોય છે. અગાઉ એવા કિસ્સા પણ સામે આવ્યા છે જેમાં સામાન્ય ફ્લેશલાઈટ એપ યુઝરના કોન્ટેક્ટ લિસ્ટની પરમિશન માંગતી હતી, જે ખરેખર તેના કાર્ય માટે બિનજરૂરી છે.
જોખમો અને નુકસાન
વિચાર્યા વગર એપને તમામ પરમિશન આપવાથી ગંભીર પરિણામો આવી શકે છે. હકીકતમાં, આવી પરવાનગીઓ દ્વારા એપ્સ તમારા ફોનમાં માલવેર (ખતરનાક સોફ્ટવેર) ઇન્સ્ટોલ કરી શકે છે. આ ઉપરાંત, લોકેશન એક્સેસ દ્વારા તમે રિયલ-ટાઇમમાં ક્યાં છો તેની સતત દેખરેખ રાખી શકાય છે. ડેટા ચોરીની સાથે સાથે બેંકિંગ વિગતો લીક થવાનો અને ફાઇનાન્શિયલ ફ્રોડ થવાનો ખતરો પણ અનેકગણો વધી જાય છે.
આ પરમિશન આપતી વખતે રાખો ખાસ ધ્યાન
કોઈપણ એપ જો તેના કામ સાથે સુસંગત ન હોય તેવી એક્સેસ માંગે તો તેને તરત જ નકારી દેવી જોઈએ. ખાસ કરીને કેમેરા અને માઇક્રોફોનની પરમિશન આપતી વખતે અત્યંત સતર્ક રહેવું, કારણ કે તેની મદદથી તમારું રેકોર્ડિંગ થઈ શકે છે અથવા તમારી અંગત વાતો સાંભળી શકાય છે. લોકેશન માટે 'Always Allow' ને બદલે 'Only While Using the App' વિકલ્પ પસંદ કરવો જોઈએ, જેથી એપ બંધ હોય ત્યારે તમારું ટ્રેકિંગ ન થાય. કોન્ટેક્ટ અને સ્ટોરેજમાં તમારી અત્યંત ખાનગી માહિતી હોય છે, તેથી જે એપ્સને ખરેખર જરૂર હોય તેને જ આ એક્સેસ આપવી હિતાવહ છે.





















